October 16, 2024
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ NDDB સંચાલિત પૂરબી ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ NDDB સંચાલિત પૂરબી ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પશ્ચિમ આસામ દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડના ડેરી પ્લાન્ટનું વિસ્તરણ કરતાં નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. NDDBના મેનેજમેન્ટ હેઠળ 2008થી પૂરબી ડેરી સતત વિકસી રહી છે. 400 કિગ્રા પ્રતિ દિવસના નજીવા દૂધ સંપાદન જથ્થામાંથી હાલમાં તે આસામના નીચલામધ્ય અને ઉપરના ભાગોના 21 જિલ્લાઓમાં 800થી વધુ ડેરી સહકારી મંડળીઓમાં સંગઠિત આશરે 30,000 ડેરી ખેડૂતોને આવરી લેતા 60,000 કિગ્રા પ્રતિ દિવસના વોલ્યુમે પહોંચી છે. દૂધ પ્રાપ્તિ નેટવર્ક મુખ્યત્વે ડેરી સહકારી મંડળીઓમાં સ્વયંસંચાલિત દૂધ સંગ્રહ પ્રણાલી સ્થાપિત કર્યા બાદ પારદર્શક દૂધનો સંગ્રહ, માપન અને ચૂકવણીની પ્રણાલીમાં કાર્યરત છે. અંતરિયાળ અને દૂરના ગામોમાંથી આ તમામ સંગ્રહીત દૂધને ગુવાહાટી સ્થિત પૂરબી ડેરીના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી રોડ મિલ્ક ટેન્કર મારફત પહોંચાડતી વખતે તેની ગુણવત્તા જાળવી રાખવા કોલ્ડ સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (દિવસની 1.22 લાખ લિટરની ક્ષમતા પ્રમાણે) બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પૂરબી આઈસ્ક્રીમની પ્રથમ બેચનું ઉદ્ધાટન કરતાં જણાવ્યું હતું કે, આ નવા પ્લાન્ટ દ્વારાદૂધ પ્રોસેસિંગની ક્ષમતા વધી 1.5 લાખ લિટર થઈ જશે. વધેલી ક્ષમતા રાજ્યના હજારો ડેરી ખેડૂતોને મદદ કરશે જેમને આ પહેલ દ્વારા બજારની સારી પહોંચ મળશે. આસામ સરકારે NDDB સાથે મળીને એક સંયુક્ત સાહસ કંપનીની રચના કરી છે અને આજના ઉદ્ઘાટન સાથે કંપનીએ તેની પ્રથમ કોમર્શિયલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આગામી વર્ષથી રાજ્ય સરકારે રાજ્યના સંગઠિત ક્ષેત્રના ડેરી ખેડૂતોને પ્રતિ લિટર દૂધ પર રૂ. 5નો વધારાનો લાભ પ્રદાન કરવા નિર્ણય લીધો છે. આ પહેલ વિવિધ ડેરી કો-ઓપરેટીવ દ્વારા આપવામાં આવતા દરો કરતાં વધુ હશે. આ પહેલ મારફત અમે જાતિય-આધારિત વર્ગીકૃત કરેલી નસલ, કૃત્રિમ બિયારણ સહિતના વિવિધ સેગમેન્ટમાં કાર્યરત ખેડૂતોને વધારાની આર્થિક સહાય પ્રદાન કરીશું.

તદુપરાંત મુખ્યમંત્રીએ 1 માર્ચથી પ્રતિ લિટર દૂધની કિંમતમાં રૂ. 1નો વધારો કરવાના WAMULના નિર્ણયની પણ જાહેરાત કરી છે. 1 માર્ચથી 4% ફેટ, 8.5% SNF ધરાવતા દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. 39થી વધી રૂ. 40 થશે. મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્ય સરકાર જોરહાટ અને દિબ્રુગઢમાં મિલ્ક પ્રોસેસિંગ યુનિટના વિકાસ માટે ફંડ જાહેર કરશે. આ ફંડિંગમાં આજના પૂરબી ડેરીનો નવો પ્લાન્ટ ઉપરાંત જોરહાટ અને દિબ્રુગઢમાં બીજા બે નવા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. નવુ સંયુક્ત સાહસ બરાક ઘાટી, લખીમપુર-ધેમજી અને નગાંવ ખાતે પણ યુનિટ સ્થાપિત કરશે. આ છ યુનિટ રાજ્યભરમાં દૂધ અને દૂધની બનાવટોની ઉભરતી માંગોને પહોંચી વળવા સક્ષમ બનશે.

