October 16, 2024
ગુજરાતના 206માંથી 154 ડેમો અડધોઅડધ ખાલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર 40% પાણી

ગુજરાતના 206માંથી 154 ડેમો અડધોઅડધ ખાલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર 40% પાણી

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણીનો વપરાશ પણ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગુજરાતના આવેલા ડેમ્સ અને જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં નર્મદા ડેમ સિવાયના 206 ડેમ્સ આવેલા છે. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર ડીપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે 154 ડેમમાં પાણીનું સ્તર 50% કરતાં પણ નીચું છે. એટલે કે ગુજરાતના 75% ડેમ્સ અડધોઅડધ ખાલી છે. આમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સ્થિતિ વધુ ખરાબ છે. વિભાગના 26 માર્ચ સુધીના આંકડા પ્રમાણે ગુજરાતના 207 ડેમ્સમાં 4,94,585 મિલિયન ક્યુબિક ફૂટ (MCFT) પાણી ઉપલબ્ધ છે જે તેની ગ્રોસ સ્ટોરેજ કેપેસિટીના 55.44% જેટલું છે. ગત વર્ષે આ સમયે ડેમ્સમાં 5,05,875 મિલિયન ક્યુબિક ફૂટ (MCFT) પાણી હતું.

નર્મદા સિવાયના 206 ડેમમાંથી 48 ડેમ એવા છે જેમાં 10% કે તેનાથી પણ ઓછુ પાણી છે. આ સિવાય 33 ડેમમાં 10-20% જેટલું પાણી છે અને 21-50% જેટલું પાણી હોય તેવા ગુજરાતમાં 73 ડેમ છે. 51-75% પાણી ઉપલબ્ધ હોય તેવા 39 અને 75%થી વધુ ભરાયેલા માત્ર 13 ડેમ આવેલા છે. સરકારના આંકડા મુજબ ગુજરાતમાં હાલ સાપ્તાહિક ધોરણે 3,308 MCFT પાણીનો વપરાશ થાય છે. નજીકના દિવસોમાં જેમ ગરમી વધશે તેમ પાણીનો વપરાશ સાપ્તાહિક ધોરણે ઉનાળાના પીક ટાઈમમાં અંદાજે 5,000 MCFT વપરાશ પહોચવાની ધારણા છે. જાણકારો માને છે કે, જળાશયોમાં પાણીની વર્તમાન સ્થિતિને જોતા જો ચોમાસું ખેચાઈ જશે તો જૂન મહિનામાં રાજ્યને પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે.

ડીપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીના ઉપલબ્ધ જથ્થાની સ્થિતિ ચિંતાજનક છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 141 ડેમ આવેલા છે અને તેમાં 91,413 MCFT સ્ટોરેજ કેપેસિટી સામે અત્યારે માત્ર 28,696 MCFT પાણી છે. એટલે કે આ ડેમ્સમાં માત્ર 31.39% જ પાણી છે. તેવી જ રીતે કચ્છમાં કુલ સ્ટોરેજ કેપેસિટીના 36% એટલે કે 4,252 MCFT પાણી ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતની સ્થિતિ જોઈએ તો અહીના 15 ડેમમાં 26,965 MCFT પાણી છે જે કુલ સ્ટોરેજ કેપેસિટીના 39.51% જેટલું થાય છે. જોકે મધ્ય અને દક્ષીણ ગુજરાતમાં પાણીની પરિસ્થિતિ થોડી સારી છે. સાઉથ ગુજરાતના 13 જળાશયોમાં કુલ સ્ટોરેજના 62% એટલે કે 1,88,625 મિલિયન ક્યુબિક ફૂટ પાણી છે અને સેન્ટ્રલ ગુજરાતમાં 17 ડેમમાં 51,254 MCFT પાણી છે. ગુજરાતની લાઈફ લાઈન ગણાતા નર્મદા ડેમમાં અત્યારે 1,94,792 MCFT પાણી છે જે તેની સ્ટોરેજ કેપેસિટીના 58.31% થાય છે.