બિઝનેસ ખબરી, અમદાવાદ:
શનિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કૃષિ, SME, સ્ટાર્ટઅપ્સ, ઇન્કમ ટેક્સ સહિતની જાહેરાતો કરવામાં આવી હતી. આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકોએ આવકાર્યું હતું અને તેને મધ્યમવર્ગને રાહત આપતું અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવું ગણાવ્યું હતું. આ સાથે જ ઉદ્યોગકારોનું માનવું છે કે સરકાર ટેકનોલોજી ઉપર પણ સારો ભાર મૂક્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26ની અમે પ્રશંસા કરીએ છીએ કારણ કે તે ભવિષ્યલક્ષી અને ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ અભિગમ દર્શાવે છે અને દેશના આર્થિક વિકાસનો પાયો નાખે છે. ક્લીન એનર્જી, ડિજિટલ નવીનતા અને અદ્યતન ઉત્પાદન જેવા ઉભરતા ક્ષેત્રો તરફ સંસાધનોનું વ્યૂહાત્મક ફાળવણી ખાસ કરીને પ્રશંસનીય છે. આ રોકાણો માત્ર ભવિષ્યની તકનીકોમાં નેતૃત્વ કરવાની ભારતની તૈયારીનો સંકેત આપતા નથી પરંતુ ઉદ્યોગસાહસિકતા અને રોજગાર સર્જન માટે ફળદ્રુપ જમીન પણ બનાવે છે. અમે વ્યવસાય કરવાની સરળતા અને MSME અને મોટા ઉદ્યોગો માટે એક મજબૂત ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા પર સરકારના સતત ધ્યાનની પ્રશંસા કરીએ છીએ. આ પ્રગતિશીલ બજેટ $5 ટ્રિલિયન અર્થતંત્ર અને વૈશ્વિક ઉત્પાદન પાવરહાઉસ બનવા તરફ ભારતની સફરમાં વિશ્વાસને મજબૂત બનાવે છે.
કુલીન લાલભાઈ, ચેરમેન, CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલ
આ બજેટ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનું, MSME ક્ષેત્રને સપોર્ટ કરવાનું અને સામાન્ય જનતાની કલ્યાણકામનામાં અનુકૂળ છે. સરકારના અભિગમમાં ચાર મુખ્ય બાબતો સ્પષ્ટ રીતે જોવા મળે છે. MSME ક્ષેત્ર માટે ક્રેડિટ ગેરંટી કવર ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવ્યું છે, જે નાના વ્યવસાયો માટે વિશાળ સહારો પૂરું પાડશે. આ પગલાં નાના ઉદ્યોગકારોને આત્મનિર્ભર બનાવવા તરફ મહત્વપૂર્ણ છે. એગ્રીકલ્ચર સેક્ટરને બળ આપવાના આશયથી “નેશનલ હાઇ યીલ્ડ ક્રોપ પ્રોડક્શન પ્રોગ્રામ” શરૂ કરવામાં આવશે. તેની સાથે વેલ્યૂ એડેડ પ્રોગ્રામ્સ પણ લાગુ કરવામાં આવશે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ફૂડ એક્સપોર્ટ્સમાં વધારો થશે.
હિરેન ગાંધી, સચિવ, ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ
કેન્દ્રીય બજેટ 2025-2026માં આપણાં ગ્રામ્ય પરિવારોનો વિકાસ કરવા અને તેમને સમૃદ્ધ બનાવવા માટે કૃષિ, ડેરીઉદ્યોગ અને તેના સંલગ્ન સેક્ટરોના મહત્ત્વની પુષ્ટી કરવામાં આવી છે. સુધારવામાં આવેલી વ્યાજ સહાય યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)ની લૉનની મર્યાદાને રૂ. 3 લાખથી વધારીને 5 લાખ કરવી એ એક આવકારદાયક પગલું છે, જે પશુપાલકોને વધુ સારી નાણાકીય સ્થિતિસ્થાપકતા પૂરી પાડી સમયસર ધીરાણ મળી રહે તેની ખાતરી કરશે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, કાર્યક્ષમ પુરવઠા શ્રૃંખલા અને લાભદાયક કિંમતો માટે શાકભાજી અને ફળો માટેના વ્યાપક પ્રોગ્રામને લૉન્ચ કરવો એ ખેડૂતોની આવકને વધારવાની દિશામાં લેવામાં આવેલું નોંધપાત્ર પગલું છે. એનડીડીબી તેની આનુષંગિક કંપનીઓની સાથે પહેલેથી જ આ સેગમેન્ટની સાથે કામ કરી રહી છે અને આ પ્રોત્સાહન ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે.
