અમદાવાદ
સરકારી કે ખાનગી જમીનો પર દબાણ થવું એ હવે સામાન્ય બાબત બનતી જાય છે. એટલું જ નહીં પણ આર્મી અથવા તો ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. સસંસદના ચાલુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં ડિફેન્સની ૧૦,૩૧૮.૭૫ એકર (અંદાજે ૫ કરોડ ચોરસ વાર) જમીન પર દબાણ થયું છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં આ આંકડો ૯૬૨૨.૮૦ એકર (આશરે ૪૬.૫૭ કરોડ ચોરસ વાર) હતો. ગુજરાતની વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૧૮માં ગુજરાતમાં ૧૬૫ એકર (અંદાજે ૭,૯૮,૬૦૦ ચોરસ વાર) જમીન પર દબાણ થયું હતું જે અત્યારે ૩૦% જેટલું વધીને ૨૧૨.૭૫ એકર (અંદાજે ૧૦.૩૦ લાખ ચોરસ વાર) પર પહોંચી ગયું છે.
તમિલનાડુના તિરુનેલવેલીના સાંસદ એસ. જ્ઞાનતિરવિયમ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં કેન્દ્રીય રાજ્ય રક્ષા મંત્રી અજય ભટ્ટે આપી હતી. પ્રશ્નના ઉત્તરમાં આપાયેલા આંકડા મુજબ ડીફેન્સની જમીન પર દબાણના મામલે ગુજરાત દેશમાં ૧૩માં ક્રમે છે. વર્તમાન આંકડા પ્રમાણે દેશમાં સૌથીવધુ ઉત્તર પ્રદેશમાં ૧૭૯૭ એકર જમીન પર દબાણ નોંધાયું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં ૧૬૪૪ એકર, મહારાષ્ટ્રમાં ૧૦૨૩ એકર અને પશ્ચિમ બંગાળમાં ડીફેન્સની ૮૧૬ એકર જગ્યા પર દબાણ થયું છે.
ડીફેન્સની જમીનનું નિયમિત ઇન્સ્પેક્શન થાય છે
સરકારે સંસદમાં પૂછાયેલા જવાબમાં જણાવ્યું કે, સંલગ્ન ઓફિસ દ્વારા ડિફેન્સની જગ્યાનું નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જ્યારે દબાણ ધ્યાનમાં આવે ત્યારે પોલીસ, સ્થાનિક સત્તાવાળાઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરીને તેને દૂર કરવામાં આવે છે. સંરક્ષણ જમીન પર અતિક્રમણમાં રાજ્ય સરકારના સત્તાવાળાઓની કોઈ મિલીભગત નોંધવામાં આવી નથી. જો કે, સંરક્ષણ જમીનનો અમુક ભાગ ઓફિસો અથવા જાહેર ઉપયોગિતાઓ માટે કેટલીક રાજ્ય સરકારની એજન્સીઓને આપવામાં આવ્યો છે.
રાજ્ય | 2019 | 2024 |
ઉત્તર પ્રદેશ | 2204.836 | 1796.575 |
મધ્ય પ્રદેશ | 1639.83 | 1643.676 |
મહારાષ્ટ્ર | 923.5062 | 1022.57 |
પશ્ચિમ બંગાળ | 558.165 | 816.0484 |
હરિયાણા | 538.8215 | 793.4094 |
બિહાર | 478.974 | 589.648 |
રાજસ્થાન | 475.2829 | 478.1285 |
આસામ | 460.5397 | 462.3127 |
પંજાબ | 240.68 | 451.1075 |
નાગાલેંડ | 357.53 | 356.1 |
જમ્મુ-કાશ્મીર | 339.2447 | 314.1692 |
ઝારખંડ | 304.932 | 302.522 |
ગુજરાત | 164.6238 | 212.7499 |
તમિલનાડુ | 101.2418 | 153.621 |
કર્ણાટક | 131.7923 | 152.3736 |
દિલ્હી | 111.3013 | 147.5745 |
તેલંગાના | 146.2478 | 95.2236 |
અરુણાચલ પ્રદેશ | 87.8141 | 77.985 |
છત્તીસગઢ | 165.77 | 75.9 |
ઉત્તરાખંડ | 57.3982 | 68.2916 |
સિક્કિમ | 0.2903 | 64.844 |
હિમાચલ પ્રદેશ | 60.1421 | 59.7369 |
આન્ધ્રપ્રદેશ | 21.97 | 52.7965 |
ઓડીશા | 0.11 | 50.935 |
લદ્દાખ | 29.581 | |
અંદામાન નિકોબાર | 26.521 | 24.07 |
મેઘાલય | 11.0855 | 13.3402 |
મણીપુર | 6.1308 | 5.6478 |
ગોવા | 4.264 | 5.1166 |
કેરળ | 2.6839 | 2.617 |
લક્ષદીપ | 0.08 | 0.08 |
મિઝોરમ | 0.003 | |
કુલ | 10318.75 |