October 16, 2024
ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા MSME ઉદ્યોગો

ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા MSME ઉદ્યોગો

  • ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી લોકો ગુજરાત કામ માટે આવે છે

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગુજરાતને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે અને એટલે જ અહી બહોળા પ્રમાણમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) આવેલા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં આંકડા જાહેર કર્યા તે મુજબ ગુજરાતમાં 21.87 લાખથી વધુ MSME એકમો નોંધાયેલા છે. આ એકમો 1 કરોડથી વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે. MSMEમાં રોજગારીના મામલે ગુજરાત દેશમાં છટ્ઠા ક્રમે છે. રાજ્યના દર એક સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગમાં સરેરાશ 4-5 લોકો કામ કરે છે. બિહારના શિવહરના સાંસદ રમી દેવી અને મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાએ MSME ઉદ્યોગો માટે પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી MSME મંત્રી નારાયણ રાણેએ સંસદમાં આપી હતી.

દેશમાં MSME એકમોમાં રોજગારી આપતા ટોપ-૧૦ રાજ્યો

રાજ્ય રોજગારી
મહારાષ્ટ્ર 1,93,81,349
તમિલનાડુ 1,81,00,430
ઉત્તર પ્રદેશ 1,61,71,548
કર્ણાટક 1,26,89,328
પશ્ચિમ બંગાળ 1,15,70,469
ગુજરાત 1,00,76,289
તેલંગાણા 99,51,271
રાજસ્થાન 96,83,860
આંધ્ર પ્રદેશ 76,34,250
બિહાર 74,12,916

કેન્દ્ર સરકારે સંસદમાં જાહેર કરેલી માહિતી મુજબ દેશમાં કુલ 6 એવા રાજ્યો છે જ્યાં MSME ઉદ્યોગોમાં 1 કરોડથી વધુ લોકો કામ કરે છે. દેશમાં સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો 16.87 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 1.94 કરોડ લોકો MSMEમાં કામ કરી રહ્યા છે. આ મામલે ગુજરાત દેશમાં છટ્ઠા ક્રમે છે. લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે, ગુજરાતમાં કોવિડ બાદ જે પ્રકારે કામ વધ્યું છે તેનાથી આવતા દિવસોમાં આ સેક્ટરમાં રોજગારીનું પ્રમાણ વધશે. આ સાથે જ સ્કિલ્ડ લેબરની પણ માગ વધશે.

ઓટોમેશન ઓછુ હોવાથી વધુ રોજગારી આપી શકે છે
સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના પ્રમુખ અજીત શાહે જણાવ્યું કે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોઈએ તો MSME ઉદ્યોગો અંદાજે 2 કરોડથી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોમાં સૌથી વધુ નોકરીઓ ઉભી થવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે તેમાં ઓટોમેશનનું પ્રમાણ ઘણું ઓછુ રહે છે. મેન્યુઅલ કામ વધુ થતું હોવાથી તેમાં કારીગરોની વધારે જરૂર રહે છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, જામનગરમાં સૌથી વધુ MSME એકમો આવેલા છે.

ગુજરાતમાં માઈગ્રંટ કામદારોનું પ્રમાણ ઘણું ઊંચું
ગુજરાતના ઉદ્યોગોમાં મોટાભાગે માઈગ્રંટ કારીગરો જ વધારે છે જે, ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવે છે. આજે પણ પછાત ગણાતા રાજ્યોના લોકો ગુજરાતમાં રોજગાર માટે આવવાનું વધારે પસંદ કરે છે. જોકે, જાણકારોનું માનવું છે કે, MSME એકમોની સંખ્યા વધવાની સાથે ઉત્તર પ્રદેશ, બંગાળ જેવા રાજ્યોમાંથી આવતા લોકોનો પ્રવાહ થોડી ઓછો થયો છે. આ સ્થિતિમાં આવતા દિવસોમાં સ્કિલ્ડ મેનપાવરની અછત ઉભી થઇ શકે છે.