October 16, 2024
બાળકો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આ રીતે સુધારો તેમનું આર્થિક ભવિષ્ય

બાળકો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આ રીતે સુધારો તેમનું આર્થિક ભવિષ્ય

બિઝનેસ ખબરી, અમદાવાદ:

માતા-પિતા તરીકે સૌ કોઈને તેમાંના સંતાનના ભવિષ્યની ચિંતા હમેશા રહેતી હોય છે. આમાં આર્થિક બાબતો મુખ્ય છે. મને મારી દીકરી માટે તેના ભવિષ્યની અને ખાસ કરીને તેના આર્થિક ભવિષ્યની ચિંતા સતત થઈ રહેતી હોય છે. તમને પણ તમારા દીકરી કે દીકરા માટે તેમના આર્થિક ભવિષ્ય અંગે સતત વિચારતા હશો. નાણાકીય આયોજન એ નથી કે કયો સ્ટોક ખરીદવો અને વેચવો. આપના જેવા લોકો માટે સૌથી વધુ મુંઝવણ એ હોય છે કે, કયા રોકાણ કરવું, કેટલું કરવું અને કેટલા સમય માટે રોકાણ કરવું? સમજો કે જીવનના બદલાતા તબક્કા સાથે, રોકાણના ઉદ્દેશ્યો અને વ્યૂહરચનાઓ પણ બદલવાની જરૂર છે. નાણાકીય આયોજક અથવા સલાહકાર આમાં મદદ કરી શકે છે. આવો જાણીએ કે આપણે સંતાન માટે શું કરીએ જેથી તેમનું ફાઇનાન્શિયલ ફ્યુચર સલામત બને…

અંગત અનુભવ
સૌથી પહેલા અંગત અનુભવની એક વાત કરું, અમારા ઘરે જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે મે અને મારા પતિએ સૌથી પહેલું કામ એ કર્યું કે મારી દીકરી માટે એક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) શરૂ કરાવી હતી જે આજે પણ ચાલુ છે. વારે તહેવારે પરિવાર અને સગા-સંબંધીઓ તરફથી દીકરીને જે રોકડ રકમ આપવામાં આવે છે તે અને તેમાં અમે અમારા તરફથી ઉમેરો કરી અને એવું પ્લાનિંગ કર્યું કે તેનાથી સમયાંતરે અમે અમારી દીકરીના અભ્યાસનો નાનો-મોટો ખર્ચ કાઢી શકીએ છીએ. એટલે કે તેના અભ્યાસમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તેમાંથી થોડી રકમ ઉપાડી અને જરૂરિયાત પૂરી કરી શકાય છે. આ રીતે બચત પણ થાય છે અને સમય આવ્યે આર્થિક જરૂરિયાત પણ પૂરી થાય છે.

નાનેથી શરૂઆત કરો
ઇન્વેસ્ટમેન્ટ જ્યારે શરૂ કરતાં હોઈએ ત્યારે તેના રિસ્ક ફેક્ટરને ધ્યાનમાં રાખીને નાના પાયે રોકાણથી શરૂઆત કરવી જોઈએ. સંતાનના ભવિષ્ય માટે પ્લાનિંગ કરતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. આ માટે મ્યુચ્યુઅલ ફંડ અથવા SIP બેસ્ટ ઓપ્શન છે. આમાં દર મહિને ઓછામાં ઓછા રૂ.500થી શરૂઆત કરી શકાય છે અને સમયાંતરે તે રકમમાં વધારો પણ કરી શકાય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો રૂ. 2000-5000 સુધીની SIP કરતાં હોય છે. અત્યાર સુધીનો અભ્યાસ એવું કહે છે કે, SIP દર વર્ષે સરેરાશ 10-12% જેવુ વળતર આપે છે. ઊંચું વળતર મળતું હોવાથી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં મ્યુચ્યુઅલ ફંડ SIP માટે આકર્ષણ વધુ છે. આ ઉપરાંત માર્કેટ સાથે લિંક્ડ હોવા છતાં પણ આમાં ફાઇનાન્શિયલ લોસનું જોખમ ઘણું ઓછું છે. સંતાનોના અભ્યાસ માટે આ ઓપ્શન ઉપયોગી સાબિત થઈ શકે છે.

