October 16, 2024
વૈશ્વિક બજારો પાછળ સ્થાનિકમાં સોનું રૂ. 1,300 ઉછળી રૂ. 69,000ની નવી ટોચે પહોંચ્યું

વૈશ્વિક બજારો પાછળ સ્થાનિકમાં સોનું રૂ. 1,300 ઉછળી રૂ. 69,000ની નવી ટોચે પહોંચ્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી વાત આવતા જ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી રહી હતી અને બંને ધાતુઓના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા હતા. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1,300 વધીને રૂ. 69,000ની નવી ટોચે પહોંચ્યો હતો. તેવી જ રીતે ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 500 વધીને રૂ. 74,800ના સર્વોચ્ચ સ્તરે આવી હતી.

અમદાવાદના જવેલર્સ રોહિત ઝવેરીએ જણાવ્યું કે, હોળી પછી જેમના લગ્ન હશે તેઓ આ સમયે સોનાની ખરીદી શરુ કરતા હોય છે. સોનામાં ભાવ વધી જવાથી આ ખરીદીને મોટી અસર થશે. આટલા ઊંચા ભાવ હોવાથી ઘરેણામાં 25-30% જ ખરીદી રહેવાની ધારણા છે. આ સાથે જ અખાત્રીજ પણ આવે છે જેમાં લોકો શુકન માટે સોનું ખરીદતા હોય છે. આ ખરીદી પણ નજીવી રહેવાની સંભાવના છે. જવેરીઓના જણાવ્યા પ્રમાણે, લોકોના બજેટમાં ફરક નહિ પડે પણ સોનું ઓછુ આવશે તે જોતા લોકો ખરીદી કરવાનું પાછુ ઠેલવી શકે છે.

અમેરિકામાં બુધવારે ફેડરલ રિઝર્વની બેઠક મળી હતી. આ બેઠકમાં અપેક્ષા મુજબ વ્યાજદર 5.25-5.50% પર સ્થિર રાખવામાં આવ્યા હતા. ફેડરલ રિઝર્વના અધિકારીઓએ તેમનો અભિપ્રાય જાળવી રાખ્યા બાદ ડોલરમાં વેચવાલીથી બુલિયનને ટેકો મળ્યો છે. જોકે સાથે જ, એવું તારણ પણ કાઢવામાં આવ્યું હતું કે, અર્થતંત્રની વર્તમાન સ્થિતિને જોતા વર્ષ દરમિયાન વ્યાજદરમાં ઘટાડો કરવો પડશે. આ સમાચાર આવતાની સાથે જ વૈશ્વિક સોનું ઉપરમાં 2,225 ડોલર પ્રતિ ઓંસના લેવલે ટ્રેડ થયું હતું અને અત્યારે 2,208ના સ્તરે ટ્રેડ થઇ રહ્યું છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પૂર્વ ચેરમેન કોલીન શાહે જણાવ્યું કે, આ ભાવવધારો રોકાણકારોનું ધ્યાન સોના તરફ ખેચાશે. ઘણા લોકો માને છે કે સોનું આ વર્ષે રૂ. 70,000ના આંકને પાર કરી જશે. નજીકના ગાળામાં ક્રૂડના ભાવને કારણે ભાવમાં સાવચેતીભર્યો વધારો જોવા મળશે જે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને સ્તરે સોનાના ભાવની ઉપરની ગતિને દબાણ કરશે.

એક વર્ષ અગાઉ આજના જ દિવસે 21 માર્ચ 2023ના દિવસે પણ સોનું સર્વોચ્ચ સપાટીએ પહોચ્યું હતું. તે સમયે અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 60,700 પ્રતિ 10 ગ્રામ હતો. ગત વર્ષે આજના દિવસે વૈશ્વિક સોનું 2005 ડોલરની વિક્રમી સપાટીએ પહોચ્યું હતું. વિતેલા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં અંદાજે 11% જેટલો વધારો થયો છે. તે સમયે અમેરિકાના બેન્કિંગ સંકટના કારણે ભાવ વધી ગયા હતા અને આ વખતે વ્યાજદરમાં સંભવિત ઘટાડાના કારણે સોના અને ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો છે.

પ્રભુદાસ લીલાધરના શશાંક પાલે જણાવ્યું હતું કે, જયારે પણ વ્યાજદરમાં ઘટાડાની વાત આવે છે ત્યારે સોનામાં તેજી જોવા મળે છે. આ સાથે જ નબળી આર્થિક વૃદ્ધિ, જીઓ-પોલિટીકલ ટેન્શન તેમજ અનેક દેશોમાં ચુંટણી હોવાથી રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનાનો વિકલ્પ પસંદ કરશે. સોનાએ છેલ્લા 20 વર્ષમાં વાર્ષિક 12% વળતર આપ્યું છે. આ જોતા ETF, ફીઝીકલ ગોલ્ડ કે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્વરૂપે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં સોનું હોવું જોઈએ.

બેંકમાં ફિક્સ ડિપોઝીટ ઉપર અને પોસ્ટમાં વાર્ષિક 7-7.5% વ્યાજ મળે છે. તેની સામે સોનામાં એક વર્ષમાં 14% રીટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ એક વર્ષ અગાઉ રૂ. ૧ લાખનું રોકાણ કર્યું હોય તો તેને સોનામાં રૂ. 14,000થી વધુ મળે છે. જોકે સેન્સેક્સમાં એક વર્ષમાં 25% વળતર મળ્યું છે. હાલમાં વૈશ્વિક સ્તરે અર્થતંત્રની ખરાબ હાલતને જોતા સલામત રોકાણ તરીકે રોકાણકારો ફરી સોના તરફ વળ્યા છે.