October 16, 2024
નિકાસ ઓછી રહેવાની સંભાવનાએ ખેડૂતોને એરંડાનો સંગ્રહ ન કરવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની સલાહ

નિકાસ ઓછી રહેવાની સંભાવનાએ ખેડૂતોને એરંડાનો સંગ્રહ ન કરવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની સલાહ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

એરંડાની સિઝન શરુ થઇ છે ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ ખેડૂતો માટે ભાવને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. કૃષિ યુનિવર્સિટી ખેડૂતોને સલાહ આપી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિકુળ પરિસ્થિતિના કારણે નિકાસની તકો ઘટી રહી હોવાથી ભવિષ્યમાં એરંડાના ભાવમાં વધારો થવાની સંભાવના ઓછી છે. આ સ્થિતિમાં ખેડૂતો સંગ્રહ કરવાના બદલે એરંડાનું વેચાણ કરવું જોઈએ. બજાર ભાવ જોઈએ તો ફેબ્રુઆરી 2023ની સરખામણીએ અત્યારે એરંડાના ભાવ ૧૦-૧૨% નીચા ચાલી રહ્યા છે.

JAU એગ્રિકલ્ચર ઇકોનોમિક્સ ડીપાર્ટમેન્ટના રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. જી. ધાંધલિયાએ જણાવ્યું હતું કે, ભારતે 2022-23 દરમિયાન 6 લાખ ટન એરંડાના તેલની નિકાસ કરી હતી તેની સામે 2023-24માં ડીસેમ્બર સુધીમાં 4.23 લાખ ટન દીવેલની નિકાસ થઇ હતી અને માર્ચ 2024 સુધીમાં કુલ 6.20 લાખ ટન એક્સપોર્ટ થવાનો અંદાજ છે. એરંડા તેલના અન્ય ઉત્પાદનો અને ઘરેલું વપરાશ 2 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ તમામ માગને પહોચી વળવા માટે આ વર્ષનું 19.80 લાખ ટન ઉત્પાદન અને અંદાજે 2 લાખ ટન ગત વર્ષનો સ્ટોક પુરતો છે. આ સ્થિતિમાં આવતા દિવસોમાં એરંડાના ભાવમાં વધારો થવાની શક્યતા નથી એ જોતા અમે ખેડૂતોને સંગ્રહ ન કરવા સલાહ આપીએ છીએ.

પાટણ માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભાવ રૂ. 1240-1313 પ્રતિ મણ હતા જે અત્યારે એરંડાના ભાવ રૂ. 1080-1165 પ્રતિ મણ ચાલી રહ્યા છે. અગાઉના વર્ષોના ભાવના વિશ્લેષણના આધારે આ વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન એરંડાના ભાવ રૂ. 1050-1150 પ્રતિ મણ વચ્ચે રહેવાનો અંદાજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મુક્યો છે. ગુજરાતમાં 7.25 લાખ હેકટરમાં એરંડાનું વાવેતર થયું છે અને બીજા આગોતરા અંદાજ મુજબ ગયા વર્ષના 16 લાખ ટનની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન સામાન્ય ઘટીને 15.13 લાખ ટન રહેશે.

સપ્તાહ ભાવ (રૂ./ક્વિન્ટલ)
23 ફેબ્રુઆરી 5825
16 ફેબ્રુઆરી 5810
23 જાન્યુઆરી 5885
ફેબ્રુઆરી 2024 7026

સોર્સ: SEA