October 16, 2024
પેમેન્ટમાં થતાં ફ્રોડના કારણે કાપડના વેપારીઓને વર્ષે અંદાજે રૂ. 2000-2500 કરોડનું નુકસાન ભોગવવું પડે છે

પેમેન્ટમાં થતાં ફ્રોડના કારણે કાપડના વેપારીઓને વર્ષે અંદાજે રૂ. 2000-2500 કરોડનું નુકસાન ભોગવવું પડે છે

બિઝનેસ ખબરી, અમદાવાદ:

અમદાવાદની કાપડ બજારમાં ઉત્તરોત્તર પેમેન્ટને લગતા ફ્રોડ વધી રહ્યા છે અને તેના કારણે વેપારીઓએ દર વર્ષે અંદાજે રૂ. 2000-2500 કરોડની નુકસાની વેઠવી પડે છે. છેતરપીંડીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મસ્કતી કાપડ માર્કેટ મહાજને પેમેન્ટ માટેના નવા નિયમો બનાવ્યા છે. આ નિયમોની જાણકારી અને વેપારીઓમાં જાગરૂકતા લાવવા માટે 18 જુલાઈએ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા.

મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે, કાયદેસર રીતે 90 દિવસની અંદર પેમેન્ટ કરવાનો નિયમ છે. સંબંધો સાચવવા અને વેપાર વધારવા માટે વેપારીઓ ક્રેડિટના દિવસો વધારતા ગયા અને સમય જતા આ ક્રેડિટ વધીને એક વર્ષથી ઉપરની થઈ ગઈ હતી. આ સ્થિતિમાં છેતરપીંડીના કિસ્સાઓ પણ વધવા લાગ્યા. અમારા અંદાજ મુજબ આવા ફ્રોડના કારણે વેપારીઓને વર્ષે રૂ. 2000-2500 કરોડની નુકસાની થાય છે. નાના ધંધાર્થીઓ માટે આ મોટી રકમ છે.

ગૌરાંગ ભગતે જણાવ્યું કે, પેમેન્ટને લગતા ફ્રોડના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે. તેને ધ્યાનમાં રાખીને કાપડના વેપારીઓના ૨૩ જેટલા વેપારી મંડળોને સાથે રાખીને પેમેન્ટ માટેના નવા નિયમો બનાવ્યા છે અને તેને તાત્કાલિક અસરથી લાગુ પણ કર્યા છે. અમદાવાદ ઉપરાંત અમારી વાત સુરત પણ થઇ છે અને તેઓ પણ અમારી જેમ નવા નિયમો બનાવવા તૈયાર થયા છે. સુરતના ટેક્સટાઈલ એસોસિએશન ફોસ્ટા ડ્રાફ્ટ પણ લઇ ગયું છે.

ફ્રોડ અટકાવવા બનાવવામાં આવેલા નવા નિયમો

    • ખરીદીના 100 દિવસની અંદર પેમેન્ટ કરી દેવાનું રહેશે.
    • મોડું થાય તો 15% વ્યાજ વસુલવામાં આવશે.
    • પેમેન્ટ ૧૫૦ દિવસથી મોડું થશે અથવા ચેક બાઉન્સ થશે તેવા વેપારીઓને ‘બી એલર્ટ’ની યાદીમાં મુકવામાં આવશે.
    • ‘બી એલર્ટ’ની યાદીમાં હોય તેની સાથે ભવિષ્યમાં વેપાર કરવામાં આવશે નહિ.
    • કોઈ ગ્રાહક કે એજન્સી નવું કામ શરુ કરે તો તેને રૂબરૂ મુલાકાતે આવવું પડશે અને તેને ૫ રેફરન્સ આપવાના રહેશે.
    • નવા અને જુના ગ્રાહકો તથા એજન્સીઓએ ફરજીયાત KYC કરાવવાનું રહેશે તેમજ આધાર અને પાનકાર્ડની કોપી લેવાની રહેશે.
    • બી એલર્ટની યાદીમાં મુકાયેલા ગ્રાહકો અને એજન્સીઓના નામ વેપારીઓના ગ્રુપમાં બ્રોડકાસ્ટ કરવામાં આવશે જેથી વેપારીઓ તેની સાથે ધંધો કરતા સાવધાન રહે.