લાંબા ગાળાનો ફાયદો જોવી જોઈએ
બાળકો માટે લાંબા ગાળાનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો આ વાતને અવગણે છે. બજારમાં આજે ઘણા એવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ઉપલબ્ધ છે જે તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ફાયદો કરવી શકે છે. આમનું એક છે ડિવિડન્ડ યીલ્ડ સ્ટોક. આ પ્રકારના સ્ટોક્સ બજારની વર્તમાન કિંમતના આધારે 5-7% ડિવિડન્ડ યીલ્ડ ચૂકવે છે. જો તમે સ્ટોક્સની યાદીને સ્કેન કરો તો ત્યાં સંખ્યાબંધ સારી ગુણવત્તાવાળા PSU સ્ટોક્સ છે જે આકર્ષક ડિવિડન્ડ આપે છે. ઉચ્ચ ડિવિડન્ડ યીલ્ડ શેર્સની ખાસિયત એ છે કે તેમના નુકસાનનું જોખમ સામાન્ય રીતે મર્યાદિત હોય છે અને જેમ જેમ કંપની તેની કામગીરીમાં સુધારો કરે છે તેમ તેમ ડિવિડન્ડ પણ પ્રમાણસર વધે છે. ઉદાહરણ તરીકે 1993માં ઈન્ફોસિસમાં રૂ. 9500નું રોકાણ આજે રૂ. 4.5 કરોડ થયું છે. આ પ્રકારના સ્ટોક્સ સંતાનના ઉચ્ચ અભ્યાસ કે પછી તેમના લગ્ન સંબંધિત ખર્ચ માટે ઘણા સારા સાબિત થઈ શકે છે. જોકે, આ પ્રકારનું રોકાણ કરતાં પહેલા ફાઇનાન્શિયલ પ્લાનરની સલાહ લેવી જરૂરી છે.

સોના હૈ સદા કે લિયે
ભારતમાં સોનામાં ઇન્વેસ્ટ કરવું એ પરંપરાગત છે. દરેક સારા પ્રસંગો પર સોનાની ભેટ પણ આપવામાં આવે છે. બાળકોનો જન્મદિવસ હોય કે લગ્ન પ્રસંગ કે પછી એચિવમેન્ટ હોય ત્યારે સોનાની ખરીદી કરવામાં આવતી હોય છે. તમારા સંતાન માટે થોડી થોડી રકમ સોનામાં પણ ઇન્વેસ્ટ કરી શકાય છે. હવે, તમને થશે કે અત્યારે સોનાનો ભાવ રૂ. 60,000 પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે ત્યારે એક સાથે આટલું મોટું રોકાણ બધા માટે શક્ય પણ ના હોય. તો તેનો જવાબ છે કે આજે 1 રૂપિયાનું સોનું લેવું હોય તો પણ લઈ શકાય છે. ગોલ્ડ SIP, ગોલ્ડ ETF, ડિજિટલ ગોલ્ડ જેવા ઓપ્શન આજે ઉપલબ્ધ છે જે તમને સોનામાં થોડી થોડી રકમ રોકાણ કરવાની તક આપે છે અને સાથે જ તે જોખમી પણ નથી. આ ઉપરાંત હવે ઘણા જ્વેલર્સ પણ એવી સ્કીમ ચલાવે છે કે જેમાં તમે થોડી થોડી રકમનું સોનું બૂક કરી શકો છો. યુવા રોકાણકારોમાં સોનામાં આ રીતે રોકાણ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. દીકરા કે દીકરીના લગ્નને ધ્યાનમાં રાખીને ઘણા માં-બાપ હવે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે.

