November 25, 2024
ખરીદ શક્તિ વધુ હોવાથી વાહનોના વેચાણમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

ખરીદ શક્તિ વધુ હોવાથી વાહનોના વેચાણમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

  • ઓક્ટોબર-ડીસેમ્બર 2023 દરમિયાન ગુજરાતમાં 4.23 લાખ વાહનોનું વેચાણ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (SIAM) દ્વારા દેશમાં થતા વાહનોના કુલ વેચાણમાં રાજ્યોની હિસ્સેદારી ઉપરનો એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે જાહેર થયેલા આ રીપોર્ટ મુજબ વાહનોના વેચાણમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. ઓક્ટોબર-ડીસેમ્બર ૨૦૨૩ના ત્રિમાસિક ગાળામાં ભારતમાં ૬૧.૬૫ લાખથી વધુ કાર અને સ્કુટર્સ સહિતના વાહનોનું વેચાણ થયું હતું. જેમાંથી ૪,૨૩,૪૧૬ વાહનો ગુજરાતમાં વેચાયા હતા. ગુજરાત ૬.૮૬%ના શેર સાથે સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે. રીપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ પહેલા અને મહારાષ્ટ્ર બીજા ક્રમે છે.

SIAMના ડેટા મુજબ પેસેન્જર વ્હીકલ્સના કુલ વેચાણમાં ગુજરાતનો શેર ૮.૪૬% છે જયારે કોમર્શિયલ વાહનોમાં ગુજરાતની હિસ્સેદારી ૮.૬૯% છે. સ્કુટર્સ અથવા ટુ-વ્હીલર્સ કેટેગરીમાં ગુજરાત દેશમાં છટ્ઠા ક્રમે છે. સ્કુટર્સના વેચાણમાં ગુજરાતનો હિસ્સો ૬.૨૯% છે. આ સિવાય થ્રી-વ્હીલર્સના વેચાણમાં ગુજરાત ૧૦.૫૫%ના શેર સાથે સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે.

ગુજરાતીઓને પોતાના વાહનમાં ટ્રાવેલ કરવાનું વધારે પસંદ

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશનના ગુજરાતના પૂર્વ પ્રમુખ પ્રણવ શાહે જણાવ્યું કે, પહેલાના પ્રમાણમાં ગુજરાતના લોકોની ખરીદ શક્તિ વધી છે. આ સાથે જ રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ કરવા કરતા લોકો પોતાના વાહનમાં ટ્રાવેલ કરવાનું વધારે પસંદ કરે છે જેના કારણે ગુજરાતમાં વાહનોનું વેચાણ વધુ રહે છે. આ ઉપરાંત કોરોના બાદ સલામતીને ધ્યાનમાં રાખીને ઘણા લોકો કાર ખરીદે છે. આપણે ઔદ્યોગીકરણ અને ડેવલપમેન્ટ વધુ છે તેથી બહારના રાજ્યોમાંથી અહી આવનારાઓનું પ્રમાણ ઉંચુ છે તેના કારણે પણ ટુ-વ્હીલર્સની માગ સારી રહે છે.