October 16, 2024
વિતેલા ચાર વર્ષમાં ગુજરાતમાં કેરી, ચીકુ, કેળાં, જામફળ સહિતના ફ્રૂટ્સના ઉત્પાદનમાં 21% સુધીનો ઘટાડો

વિતેલા ચાર વર્ષમાં ગુજરાતમાં કેરી, ચીકુ, કેળાં, જામફળ સહિતના ફ્રૂટ્સના ઉત્પાદનમાં 21% સુધીનો ઘટાડો

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રુટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રુટ્સનું ઉત્પાદન 10.46% જેટલું ઘટ્યું છે. કેરી, ચીકુ, કેળા, જામફળ, બોર અને પપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં 3-21% ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતમાં ફળોનું કુલ ઉત્પાદન 93 લાખ ટન હતું જે 2022-23 આવતા સુધીમાં ઉત્પાદન ઘટીને 83 લાખ ટન પહોચ્યું હતું.

વિવિધ ફ્રુટ્સના ઉત્પાદનમાં થયેલી વધઘટ

ફ્રુટ 2020 2023 વધઘટ
કેરી 12.22 9.6 -21.44%
ચીકુ 3.1 2.57 -17.09%
કેળા 46.27 39.94 -13.68%
બોર 1.14 1.06 -7.00%
પપૈયા 11.15 10.67 -4.30%
જામફળ 1.85 1.79 -3.24%
મોસંબી/સંતરા 6.36 6.43 1.57%
દાડમ 6.71 6.86 2.23%
ખજુર/ખારેક 1.84 1.9 3.26%
સીતાફળ 0.73 0.77 5.47%

સોર્સ: ગુજરાત બાગાયત વિભાગ, ઉત્પાદન લાખ ટનમાં

ગુજરાત હોર્ટિકલ્ચર ડીપાર્ટમેન્ટના આંકડા મુજબ કેરીના ઉત્પાદનમાં સૌથી વધુ 21.44%નો ઘટાડો થયો છે. કોરોના બાદ ચાર વર્ષોમાં ગુજરાતમાં કેરીનું ઉત્પાદન 2020માં 12.22 લાખ ટન હતું જે 2023માં 9.60 લાખ ટન થયું હતું. તેવી જ રીતે આ સમય દરમિયાન ચીકુનું ઉત્પાદન 3 લાખ ટનથી 17% ઘટીને 2.57 લાખ ટન રહ્યું હતું. નાણાકીય વર્ષ 2020માં કેળાનું પ્રોડક્શન 46.27 લાખ ટન હતું તેની સામે 2022-23માં ઉત્પાદન 13.68% ઘટીને 40 લાખ ટન નોંધાયું હતું. આ ઉપરાંત જામફળ, બોર, પપૈયાનું ઉત્પાદન આ ચાર વર્ષોમાં 3-7% જેટલું ઘટ્યું છે.

ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ખરાબ હવામાન અને રાજ્યમાં આવેલા વાવાઝોડાના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા ઘણા સમયથી શિયાળા દરમિયાન માવઠું પડે છે અને ગરમી પણ વધુ રહે છે, જેની કેરીના પાક પર વિપરીત અસર પડે છે. આ ઉપરાંત કેળામાં પણ પાણીની બહુ જરૂર રહે છે. આજે પણ કેળા પકવાતા હોય તેવા વિસ્તારોમાં વરસાદી પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે. જાણકારો માને છે કે, ફ્રુટ્સના ભાવમાં થતી મોટી વધઘટ પણ આ માટેનું મોટું કારણ છે. સારા ભાવ મળતા ન હોવાથી પણ ખેડૂતો અન્ય પાક તરફ વળ્યા છે.