હેલ્થ ઇઝ વેલ્થ
કોરોના મહામારીએ આપણને સૌને ઘણું બધુ શીખવ્યું છે. ભારતમાં કોરોના પહેલા સુધી મોટાભાગના લોકો હેલ્થ ઈન્સ્યોરન્સને ગંભીરતાથી લેતા ન હતા અને તેને વેસ્ટ ઓફ મની માનતા હતા. આવું માનવા પાછળનું એક કારણ એ પણ હતું કે તેમાં દેખીતી રીતે કોઈ આર્થિક વળતર મળતું ન હતું. એટલે કે તમે રૂપિયા ભરો છો પણ સામે તમને રૂપિયા મળતા નથી. જોકે, કોરોના બાદ લોકો હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ સમજતા થયા છે અને એટલે જ તેમાં ઇન્વેસ્ટમેન્ટ પણ ઘણું વધ્યું છે. નોકરી કરતાં લોકોને કંપની તરફથી હેલ્થ ઈન્સ્યોરન્સ મળતો હોય છે જેમાં આખો પરિવાર કવર થાય છે. આ ઉપરાંત પણ પર્સનલ હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જરૂરી છે. આજના સમયમાં સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ અલગ અલગ પ્રકારની હોય છે અને તેમાં ક્યારે કેટલો ખર્ચ આવશે તે નિશ્ચિત હોતું નથી એટલે પરિવારના મુખ્ય સભ્યોની સાથે સાથે બાળકોનો હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો પણ એટલો જ જરૂરી છે.

લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી
જીવન વીમા પૉલિસી હંમેશા કડવી ગોળીઓ તરીકે આવે છે, કદાચ, તેમની અસરોને કારણે. જોકે, એ એ વાતને નકારી ન શકાય કે આપણે જીવનમાં આપણને આંચકા માટે તૈયાર રહેવું હિતાવહ છે. જીવન વીમો ખરીદવો, ખાસ કરીને ચાઈલ્ડ પ્લાન, લગભગ સમયની જરૂરિયાત બની ગઈ છે. કમાતા સભ્યના કમનસીબ મૃત્યુના કિસ્સામાં, આ યોજના શિક્ષણના વધતા ખર્ચ અને વધતા બાળકોની અન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે છે. તમારા બાળક માટે કસ્ટમાઇઝ કરેલ વીમા યોજનાઓ તેમના જીવનમાંથી તમારી ગેરહાજરીની દુઃખદ ઘટના અથવા ઘટનાના કિસ્સામાં માત્ર નાણાકીય જવાબદારીઓ પૂરી કરવા માટે જ નહીં પરંતુ મહત્વપૂર્ણ સીમાચિહ્નો માટેનો માર્ગ પણ મોકળો કરે છે. આ તમારા બાળક માટે કંઈપણ હોઈ શકે છે જે અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે, કારકિર્દીના લક્ષ્યો ધરાવે છે જેમાં રોકાણ અથવા લગ્ન ખર્ચની જરૂર હોય છે. તમારા બાળકને વીમા દ્વારા સુરક્ષિત રાખવું એ સુનિશ્ચિત કરશે કે નાણાકીય સંસાધનોની અછતને કારણે તેમના સપનાઓ પાછળ ન જાય.

ઇમરજન્સી ફંડ
દિલગીર થવા કરતાં સલામત રહેવું વધુ સારું છે, અને જ્યારે તમારા પર બાળકોની જવાબદારી હોય, ત્યારે તે અણધારી ઘટનાઓ માટે સલામતી રાખવી એ ઘણી વખત સૌથી વધુ સમજદારીભર્યો નિર્ણય છે. ઈમરજન્સી ફંડ હોવું એ સંપત્તિના સર્જન માટેના સૌથી મહત્વપૂર્ણ પગલાઓમાંનું એક છે. તે બાંયધરી આપે છે કે પરિસ્થિતિ ગમે તે હોય, તમારા બાળક પાસે હંમેશા સુરક્ષા રહેશે. આ ફંડ્સની સૌથી સારી વાત એ છે કે, તમે નાની રકમની બચત કરીને શરૂઆત કરી શકો છો અને નિયમિતપણે આ ફંડમાં રકમ ઉમેરવાનું ચાલુ રાખી શકો છો. જ્યારે તમને સખત જરૂર હોય ત્યારે આના જેવી નાની બચત નોંધપાત્ર રકમ સુધી બિલ્ડ કરી શકે છે.