 કૃષિ અને AHVD મંત્રી અતુલ બોરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રાજ્યમાં ડેરી ખેડૂતોને મદદ અને દૂધના ઉત્પાદનમાં વધારો કરવા NDDBને જરૂરિયાત પ્રમાણે હંમેશા સહાય પ્રદાન કરે છે. આજે આસામમાં દૂધનું ઉત્પાદન 1 લાખ લીટરે પહોંચ્યું છે. જે રાજ્યના ડેરી વિભાગ માટે શ્રેષ્ઠ વિકાસ દર્શાવે છે. અમારા મુખ્યમંત્રીએ આજે આ ઉદ્ધાટન સાથે આ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર આસામના રોડમેપને વેગ આપ્યો છે. તેમજ અન્ય વિશાળ યોજનાઓ જારી કરી છે. રૂ. 49 કરોડના ખર્ચે સ્થાપિત નવો પ્લાન્ટ રાજ્યના ડેરી સેક્ટરને વેગ આપશે.

 પૂરબી ડેરીનો મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તાજુ પેક દૂધ ઉપરાંત દૂઘની વિવિધ બનાવટો જેમ કે, પનીર, દહીં, ફ્લેવર્ડ મિલ્ક, ક્રીમ, ધી વગેરે પ્રોડક્ટ્સ ઉત્પાદિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હાલમાં તે બજારમાં 1.05 લાખ લિટર દૂધ અને દૂધની બનાવટો વેચે છે. આ પ્રોસેસિંગ પ્લાન્ટ WAMUL માટે સૌથી વધુ કમાણી રળી આપતું કેન્દ્ર બન્યું છે. જેણે માર્ચ, 2023ના અંતે પૂર્ણ થતા નાણાકીય વર્ષમાં કુલ રૂ. 200 કરોડના વેચાણનું ટર્નઓવર પ્રાપ્ત કર્યું હતું. જે તેના નિરિક્ષણ બાદ WAMUL દ્વારા નોંધાયેલી સૌથી વધુ આવક છે. વધુમાં આ પ્રોસેસિંગ પ્લાન્ટ રોજિંદા 1 લાખ લીટર દૂધ અને દૂધન સંલગ્ન પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.

 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને WAMULના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું કે, આ નવો પ્લાન્ટ 1.5 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરવા સક્ષમ બનશે. અમે આ નવા પ્લાન્ટની મદદથી વધારાની ઉભરતી માગને પૂર્ણ કરવા સક્ષમ બનીશું. આ પ્રોસેસિંગ પ્લાન્ટમાં 2000 લીટર આઈસ્ક્રીમનું ઉત્પાદન થશે. પૂરબી ડેરીમાં અગાઉ વેલ્યુ એડેડ મિલ્ક પ્રોડક્ટ્સનો વેચાણ હિસ્સો 9-12 ટકા હતો. જે હવે વધીને 20-25 ટકા થવાની અપેક્ષા છે. આ વધારો પૂરબી બ્રાન્ડ સાથે જોડાયેલા ડેરી ખેડૂતો માટે ઉંચા વળતર અપાવી કમાણીમાં વધારો કરશે. 10 લાખ Kcal ઉર્જાનો ઉપયોગ કરવા કેન્દ્રિત સોલાર થર્મલ સિસ્ટમ સાથે પ્રોસેસિંગ પ્લાન્ટની વિસ્તૃત સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. અર્થાત, આ સિસ્ટમની મદદથી ઉર્જાની બચત થવાની સાથે ઈંધણ ખર્ચમાં રૂ. 4.0 લાખ પ્રતિ માસ સુધી બચત થશે.

આસામ સરકાર અને NDDBએ આસામમાં સહકારી મંડળીઓ મારફત ડેરી ક્ષેત્રે વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓએ ડેરી ક્ષેત્રે વિવિધ કેન્દ્રીય અને રાજ્યકિય સ્તરે કાર્યરત યોજનાઓ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો માટે ફંડ એકત્રિત કર્યું છે. ઉલ્લેખનીય છે, આ યોજનાઓ પૈકી એક આસામમાં ડેરી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા આસામ સરકાર દ્વારા વર્લ્ડ બેન્કની સહાયથી આસામ એગ્રીબિઝનેસ એન્ડ રૂરલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ (APART) હેઠળ પૂરબી ડેરી મોડલ તેનું ઉત્તમ ઉદાહરણ છે.