October 16, 2024
અમદાવાદની મહિલાએ ઈન્વેસ્ટર્સ કનેક્ટ કરી ગુજરાતના સ્ટાર્ટઅપને અપાવ્યું રૂ. 15 કરોડનું ભંડોળ

અમદાવાદની મહિલાએ ઈન્વેસ્ટર્સ કનેક્ટ કરી ગુજરાતના સ્ટાર્ટઅપને અપાવ્યું રૂ. 15 કરોડનું ભંડોળ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

સ્ટાર્ટઅપ. આ શબ્દ આમ તો સોહામણો લાગે. પણ જે સ્ટાર્ટઅપ કરતું હોય તેને ખબર પડે કે સ્ટાર્ટઅપ કરતાં કેટલા વીસે સો થાય. આવા જ એક મહિલા ઉદ્યમી છે અમદાવાદના અલકા ગોર. જેઓ પોતાના સ્ટાર્ટઅપ માટે ફંડની શોધમાં હતા. અમુક એન્જલ ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલ ફર્મનો તેમણે ફંડ મેળવવા માટે સંપર્ક કર્યો. પણ દરેક વખતે કોઇને કોઈ કારણસર તેમને નિરાશા મળી. તે સમયે તેમણે વિચાર્યું કે મારા જેવા કેટલાય લોકો બિઝનેસના નવા આઇડિયા લઇને ઇન્વેસ્ટર્સની ઓફિસના પગથિયા ઘસતા હશે. જો આવા યુવા ઉદ્યમીઓ માટે એક સારું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવે તો તેમને ફંડ મળવાની સાથે મેન્ટરશીપ પણ મળી રહે. બસ, આ સાથે જન્મ થયો સ્ટાર્ટઅપ શૉ ‘કલ કે કરોડપતિ’નો.

શોના કો-પ્રોડ્યુસર અલકા ગોરે જણાવ્યું હતું, ગુજરાતમાં આવો અનોખો અને અવ્વલ શો બન્યો છે એ સાત કરોડ ગુજરાતીઓ માટે, આખા દેશ માટે ગૌરવની બાબત છે. આશાસ્પદ બિઝનેસ માટે આ શો આવશ્યક ભંડોળ મેળવીને આગેકૂચ કરવાનું કામ આસાન કરી આપશે. મને ખાતરી છે કે આ શો પોતાના ક્ષેત્રમાં દેશના એક સર્વોત્તમ પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત થશે. ‘કલ કે કરોડપતિ’ના ઉપક્રમે શોના આગમન પહેલાં જ સ્ટાર્ટઅપ્સને રૂપિયા 15 કરોડ જેટલી માતબર રકમ વિવિધ વેપાર માટે ફાળવી દેવામાં આવી છે.

આ તરફ અમદાવાદના વેન્ચર બિલ્ડર મિલાપસિંહ જાડેજા પણ આવા જ એક પ્રકારનો શો બનાવવાનું વિચારી રહ્યા હતા. એક કોમન મિત્રની મદદથી અલકાબેન ગોર અને મિલાપસિંહની મુલાકાત થઇ. બંનેએ આ શોનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. તેમાં સાથ મળ્યો ફિલ્મ સ્ટાર સુનિલ શેટ્ટીનો. આ શોના પ્રિ-લોન્ચિંગ ઇવેન્ટ અમદાવાદમાં યોજાયો અને તેમાં સુનીલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા. કલ કે કરોડતિ એક અનોખો રિયાલિટી શો છે. જે હિંદી ભાષામાં બન્યો છે અને તેનું પ્રસારણ નેશનલ ટેલિવિઝન પર ટૂંક સમયમાં થશે.આ શૉનું પ્રથમ ચેપ્ટર કે એની પ્રથમ સીઝન ગુજરાતના સ્ટાર્ટઅ્સને કેન્દ્રસ્થાને રાખીને બની છે. આગળ જતાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોને ધ્યાનમાં રાખી શો બનાવવાની તૈયારી ચાલી રહી છે.

આ શો વિશે વેન્ચર બિલ્ડર મિલાપસિંહ જાડેજાએ કહ્યું કે, કલ કે કરોડપતિ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ભારતના વિશાળ ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. અમને આશા છે કે આ પહેલ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સને નેટવર્કિંગ, ચર્ચા-વિચારણા કરવા તેમ જ ફંડ એકત્ર કરવાની તકોને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ પ્રકારના અન્ય શોઝથી સદંતર જુદું અને મનોરંજક માળખું ‘કલ કે કરોડપતિ’નું છે. પહેલી સીઝન માટે ગુજરાતભરમાંથી 500થી વધુ બિઝનેસ પ્રપોઝલ્સ અને વિચારોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. એમાંથી 27 મૌલિક આઇડિયાઝ ધરાવતા સ્ટાર્ટઅપ્સને શોમાં ઝળકવાની તક આપવામાં આવી હતી. તમામને રોકાણકારોની પેનલ સમક્ષ પોતાના બિઝનેસની ખાસિયતો અને એના ઉજળા ભવિષ્યની રજૂઆત કરવાની તક પ્રદાન કરવામાં આવી હતી. એ માટે દરેકને ત્રણ મિનિટની લાઇવ પીચનો સમય પણ ફાળવવામાં આવ્યો હતો.