October 16, 2024
ખેડૂતોમાં કેશ ટ્રાન્ઝેક્શન ઘટાડવા ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની હિંમતનગર APMC પહેલી સંપૂર્ણ ડીજીટલ મંડી બનશે

ખેડૂતોમાં કેશ ટ્રાન્ઝેક્શન ઘટાડવા ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની હિંમતનગર APMC પહેલી સંપૂર્ણ ડીજીટલ મંડી બનશે

  • નાબાર્ડ દ્વારા હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ડીજીટલ મંડીનો પાઈલોટ પ્રોજેક્ટ શરુ કરાયો

 

બિઝનેસ ખબરી, અમદાવાદ:

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની મંડીઓમાં રોકડ વ્યવહારો ઘટે અને ડીજીટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધારવા ડીજીટાઈઝેશન ઓફ રૂરલ એમ્પાવરમેન્ટ ઓફ એગ્રિકલ્ચર માર્કેટપ્લેસ (ડ્રીમ) પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. નેશનલ બેંક ઓફ અગ્રીકાલ્ચાર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) આ પ્રોજેક્ટની નોડલ એજન્સી તરીકે કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ હિંમતનગર એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ગુજરાતની પહેલી સંપૂર્ણ ડીજીટલ મંડી બનશે. નાબાર્ડ દ્વારા હિંમતનગર મંડીને 100% ડીજીટાઈઝ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

નાબાર્ડ ગુજરાતના ચીફ જનરલ મેનેજર બી કે સિંઘલે કહ્યું કે, ગુજરાતમાં હિંમતનગર માર્કેટિંગ યાર્ડને પાઈલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવી છે. આ પાઈલોટ પ્રોજેક્ટ એક વર્ષ ચાલશે. હિંમતનગર મંડીને ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ સંપૂર્ણ ડીજીટાઈઝ કરવામાં આવશે. આમાં ખેડૂતો, વેપારીઓ અને મંડીના સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. આ વર્ષે જાન્યુઆરીથી અમે પ્રોજેક્ટ માટે મંડીની સ્ટડી કરવાનું શરુ કર્યું છે અને તેમાં અમે હાલ કઈ રીતે રોકડ વ્યવહાર થાય છે અને તેમાં ખાસ કરીને ખેડૂતો કઈ રીતે ડીજીટલ વ્યવહારો કરતા થાય તેના પર ફોકસ કરી રહ્યા છીએ.

સિંઘલે જણાવ્યું કે, વર્ષોથી મંડીઓમાં રોકડ વ્યવહાર થઇ રહ્યો છે. આજે પણ ઘણા ખેડૂતો કેશ પેમેન્ટનો જ આગ્રહ રાખે છે. ખેડૂતોમાં વર્ષોથી ચાલી આવતી રોકડ લેવડદેવડની માનસિકતા બદલવી થોડી અઘરી છે. ખેડૂતો અને કૃષિ સાથે જોડાયેલા લોકો નવા જમાના પ્રમાણેની પદ્ધતિ અપનાવે તે જરૂરી છે અને એટલે જ આ ડ્રીમ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. દેશમાં ૩ મંડીઓમાં આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. પાઈલોટ પ્રોજેક્ટના આધારે અન્ય મંડીઓમાં તેને લાગુ કરવામાં આવશે.

હિંમતનગર APMCના સેક્રેટરી એસ વી ઝાલાએ જણાવ્યું કે, નાબાર્ડ દ્વારા આસપાસના ગામોમાં ડીજીટલ ટ્રાન્ઝેક્શન અંગે માહિતી અને જાગરૂકતા ફેલાવવા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શેરી નાટકો અને નુક્કડ મીટીંગ પણ થઇ રહી છે. હિંમતનગર APMCમાં ઘઉં, બાજરી, એરંડા, જીરું, શાકભાજી સહિતની જણસો લઈને રોજના ૩૦૦-૫૦૦ ખેડૂતો આવે છે. આ મંડીમાં માસિક રૂ. ૩૦૦ કરોડનું ટર્નઓવર થાય છે. મોટાભાગના ખેડૂતો ચેક અને કેશથી વ્યવહાર કરે છે. આજના સમયમાં ડીજીટલ લેવડદેવડ ઘણી અગત્યની છે અને એટલે જ અમે ખેડૂતોને તે કરતા થાય તેના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.