બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગુજરાત સરકારે મંગળવારે નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગ લગભગ છેલ્લા 10 મહિનાથી નવી નીતિની રાહ જોઈ રહ્યો હતો. કાપડ ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે, આ પોલિસીથી ઉદ્યોગને ઘણો લાભ થશે. ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે, ગુજરાત અત્યાર સુધી ટેક્સટાઇલ ઉત્પાદક તરીકે જાણીતું હતું પરંતુ હવે આ પોલિસીમાં રાજ્યમાંથી નવી બ્રાન્ડ્સ પણ તૈયાર થાય તે પ્રમાણેનું ફોકસ છે. ગુજરાત ચેમ્બર (GCCI)ના મતે 1,000 મહિલાઓ સહિત 4,000 કામદારોને રોજગારી આપતા એકમોને પે-રોલ સપોર્ટ તેમજ આવા એકમોને મૂડીરોકાણ અને વ્યાજ સબસિડી દ્વારા સહાય આપવી આવકાર્ય બાબત છે.




