October 16, 2024
અયોધ્યામાં જમીન વેચાવા મહત્વની ભૂમિકા ભજવશે અમદાવાદનું સ્ટાર્ટઅપ

અયોધ્યામાં જમીન વેચાવા મહત્વની ભૂમિકા ભજવશે અમદાવાદનું સ્ટાર્ટઅપ

  • અમદાવાદી સ્ટાર્ટઅપે બનાવેલા પ્લેટફોર્મ પર હોટેલ્સ માટેના પ્લોટ્સની હરાજી થશે

બિઝનેસ ખબરી, અમદાવાદ

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ શહેરના વિકાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર આક્રમક બની છે. મંદિરના નિર્માણ પછી લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા જઈ રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખી આવતા દિવસોમાં હોટેલ્સના નિર્માણ માટે સરકારી જમીનની હરાજી થવાની છે. ઉત્તર પ્રદેશ સરકારને અયોધ્યામાં હરાજીથી જમીન વેચવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયામાં ગુજરાતનું સ્ટાર્ટઅપ ટેન્ડર247 મદદ કરી રહ્યું છે. અમદાવાદી સ્ટાર્ટઅપે બનાવેલા પ્લેટફોર્મ ઉપર હોટેલ્સ માટેના પ્લોટ્સની હરાજી થશે.

સ્ટાર્ટઅપના ફાઉન્ડર વિશાલ ધોરીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યામાં સરકારના 2 પ્લોટ્સની હરાજી થવાની છે. આ પ્લોટ્સ પર હોટેલ બનાવી શકાશે. ઉત્તર પ્રદેશ આવાસ વિકાસ નિગમ 22 ફેબ્રુઆરીએ તેનું ઓક્શન કરશે. આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયામાં ઓક્શન પહેલા અને પછીની તમામ બેક-એન્ડ કામગીરી અમારા પ્લેટફોર્મ પરથી થશે. અમે અગાઉ પણ ઉત્તર પ્રદેશના અન્ય શહેરોમાં સરકારી જમીનની હરાજી માટે કામ કરેલું છે. તેને ધ્યાનમાં રાખી સરકારે અમને અયોધ્યા માટેનું કામ સોપ્યું છે.

ત્રણ વર્ષમાં અંદાજે 2 લાખ હરાજી હેન્ડલ કરી
વર્ષ 2017-18માં શરુ થયેલા આ સ્ટાર્ટઅપે ઉત્તર પ્રદેશ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાના સહિતના રાજ્યોની અલગ અલગ ઓથોરિટી માટે રીઝર્વ પ્લોટ્સ અને જમીન હરાજી માટેનું કામ કરેલું છે. આ ઉપરાંત બેંકો જે ડીફોલ્ટ પ્રોપર્ટીની હરાજી પણ કરવામાં આવે છે. અમદાવાદના આ સ્ટાર્ટઅપે અલગ અલગ રાજ્યો અને બેન્ક્સ તેમજ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટયૂશન્સ માટે અંદાજે 2 લાખ જેટલા ઓક્શનની કામગીરી હેન્ડલ કરી છે.

અયોધ્યામાં રૂ. 300 કરોડથી વધુની જમીનનું ઓક્શન કરશે
વિશાલ ધોરીએ જણાવ્યું કે, અયોધ્યામાં વધનારા ટુરિઝમને ધ્યાનમાં રાખીને અયોધ્યા ગ્રીનફિલ્ડ ટાઉનશીપમાં આવેલા ૬ સરકારી પ્લોટ્સની હરાજી થવાની છે. આ સરકારી પ્લોટ્સ હોટેલ બનાવવા માટે રીઝર્વ રાખવામાં આવ્યા હોઈ હોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓ અને ડેવલપર્સ જ આમાં ભાગ લઇ શકાશે. આ 6 પ્લોટ્સનો એરિયા આશરે 38,000 ચોરસ મીટર છે અને તેની બેઝ પ્રાઈસ રૂ. 300 કરોડથી વધુની છે.