બિઝનેસ ખબરી, અમદાવાદ:
સામાન્ય રીતે નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર દરમિયાન વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળે છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં વ્હીકલ સેલ્સ ગ્રોથ ઘણો ધીમો રહ્યો છે. તદુપરાંત નોંધનીય બાબત એ રહી છે કે ગત મહિને કારનું વેચાણ નેગેટિવ રહ્યું છે એટલે કે ઘટ્યું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોશિએશને (FADA) ફેબ્રુઆરી મહિના માટેના વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યા છે. ફાડાના રીપોર્ટ મુજબ ગુજરાતમાં વાહનોનું ઓવરઓલ વેચાણ 5.31% વધીને 1,37,966 નોંધાયું છે. જોકે, ગત મહિને કારના વેચાણમાં 10.68%નો ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ભારતના વ્હીકલ સેલ્સનો ગ્રોથ સામે ગુજરાતના વાહન વેચાણની વૃદ્ધિ વધુ હોય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાતનો ઓવરઓલ ગ્રોથ ધીમો પડ્યો છે.
ફાડા ગુજરાતના ચેરમેન હિતેન્દ્ર નાણાવટીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કારનું વેચાણ 11% જેટલું ઘટ્યું હોવા છતાં ફેબ્રુઆરીમાં વાહનોનું ઓવરઓલ વેચાણ 5% જેટલું વધ્યું છે. જાન્યુઆરીના 38% ગ્રોથની સામે ફેબ્રુઆરીમાં વાહનોમાં વેચાણ વૃદ્ધિ ઘણી નીચી છે. જોકે, ઇન્કમટેક્સમાં સારા કર લાભ થતા હોવાથી અમને આશા છે કે માર્ચ મહિનામાં વ્હીકલ્સનું વેચાણ વધશે. આવો જ સિનારિયો ડીસેમ્બરમાં પણ જોવા મળ્યો હતો જયારે ઓટો ડીલર્સ મોટું ડિસ્કાઉન્ટ આપતા હોવા છતાં ગુજરાતમાં વાહનોનું વેચાણ 12.77% નીચું રહ્યું હતું.
ફાડાના આંકડા મુજબ ગુજરાતમાં આ ફેબ્રુઆરીમાં કારનું વેચાણ 25,891 યુનિટ થયું છે જે ગત વર્ષે 28,986 યુનિટ હતું. ભારતના આંકડા જોઈએ તો ફેબ્રુઆરીમાં પેસેન્જર કારનું વેચાણ 12.36% વધીને 3.30 લાખ કારનું થયું છે. દિવાળી બાદ ડીસેમ્બરમાં ગુજરાતમાં કારનું વેચાણ 5.64% ઘટ્યું હતું. વાહનોની અલગ અલગ કેટેગરીમાં ટ્રેકટરમાં સૌથી વધુ 141%ની વૃદ્ધિ જોવા મળી હતી. ટ્રેક્ટરનું વેચાણ આ મહિનામાં 10,297 યુનિટ થયું હતું.