October 16, 2024
ભારતની કપાસની નિકાસ 22-25 લાખ ગાંસડી રહેવાની ધારણા, CAIએ ઉત્પાદનનો અંદાજ પણ સુધારીને ઊંચો મૂક્યો

ભારતની કપાસની નિકાસ 22-25 લાખ ગાંસડી રહેવાની ધારણા, CAIએ ઉત્પાદનનો અંદાજ પણ સુધારીને ઊંચો મૂક્યો

માર્ચના અંત સુધીમાં 17 લાખ ગાંસડી એક્સપોર્ટ થઈ જશે

બિઝનેસ ખબરી, અમદાવાદ:

વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતમાં કપાસના ભાવ નીચા રહેવાથી વિતેલા બે મહિના દરમિયાન નિકાસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોટન ઇન્ડસ્ટ્રીએ કોટન વર્ષ 2023-24 દરમિયાન 22-25 લાખ ગાંસડી (170 કિલોની એક ગાંસડી)ની નિકાસ થવાની સંભાવના છે. અગાઉ કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI)એ 14 લાખ ગાંસડી એક્સપોર્ટનો અંદાજ મૂક્યો હતો.

કોટન એસોસિએશનના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું કે, ડીસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે વૈશ્વિક બજારની સરખામણીએ ભારતમાં કોટનના ભાવ રૂ. 5000 જેટલા નીચા હતા અને તેના કારણે ફેબ્રુઆરી સુધીમાં જ 15 લાખ ગાંસડી નિકાસ થઇ ગઈ છે. આ ઉપરાંત માર્ચમાં બીજી 3 લાખ ગાંસડી નિકાસ થવાની સંભાવના છે. વર્તમાન સ્થિતિને જોતા દેશની કોટન એક્સપોર્ટ 22-25 લાખ ગાંસડી થવાનો અંદાજ છે.

કમિટી ઓન કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝમપ્શન (CCPC)એ ચાલુ સિઝન (ઓક્ટોબર 2023-સપ્ટેમ્બર 2024) માટે કપાસના પાકનું અનુમાન વધારીને 323.11 લાખ ગાંસડી કર્યું છે, જે અગાઉ 316.57 લાખ ગાંસડી હતું. તેવી જ રીતે CAIએ જાન્યુઆરી માટે દેશમાં 294 લાખ ગાંસડી ઉત્પાદનનો અંદાજ મુક્યો હતો જે ફેબ્રુઆરીમાં સુધારીને 309 લાખ ગાંસડી કર્યો છે. CAIએ ગુજરાતમાં કપાસના ઉત્પાદનનો અંદાજ 85 લાખ ગાંસડીથી વધારીને 87 લાખ ગાંસડી કર્યો છે. અગાઉ કરતા કપાસના ઉત્પાદનનો અંદાજ 15 લાખ ગાંસડી વધારવામાં આવ્યો છે. ખેડૂતો પાસે અંદાજે 10 લાખ ગાંસડી જુનો કપાસ પડ્યો છે. આ ઉપરાંત ચાલુ સિઝનમાં સાનુકુળ હવામાન હોવાથી બીજી વીણીમાં વધારાનું 5 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.

કેડિયા એડવાઇઝરીના અજય કેડિયાએ જણાવ્યું કે,CCPCના અંદાજો ભારતીય કપાસ ઉદ્યોગ માટે આશાસ્પદ દૃષ્ટિકોણ દર્શાવે છે, જેમાં ઉત્પાદન અને નિકાસમાં વધારો થવાથી સાનુકૂળ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિનો લાભ લેવા માટે તૈયાર છે. વૈશ્વિક બેન્ચમાર્કની સરખામણીમાં ભારતીય કપાસની સ્પર્ધાત્મક કિંમત વૈશ્વિક બજારમાં તેનું આકર્ષણ વધાર્યું છે. આના કારણે એક્સપાન્શન અને રેવન્યુ વધારવાની તકોને પ્રોત્સાહન મળ્યું છે. સપ્લાય મેનેજમેન્ટ અને માર્કેટ ડાયનેમિક્સ માટે સક્રિય અભિગમ સાથે, ઉદ્યોગ પડકારોને અસરકારક રીતે નેવિગેટ કરી શકે છે અને વૃદ્ધિની ગતિ જાળવી શકે છે, જેનાથી સમગ્ર વેલ્યૂ ચેનને ફાયદો થશે. 

કોટન એસોશિએશનના આંકડા મુજબ કપાસની સિઝનના પાંચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ ઉત્પાદનમાંથી 60 લાખ ગાંસડી કપાસ આવી ગયો છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 51 લાખ ગાંસડી અને સમગ્ર દેશમાં 227 લાખ ગાંસડી કપાસની આવક થઇ ચુકી છે. અત્યાર સુધીમાં કપાસની 4 લાખ ગાંસડીની આયાત થઇ છે. અગાઉ કપાસની આયાત 22 લાખ ટન ધરવામાં આવતી હતી જે હવે 20 લાખ ગાંસડી રહેવાની શક્યતા છે. નિકાસ અને સ્થાનિક મિલોનો વપરાશ જોતા વર્ષ દરમિયાન કપાસની કુલ ખપત 317 લાખ ગાંસડી રહેવાની ધારણા છે. આ સ્થિતિમાં સિઝનનો કલોઝિંગ સ્ટોક 20 લાખ ગાંસડી રહી શકે છે. આ જોતા કપાસની બેલેન્સશીટ ટાઈટ રહેવાનું અનુમાન છે.

કપાસમાં ટોચના ઉત્પાદક રાજ્યો 

રાજ્ય ઉત્પાદન 
ગુજરાત 87
મહારાષ્ટ્ર 80
તેલંગાના 34
રાજસ્થાન 29
કર્ણાટક 20
મધ્ય પ્રદેશ 18
હરિયાણા 13.5
આંધ્ર પ્રદેશ 12.5

સોર્સ: CAI, ઉત્પાદન લાખ ગાંસડી