બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગુજરાતમાં વિતેલા સવા ત્રણ વર્ષ દરમિયાન GSTના 3.38 લાખથી વધુ રજીસ્ટ્રેશન રદ્દ થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ એપ્રિલ-જૂન વચ્ચે 50,298 નોંધણીઓ રદ્દ થઈ હતી. રાજ્યસભામાં સરકારે આપેલી માહિતી મુજબ વાર્ષિક ધોરણે જોઈએ તો ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 95,000-96,000 જેટલા GST રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ઓગસ્ટમાં પૂછેલા સવાલોના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ગુજરાતમાં ગુજરાતમાં GST ચોરી અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે, જુલાઇ 2017 થી જૂન 2024 દરમિયાન ટેક્સની ચોરીને લગતા 13,494 કેસ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે રૂ. 52,394 કરોડની GST ચોરી પકડી પાડવામાં આવી છે. આ સાથે જ આમાં સંકળાયેલા 214 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
રાજ્યસભામાં રજૂ થયેલા આંકડા મુજબ એપ્રિલ 2021થી જૂન 2024 દરમિયાન દેશમાં કુલ 48.58 લાખ GST રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે. આમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 7.34 લાખ રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 3.87 લાખ અને કર્ણાટકમાં 3.72 લાખ GST રજીસ્ટ્રેશન કેન્સલ કરાવવામાં આવ્યા છે. ગુજરાતના આંકડા જોઈએ તો મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા બિઝનેસ સ્ટેટથી વિપરીત ગુજરાતમાં રજીસ્ટ્રેશન રદ્દ થવાનું પ્રમાણ ઘટ્યું છે. 2021-22માં રાજ્યમાં 99,399 નોંધણીઓ રદ્દ થઈ હતી, તેની સામે 2023-2024માં 93,163 રજીસ્ટ્રેશન કેન્સલ થયા હતા.
આ સમયગાળામાં GST રજિસ્ટ્રેશન રદ થવાના મુખ્ય કારણો અંગે સરકારે જવાબ આપ્યો હતો કે, ધંધો બંધ કરવો અથવા થઈ જવો, માલિકનું મૃત્યુ, રિટર્ન ભરવામાં નિષ્ફળતા, વ્યવસાયનું વિલીનીકરણ, કાયદાની જોગવાઈઓનું પાલન ન થવું, વ્યવસાયના બંધારણમાં ફેરફાર, અમાન્ય બેંક એકાઉન્ટ, છેતરપિંડી, ઇરાદાપૂર્વક ખોટું નિવેદન અથવા હકીકતો આપીને નોંધણી થઈ હોય તે માટે રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે.
રાજ્ય | 2021-22 | 2022-23 | 2023-24 | 2024-25 (till June, 2024) |
ઉત્તર પ્રદેશ | 1,89,872 | 2,29,697 | 2,21,244 | 93,305 |
મહારાષ્ટ્ર | 1,61,439 | 1,75,403 | 1,50,990 | 56,919 |
તમિલનાડુ | 95,813 | 1,43,267 | 1,11,599 | 36,525 |
કર્ણાટક | 82,264 | 1,24,358 | 1,20,275 | 45,499 |
ગુજરાત | 99,399 | 95,523 | 93,163 | 50,298 |
રાજસ્થાન | 68,075 | 1,06,955 | 90,357 | 31,522 |
દિલ્હી | 93,214 | 68,188 | 59,719 | 48,562 |
બિહાર | 69,626 | 70,383 | 84,251 | 25,748 |
હરિયાણા | 57,580 | 68,629 | 71,972 | 22,485 |
તેલંગાણા | 40,316 | 67,654 | 80,048 | 13,746 |
સોર્સ: રાજ્યસભા