October 16, 2024
ગુજરાતમાં ટેક્નિકલ ટેક્સટાઇલનું ટર્નઓવર વાર્ષિક રૂ. 83,000 કરોડથી પણ વધારે

ગુજરાતમાં ટેક્નિકલ ટેક્સટાઇલનું ટર્નઓવર વાર્ષિક રૂ. 83,000 કરોડથી પણ વધારે

  • દેશના રૂ. 2 લાખ કરોડના ટેક્નિકલ ટેક્સટાઇલ માર્કેટમાં ગુજરાતનો આશરે 40% હિસ્સો

બિઝનેસ ખબરી, અમદાવાદ

ટેકનોલોજી અને ઇનોવેશન આધારિત ટેક્સટાઇલનો વ્યાપ દુનિયાભરમાં વધ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાં પાછળ નથી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વિતેલા ચાર-પાંચ વર્ષોમાં ટેક્નિકલ ટેક્સટાઇલના ઉત્પાદકો વધ્યા છે અને રાજ્યમાં આ ઉદ્યોગનું કદ અંદાજે રૂ. 83,000 કરોડથી પણ વધારેનું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા 15 જૂન ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ યોજાશે જેમાં ટેક્નિકલ સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરવામાં આવશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ની ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સના ચેરમેન સૌરિન પરીખે જણાવ્યું કે, વિશ્વનું ટેક્નિકલ ટેક્સટાઇલ માર્કેટ આશરે રૂ. 15 લાખ કરોડનું છે અને ભારતમાં આ ઉદ્યોગ રૂ. 2 લાખ કરોડને આંબી ગયો છે. ભારતના ટેક્નિકલ ટેક્સટાઇલ માર્કેટમાં ગુજરાતનો અંદાજે 40% હિસ્સો છે અને ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રી વાર્ષિક ધોરણે 6-8%ના દરે વધી રહી છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર ટેક્નિકલ ટેક્સટાઇલને પ્રમોટ કરવા ઘણા પ્રયત્નો કરી રહી છે. તેના માટે પોલિસી લેવલે પણ અલગ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગુજરાતની આગામી ટેક્સટાઇલ પોલિસી માટે સરકારે ઉદ્યોગકારો પાસેથી આ માટે મંતવ્યો મંગાવ્યા હતા.

ગુજરાત ચેમ્બરના ટ્રેઝરર અને મસ્કતી મહાજન કાપડ બજારના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે, GCCIના લીડરશિપ કોન્ક્લેવમાં ગુજરાત અને દેશના ટેક્સટાઇલ ઉદ્યોગના પીઢ અને અનુભવી લોકો ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા આવનાર લોકોને પોતાના અનુભવનું માર્ગદર્શન આપશે. આ કોન્ક્લેવમાં ટેક્નિકલ ટેક્સટાઇલ ઉપર પણ ફોકસ કરાયું છે. આ કાર્યક્રમમાં થકી અમે ટેક્નિકલ ટેક્સટાઇલમાં કામ કરતાં સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરવામાં આવશે. હ્રદયના ધબકાર માપી લે તેવા ગંજી અને અનનાસ અને કેળાંની છાલમાંથી કાપડ બનાવનાર સ્ટાર્ટઅપ્સ આ લીડરશિપ કોન્ક્લેવમાં ભાગ લઈ રહ્યા છે.

ઇન્ડિયન ટેક્નિકલ ટેક્સટાઇલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અમિત અગરવાલે કહ્યું કે, ભારતમાં ટેક્નિકલ ટેક્સટાઇલ મામલે ગુજરાત માર્કેટ લીડર છે. આમછતાં ગ્લોબલ માર્કેટને અનુસંધાને  આ બાબતે હજુ પણ ઘણું કામ થઈ શકે છે. ટેક્નિકલ ટેક્સટાઇલ એગ્રીકલ્ચર, જીઓ ટેકનોલોજી, મેડિકલ, ડિફેન્સ, ઑટોમોબાઇલ્સ, પેકેજિંગ, રિયલ એસ્ટેટ, સ્પોર્ટ્સ, ઘરેલુ વપરાશ અને સલામતી માટે બનતા કપડાં અને સાધનોમાં થાય છે.