મીનેશ શાહ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડના ચેરમેન
બજેટમાં 36 જીવનરક્ષક ડ્રગ્સને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે જેનાથી કેન્સર અને દુર્લભ બીમારીઓ તેમજ ગંભીર રોગોથી પીડાતા લોકો માટે જરૂરી રાહત મળશે. અન્ય છ ખૂબ જ મહત્વની દવાઓ પર 5 ટકાની કન્સેશનલ ડ્યૂટી જ લાગશે જેનાથી ઉત્પાદકો તથા દર્દીઓને વધુ રાહત મળશે. આના પગલે દેશમાં આરોગ્યસંભાળની જરૂરિયાતોમાં યોગ્ય હસ્તક્ષેપ માટે કિફાયતી તથા ગુણવત્તાસભર હેલ્થકેરને પ્રોત્સાહન મળશે. ક્લાસિફિકેશનની વધેલી મર્યાદાથી હવે સંસાધનોની પહોંચ સરળ બનશે અને વિકાસ સક્ષમ બનશે જેના પગલે આ સેક્ટરમાં નવી તકો ઊભી થશે. માઇક્રો-એન્ટરપ્રાઇઝીસના ક્રેડિટ કસ્ટમાઇઝેશનથી કાર્યશીલ મૂડીની ઉપલબ્ધતા વધશે અને નવીનતા તથા વિકાસમાં વધુ રોકાણને મદદ મળશે.
નિલેશ પટેલ, કાશ્મિક ફોર્મ્યુલેશન્સના મેનેજિંગ ડિરેક્ટર
નવા અલ્ટર્નેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ)માં રૂ. 10,000 કરોડની ફાળવણીની સાથે વર્ષ 2025-2026ના બજેટમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ખૂબ મોટું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તે વર્તમાન ફંડ ઑફ ફંડ્સ (એફઓએફ)ને પૂરક છે, જેણે રૂ. 91,000 કરોડની કટિબદ્ધતાઓ મેળવી ભારતના ઉદ્યોગસાહસિક પરિદ્રશ્યમાં નવીનીકરણ અને વિકાસને આગળ વધારવા સરકારના પ્રયાસોને સુદ્રઢ બનાવ્યાં છે. સ્ટાર્ટઅપ્સને મૂડીની અછતનો સામનો કરવો પડે છે, ખાસ કરીને પ્રારંભિક તબક્કાઓમાં. છેલ્લાં બે વર્ષમાં ફન્ડિંગમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાથી આ નવી જોગવાઇઓ અંતરાલને દૂર કરી મલ્ટિપ્લાયર ઇફેક્ટનું સર્જન કરશે.
ઋષભ જૈન, પ્રેસિડેન્ટ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી
“આ બજેટ લાંબા ગાળા માટે અનેક ફાયદાઓ આપી શકે છે. કર માળખાને સરળ બનાવીને, બોજ ઘટાડીને અને TDS/TCS ધોરણોને સુવ્યવસ્થિત કરીને, સરકારે ભારતમાં વ્યવસાય કરવાનું નોંધપાત્ર રીતે સરળ બનાવ્યું છે. આ સુધારાઓ સ્થાનિક અને વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપશે. 12 લાખ રૂપિયાની આવક સુધી કોઈ આવકવેરો નહીં રાખીને, આવકવેરા સ્લેબનું તર્કસંગતકરણ એ ખૂબ જ રાહ આપનારું અને આવકારદાયક છે. જોકે, આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે આવતા અઠવાડિયે લાવવામાં આવનારા નવા આવકવેરા બિલમાં શું હશે. MSME અને સ્ટાર્ટઅપ્સ માટે સરળ KYC ધોરણો અને ક્રેડિટ સપોર્ટ મૂડીની સરળતા સુનિશ્ચિત કરશે, વ્યવસાયોને સમૃદ્ધ આર્થિક વાતાવરણમાં વિકાસ અને નવીનતા માટે સશક્ત બનાવશે. એકંદરે, બજેટ આર્થિક વિકાસનો મજબૂત પાયો નાખે છે.”
ક્ષિતિજ પટેલ, મેનેજિંગ પાર્ટનર, મનુભાઈ અને શાહ LLP
“નાણામંત્રીએ મધ્યમ વર્ગની વાત સાંભળી છે અને આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરીને નોંધપાત્ર નાણાકીય રાહત આપી છે. જેનાથી માત્ર સ્થાનિક માંગમાં જ વધારો નહીં થાય પરંતુ રોકાણમાં પણ વધારો થશે, જે અર્થતંત્રને વેગ આપશે. આ સાથે જ બજેટમાં રાજકોષીય ખાધ GDPના 4.4% પર રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે રાજકોષીય સમજદારી દર્શાવે છે. વીમામાં FDI મર્યાદા 100% સુધી વધારવાથી ગ્લોબલ પ્લેયર્સ આકર્ષિત થશે, જેનાથી વધુ સ્પર્ધા, વધુ સારી પ્રોડક્ટ અને નાગરિકો માટે નાણાકીય સુરક્ષામાં સુધારો થશે. બજેટમાં પર્યટનને એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ, મુસાફરી અને કનેક્ટિવિટીમાં સુધારો અને ચોક્કસ જૂથો માટે વિઝા-ફી માફી સાથે સુવ્યવસ્થિત ઇ-વિઝા સુવિધાઓ રજૂ કરવથી સ્થાનિક પર્યટનના વિકાસમાં સારા સંકેત મળે છે.”
મિહિર પરીખ, એમપી ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્થાપક અને સીઈઓ
ખેત ઉત્પાદકતા વધારવા, ખાસ કરીને કપાસના ઉત્પાદન વધારવા માટે પાંચ વર્ષના મિશન પર કેન્દ્ર સરકારના બજેટ 2025માં અપાયેલા ધ્યાનની પ્રશંસા કરી છે. આ પહેલ કપાસ ઉદ્યોગમાં ગુણવત્તા અને નવીવતા માટેની અમારી પ્રતિબદ્ધતા સાથે સંલગ્ન છે. કોલેટરલ વિના જ મશીનરી તથા ઇક્વિપમેન્ટની ખરીદી માટે એમએસએમઈ માટે ટર્મ લોનની સુવિધા આપવા માટેની નવી સ્કીમ રજૂ કરાઈ છે તે ગેમ ચેન્જર છે. એક સમર્પિત ફંડ દ્વારા રૂ. 100 કરોડ સુધીની ગેરંટી સાથે આનાથી નાના વ્યવસાયો સશક્ત બનશે, સ્પર્ધાત્મકતા વધશે અને સમગ્ર કોટન વેલ્યુ ચેઇનમાં વૃદ્ધિ થશે.
અક્ષિતા કોટનના એમડી કુશલ પટેલ
કેન્દ્રીય બજેટમાં સાર્વત્રિક અભિગમ દ્વારા ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને મજબૂત બનાવવાની સરકારની કટિબદ્ધતાની પુષ્ટી કરવામાં આવી છે. કપાસની ઉત્પાદકતા માટે લૉન્ચ કરવામાં આવેલું મિશન એ કપાસની ખેતીની ગુણવત્તા અને ટકાઉપણાને વધારવાની દિશામાં લેવામાં આવેલું એક નોંધપાત્ર પગલું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ લઇને આ પહેલ ખેડૂતોની આવકને તો વધારશે જ પરંતુ તેની સાથે-સાથે ઉચ્ચ-ગુણવત્તાના કપાસનો પુરવઠો સ્થિરપણે મળતો રહે તેની ખાતરી પણ કરશે, જે આ સેક્ટરના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વધુમાં, પાંચ નેશનલ સેન્ટર્સ ઑફ એક્સીલેન્સ ફોર સ્કિલિંગની સ્થાપના એ ‘મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધી વર્લ્ડ’ના વિઝનની સાથે સુસંગત અત્યંત કૌશલ્યવાન વર્કફોર્સ ઊભી કરવાની દિશામાં લેવામાં આવેલું એક પ્રશંસનીય પગલું છે. એક શ્રમપ્રધાન ઉદ્યોગ હોવાને લીધે આ પ્રકારની પહેલ રોજગારીનું સર્જન કરવામાં અને ભારત ટેક્સટાઇલનું વૈશ્વિક હબ બની રહે તેની ખાતરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. એકંદરે, આ બજેટ ટેક્સટાઇલ સેક્ટરમાં નવીનીકરણ, સસ્ટેનેબિલિટી અને વિસ્તરણ માટે એક મજબૂત આધાર પૂરો પાડે છે.
રોનક ચિરિપાલ, ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર
વ્યક્તિગત આવકવેરાના દરમાં ઘટાડો એ એક આવકારદાયક પગલું છે જેનાથી લોકોના હાથમાં વધુ નાણાં રહેશે, જે વપરાશ અને બચતને વેગ આપશે. કરમુક્ત આવક મર્યાદા 12 લાખ રૂપિયા સુધી વધારીને, સરકારે ખાતરી કરી છે કે મધ્યમ વર્ગ પાસે વધુ ખર્ચ કરવાની શક્તિ છે. આનાથી રિટેલ, ઓટોમોબાઇલ્સ અને હાઉસિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં માંગ વધશે, જેનાથી અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે. વર્ગીકરણ માપદંડોમાં સુધારો અને ગેરંટી કવર સાથે ક્રેડિટ ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કરીને MSME પર સરકારનું ધ્યાન MSME ના વિકાસને વેગ આપશે. “મેક ઇન ઇન્ડિયા” ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતું રાષ્ટ્રીય ઉત્પાદન મિશન પણ યોગ્ય દિશામાં એક પગલું છે.
પ્રવીણ પટેલ, ચેરમેન, HOF ગ્રુપ