October 16, 2024
સંરક્ષણમાં સ્વદેશીકરણમાં MSMEની નિર્ણાયક ભૂમિકા પર FICCI-MoD  ડિફેન્સ કોન્કલેવ યોજાયો

સંરક્ષણમાં સ્વદેશીકરણમાં MSMEની નિર્ણાયક ભૂમિકા પર FICCI-MoD ડિફેન્સ કોન્કલેવ યોજાયો

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI) દ્વારા રાજ્ય કક્ષાના ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાંતોએ મિડિયમ, સ્મોલ એન્ડ માઇક્રો આંતરપ્રિન્યોર (MSME) સંરક્ષણ ઉત્પાદનમાં સ્વદેશીકરણ વધારવા અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. “આત્મનિર્ભર ગુજરાતઃ અપગ્રેડિંગ ધ MSME ઈન ડિફેન્સ” થીમ પર કોન્કલેવ યોજાયો હતો. જેમાં MSMEના યોગદાન દ્વારા સંરક્ષણ ઉદ્યોગમાં આત્મનિર્ભરતાના સરકારના વિઝનની વ્યૂહરચના અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.

ડિફેન્સ વિભાગના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનના અમિત સતીજાએ જણાવ્યું હતું કે , ભારતના GDP, રોજગાર નિર્માણ અને ઉત્પાદનની નિકાસ માં MSMEની મહત્વની ભૂમિકા છે. કેન્દ્ર સરકારનું MEMEના વિકાસને પ્રોત્સાહન આપવામાં સ્પષ્ટ ધ્યાન છે.  સંરક્ષણમાં આપણે ઘણી પ્રગતિ કરી છે. સંરક્ષણમાં રૂ. 1 લાખ કરોડનું ઉત્પાદન હાંસલ કર્યું છે. જ્યારે અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 16,000 કરોડની નિકાસ કરી છે. સરકારે સંરક્ષણમાં આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે FDI નીતિમાં ઉદારીકરણ, iDEX યોજના અને SRIJAN પોર્ટલ શરૂ કર્યા છે. સાથે જ સંરક્ષણ કોરિડોર સ્થાપવા જેવા વિવિધ સુધારા કર્યા છે.

FCCIના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ રાજીવ ગાંધીએ MSME દ્વારા સંરક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો વિકસાવવા અંગેની વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે MSMEનો લાભ લેવા માટે PSU, ખાનગી ક્ષેત્ર, વિદેશી OEMનું માર્ગદર્શન અને સમર્થન જરૂરી છે. સરકારના મેક ઇન ઇન્ડિયા મિશન માટે મોટા રોકાણોને આકર્ષવા સંરક્ષણ MSME  ક્લસ્ટર ની સ્થાપના કરવી પણ નિર્ણાયક છે. FICCI 16,000થી વધુ MSME સાથે સહયોગનું લક્ષ્ય રાખે છે. જેનાથી નિકાસ ક્ષમતામાં વધારો કરીને સ્વદેશીકરણ તરફ નોંધપાત્ર પગલાંમાં મદદ મળી રહેશે.

L&T ડિફેન્સ હેડ ગન અને આર્મર્ડ સિસ્ટમ્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ મુલગાંવકરે સંરક્ષણ પુરવઠાની શૃંખલામાં MSMEની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણ પર ગર્વ અનુભવીએ છીએ. અમારી સાથે ઘણા MSME છે. જે અમને જરૂરી સાધનો પૂરા પાડે છે. અમે દરેક વસ્તુ જાતે બનાવી શકતા અને અમે જે કામ કરી રહ્યાં છે તેમાં અમારે વધારે વિક્રેતા ની જરૂર છે.

iHUB ગુજરાતના CEO હિરણ્યમય મહંતે “માઇન્ડ ટુ માર્કેટ” દ્વારા ગુજરાતમાં આંતરપ્રિન્યોર ને મદદરૂપ થવા અંગે  iHUBની ભૂમિકાની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું હતું કે અમે સ્ટાર્ટઅપ્સ માં સામે આવતી ત્રણ મોટી સમસ્યા જેવી કે નાણા, યોગ્ય માર્ગદર્શન અને બજાર સાથે વિદ્યાર્થીઓને જોડાણમાં આવતા અવરોધો માં મદદ કરીએ છે.  અમે કોન્સેપ્ટ થી લઇને રોકાણની તકો સુધી સ્ટાર્ટઅપ્સને ઉભું કરવામાં મદદ કરીએ છે.

આભાર પ્રસ્તાવમાં FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલની ટાસ્ક ફોર્સ ઓન ડિફેન્સના ચેરપર્સન પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્ર માટે સંરક્ષણ ઉત્પાદન શરૂ કરવાનું વડાપ્રધાનનું વિઝન સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં પ્રથમ પગલું છે. વધુમાં તેમણે MSMEમાં નીતિઓને સક્ષમ બનાવવા અને સરળ પ્રક્રિયા અંગે વાત કરી હતી.

રાજ્યકક્ષાના સંરક્ષણ MSME કોન્કલેવમાં સંરક્ષણ મંત્રાલયના સભ્યો, સંરક્ષણ ઉદ્યોગ, MSME અને સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો એક સાથે જોવા મળ્યા હતા. જેમાં સંરક્ષણમાં MSMEની તકો, સંરક્ષણમાં તાજેતરના નીતિ સુધારા, સકારાત્મક સ્વદેશીકરણ, ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો.