October 16, 2024
ઓગસ્ટ 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 350 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે

ઓગસ્ટ 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 350 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે

અમદાવાદમાં લીલાવતીએ પ્રથમ ક્લિનિક નું ઉદ્ઘાટન કર્યું; પાંચ વર્ષમાં વધુ 50 ક્લિનિકનું લક્ષ્ય

બિઝનેસ ખબરી, અમદાવાદ:

મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના પ્રમોટર્સ દ્વારા અમદાવાદ ખાતે ક્લિનિક એન્ડ વેલનેસ, અત્યાધુનિક આરોગ્ય સંભાળ સુવિધાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. વેલનેસના પ્રમોટર પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2025 માં ગિફ્ટ સિટીમાં મલ્ટી-સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલ સંપૂર્ણ રીતે શરૂ થવાના ટ્રેક પર છે. 350 બેડની હોસ્પિટલનું નિર્માણ રૂ.500 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ નો પ્રથમ તબક્કો માર્ચ સુધીમાં કાર્યરત થવાનો અંદાજ છે.

પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદના લોકો સુધી નવી હેલ્થકેર સુવિધા લાવવા માટે અમે ઉત્સાહિત છીએ. આ પ્રકારનું ઉત્તમ હેલ્થકેર સુવિધાથી સજ્જ ક્લિનિક ગુજરાતમાં છે. અમદાવાદમાં અમારું પ્રથમ ક્લિનિક શરૂ કર્યું છે. અમે આગામી પાંચ વર્ષમાં ભારતના મોટા શહેરોમાં આવા 50 ક્લિનિક્સ ખોલવાની યોજના બનાવી છે. આગામી પાંચ વર્ષમાં વિવિધ શહેરોમાં પાંચ હોસ્પિટલ ખોલવાની યોજના છે. જેનું 4000 કરોડનું બજેટ છે. નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર અને આસામમાં હોસ્પિટલો બનવાની અપેક્ષા છે. 

આ ક્લિનિક અદ્યતન તબીબી સાધનોથી સજ્જ 8000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને અનુભવી હેલ્થકેર પ્રોફેશનલ્સની ટીમનો સ્ટાફ ધરાવે છે, તબીબી સેવાઓ અને ડાયગ્નોસ્ટિક સાધનોની વિશાળ શ્રેણી પ્રદાન કરશે. આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ (OPD) વિભાગમાં વિવિધ વિશેષતાઓથી સજ્જ સાત અત્યાધુનિક કન્સલ્ટિંગ રૂમ છે, અને દર્દીઓ માટે વ્યાપક સંભાળ સુનિશ્ચિત કરીને સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ક્લિનિકલ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG), ઇકો કાર્ડિયોગ્રામ (ECHO), સ્ટ્રેસ ટેસ્ટ (TMT), એડવાન્સ એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ (USG) જેવી અદ્યતન ડાયગ્નોસ્ટિક સેવાઓ પૂરી પાડે છે, જેમાં ડે કેર અને માઇનોર પ્રોસિજર રૂમ સેવાઓનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર પાસે વિવિધ વય જૂથ ને અનુરૂપ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પેકેજ પણ છે.

ઇસ્કોન-આંબલી રોડ પર સ્થિત, લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ વિવિધ આરોગ્ય સંભાળ જરૂરિયાતને પહોંચી વળવા માટે તૈયાર છે. જે નિવારક અને ઉપચારાત્મક બંને સારવાર ઓફર કરે છે. તેની સેવાઓની વ્યાપક શ્રેણી અને અદ્યતન ટેક્નોલોજી સાથે અમદાવાદમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ નો પાયો બનવા તૈયાર છે. ક્લિનિકના ઉદ્ઘાટનમાં હેલ્થકેર ઉદ્યોગના અનેક અગ્રણી વ્યક્તિ, સ્થાનિક સરકારી અધિકારીઓ અને સમુદાયના નેતાઓએ હાજરી આપી હતી.