October 16, 2024
સારા વવેતરના પગલે ગુજરાતમાં જીરનું 98% અને વરિયાળીનું 119% વધુ ઉત્પાદન થવાની ધારણા

સારા વવેતરના પગલે ગુજરાતમાં જીરનું 98% અને વરિયાળીનું 119% વધુ ઉત્પાદન થવાની ધારણા

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS) દ્વારા ગુજરાતમાં પાકતા મસાલા પાક જીરું, વરિયાળી, મેથી અને ધાણા માટે વર્ષ 2024 માટે ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો હતો. ફેડરેશનના અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં જીરૂનું ઉત્પાદન 98% વધીને 2.54 લાખ ટન થશે જયારે વરિયાળીનું ઉત્પાદન 119% વધીને 1.30 લાખ ટન થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

FISSના ચેરમેન અશ્વિન નાયકે જણાવ્યું કે, ગત વર્ષે ખેડૂતોને જીરુમાં સારો ભાવ મળ્યો હતો જેથી ખેડૂતો આ વર્ષે જીરા તરફ વળ્યા હતા અને વાવેતર વિસ્તારમાં 100% જેવો વધારો થયો છે. જોકે, આ વર્ષે બમ્પર ઉત્પાદનની સંભાવના હોવાથી ભાવમાં મોટી તેજીની શક્યતા નથી. અત્યારે નિકાસ માગ સારી છે જે જૂન સુધી જળવાઈ રહેશે. અન્ય ઉત્પાદક દેશોમાં પાક કેવો રહે છે તેના આધારે બજારની ચાલ નક્કી થશે.

FISSના રીપોર્ટ મુજબ ગુજરાતમાં પાકતા અન્ય મસાલાઓમાં ગત વર્ષની સરખામણીએ ધાણાનું ઉત્પાદન 44% ઘટીને 1.58 લાખ ટન થવાનો અંદાજ છે. આ સાથે જ મેથીનું ઉત્પાદન આ વર્ષે 28% નીચું રહી 24,620 ટન થવાનું અનુમાન મુકવામાં આવ્યું છે. ગુજરાતમાં શનિવારે કમોસમી વરસાદ પડ્યો હતો. વેપારીઓ અને ખેડૂતોના જણાવ્યા પ્રમાણે માવઠાના કારણે જીરુમાં સામાન્ય નુકસાની સંભવ છે. જોકે, આ વર્ષે ઉત્પાદન વધુ હોવાથી બજાર પર તેની કોઈ ખાસ અસર રહેશે નહી.

ગુજરાતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય ઉત્પાદક રાષ્ટ્રોમાં પણ જીરું અને વરીયાળીનું ઉત્પાદન વધવાની ધારણા છે. ફેડરેશનના અંદાજ પ્રમાણે રાજસ્થાનમાં જીરૂનું ઉત્પાદન 53% વધીને 3.12 લાખ ટન, વરિયાળીનું ઉત્પાદન 81% વધીને 67,120 ટન થશે. બીજી તરફ રાજસ્થાનમાં ધાણાનું ઉત્પાદન 26% ઘટી 64,000 ટન રહેવાનો અંદાજ છે.

ગુજરાત અને રાજસ્થાનમાં જીરું અને વરિયાળીનું વાવેતર વધુ થયું છે. તેની સામે આ બંને પાકમાં ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળ્યો છે. FISSએ જાહેર કરેલા રીપોર્ટ મુજબ ગુજરાતમાં જીરૂનું વાવેતર 5.21 લાખ હેકટરમાં થયું છે. ઉત્પાદકતા ગત વર્ષે 494 કિલો પ્રતિ હેક્ટર હતી તે આ વર્ષે 488 કિલો રહેવાની ધારણા છે. તેવી જ રીતે વરિયાળીમાં ઉપજ 1241 કિલો સામે આ વર્ષે 1058 કિલો પ્રતિ હેક્ટર રહેશે. રાજસ્થાનમાં વરીયાળીની ઉત્પાદકતા 1250 કિલોથી ઘટીને હેક્ટર દીઠ 1141 કિલો રહેવાની ધારણા છે.