October 16, 2024
NRI ભારતીયોએ ધૂમ કમાણી કરી, એક વર્ષમાં સ્ટોક માર્કેટમાંથી રૂ. 9400 કરોડથી વધુનો માલ વેચ્યો

NRI ભારતીયોએ ધૂમ કમાણી કરી, એક વર્ષમાં સ્ટોક માર્કેટમાંથી રૂ. 9400 કરોડથી વધુનો માલ વેચ્યો

બિઝનેસ ખબરી અમદાવાદ:

શેરબજારમાં નફો કરવો કોને ન ગમે, અને જ્યારે ભારતના માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે અને સાથે રોકાણ મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા રોકાણકારો એવા છે જે પોતાનો નફો બૂક કરી રહ્યા છે. ભારતીય સ્ટોક માર્કેટમાં બિન નિવાસી ભારતીયોએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કરેલું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા પ્રમાણે 2023-24 દરમિયાન NRIનું નેટ વેચાણ રૂ. 9,479.31 કરોડનું રહ્યું હતું, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 4,015 કરોડ હતું. એટલે કે વાર્ષિક ધોરણે NRIના વેચાણમાં 136%નો ઉછાળો આવ્યો છે.

માર્કેટ એક્સપર્ટ્સે કહ્યું હતું કે, રોકાણ સામે વળતર આપવામાં ભારતીય શેરબજાર વિશ્વના અન્ય શેરબજારો, ખાસ કરીને યુરોપ અને અમેરિકન માર્કેટ કરતા ઘણા સારા રહ્યા છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન BSE સેન્સેક્સ લગભગ 25% જેટલો વધ્યો છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ વધનારા માર્કેટ્સમાં ભારત ત્રીજા ક્રમે છે. જાપાનના નિક્કીએ 44% અને અમેરિકાના નાસ્ડેક માર્કેટ 34% વધ્યું છે. તેની સામે ડાઉ જોન્સ 19%, જર્મની, ફ્રાન્સ અને બ્રિટનના બજારો 4-18% જેટલા વધ્યા છે. ચીન અને સિંગાપોરના બજારોએ નેગેટિવ રીટર્ન આપ્યું છે.

BSE પર બિન નિવાસી ભારતીયોના નેટ ખરીદ વેચાણના આંકડા જોઈએ તો નાણાકીય વર્ષ 2023-24ના છેલ્લા મહિને માર્ચમાં જ NRIનું નેટ વેચાણ રૂ. 4700 કરોડથી વધારેનું હતું. તેવી જ રીતે ઓગસ્ટમાં તેઓએ રૂ. 3630 કરોડનું વેચાણ કર્યું હતું. આખા વર્ષ દરમિયાન NRI રોકાણકારોએ રૂ. 7045 કરોડનો માલ ખરીદ્યો હતો અને તેની સામે રૂ. 16,526 કરોડનો માલ વેચ્યો હતો. વિતેલા પાંચ વર્ષોમાં માત્ર 2020-21ના વર્ષમાં જ NRI ઇન્વેસ્ટર્સ તરફથી નેટ રૂ. 111 કરોડનું રોકાણ આવ્યું છે. બાકીના વર્ષોમાં બિન નિવાસી ભારતીયો વેચવાલ જ રહ્યા છે.

ભારતીય શેરબજારમાં NRIનું રોકાણ

મહિનો 2019-20 2020-21 2021-22 2022-23 2023-24
એપ્રિલ -207.79 49.3 -0.61 46.35 -4.64
મે 10.13 55.71 -42.42 -213.31 -99.15
જૂન 72.09 6.97 81.4 32.07 -147.52
જુલાઈ 17.31 2.95 -2.01 -64.08 -103.32
ઓગસ્ટ 9.72 286.33 -200.89 -152.47 -3630.6
સપ્ટેમ્બર -34.83 -79.17 -37.5 -41.22 -91.47
ઓક્ટોબર 4.33 14.31 40.49 24.73 -79.57
નવેમ્બર -16.14 -12.79 46.33 -1057.12 -115.94
ડીસેમ્બર -28.43 -166.73 -30.29 -533.99 -103.79
જાન્યુઆરી 2.35 19.35 42.72 13.03 -181.05
ફેબ્રુઆરી -7.95 -28.3 -1148.28 -1966.94 -198.51
માર્ચ 126.25 -36.86 28.8 -102.38 -4723.75

(સોર્સ: BSE, રકમ રૂ. કરોડમાં)