February 13, 2025
ટોરેન્ટ ગ્રુપે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સમાં 67% બહુમતી હિસ્સો ખરીદ્યો (ડાબેથી જમણે): અમિત સોની, પાર્ટનર, સીવીસી; વરુણ મહેતા, ટોરેન્ટ; સિદ્ધાર્થ પટેલ, મેનેજિંગ પાર્ટનર, સીવીસી; શાન મહેતા, ટોરેન્ટ; અમન મહેતા, ટોરેન્ટ.

ટોરેન્ટ ગ્રુપે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સમાં 67% બહુમતી હિસ્સો ખરીદ્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ઉર્જા અને આરોગ્ય ક્ષેત્રના બહુરાષ્ટ્રીય જૂથ, અમદાવાદ-સ્થિત ટોરેન્ટ ગ્રુપની હોલ્ડિંગ કંપની ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે (TIPL) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગુજરાતની ફ્રેન્ચાઇઝ ‘ગુજરાત ટાઇટન્સ’ (ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)માં 67% બહુમતી હિસ્સો ખરીદવા માટે લક્ઝમબર્ગ-સ્થિત ઇરેલિયા(CVC કેપિટલ પાર્ટનર્સ) સાથે નિર્ણાયક કરાર કર્યો છે. આ કરાર વૈધાનિક શરતોની પૂર્તિ અને મંજૂરીઓને (BCCI સહિતની મંજૂરીને) આધીન છે.

આ કરાર અંતર્ગત ઇરેલિયા ફ્રેન્ચાઇઝમાં 33%નો નોંધપાત્ર લઘુમતી હિસ્સો જાળવી રાખશે. ભારતના અગ્રણી બિઝનેસ ગ્રુપ્સમાંના એક અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત એવા ખાનગી ઇક્વિટી ફર્મ વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી, ભારતના રમતગમત ક્ષેત્રમાં તેના પ્રકારની પ્રથમ છે અને આગામી વિકાસ અને સહયોગ માટે આકર્ષક નવી તકો ખોલશે.

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જિનલ મહેતાએ જણાવ્યું કે, “ભારતમાં જયારે રમતગમતને ખાસ મહત્વ પ્રાપ્ત થઇ રહ્યું છે, તેવા સમયે ટોરેન્ટ આ ક્ષેત્રમાં વિકાસની મોટી સંભાવનાઓ જુએ છે. ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો મેળવવા સાથે, અમે અમારા ચાહકોના અનુભવને વધારવા અને આગામી વર્ષોમાં વિકાસના નવા માર્ગો ખોલવાની તક મેળવવા માટે ઉત્સાહિત છીએ. અમે ગુજરાત ટાઇટન્સ ટીમને આગળ ધપાવવા અને અમારા ચાહકો, ખેલાડીઓ અને અમારા કર્મચારીઓ – દરેક માટે કાયમી વારસો બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ હસ્તાંતરણ દ્વારા રમતગમત ઉદ્યોગમાં શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”

વર્ષ 2022માં સ્થપાયેલ, ગુજરાત ટાઇટન્સ IPLની સૌથી નવી ક્રિકેટ ફ્રેન્ચાઇઝમાંની એક છે. આધિકારિક રીતે આ ડીલનું મૂલ્ય કેટલું છે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. CVC કેપિટલ પાર્ટનર્સ દ્વારા ઓક્ટોબર 2021માં રૂ. 5625 કરોડની બિડ સાથે ગુજરાત ટાઈટન્સ જીતી હતી. હાલ GTની વેલ્યુએશન રૂ. 7,500 કરોડથી વધારે હોવાનું જાણકારોનું માનવું છે. ટોરેન્ટે આમાં મેજોરિટી હિસ્સો ખરીદવા માટે અંદાજે રૂ. 5,000 કરોડ રોક્યા હોવાનું જાણવા મળે છે.

CVC ના મેનેજિંગ પાર્ટનર સિદ્ધાર્થ પટેલે કહ્યું કે, અમે આ કરારની જાહેરાત કરતા ઉત્સાહિત છીએ, જે ભારતના સૌથી લોકપ્રિય રમત અને અમારી ટીમ, ગુજરાત ટાઇટન્સમાં એક નવા પ્રકરણની શરૂઆત દર્શાવે છે. ભારતીય ક્રિકેટમાં અમારી ભાગીદારી મજબૂત રીતે શરૂ થઈ, ગુજરાત ફ્રેન્ચાઇઝને હસ્તગત કરીને, અમારી પ્રથમ સીઝનમાં આઈપીએલ ટાઇટલ જીત્યું અને અમારી બીજી સીઝનમાં રનર્સ અપ તરીકે ઉભરી આવ્યા.

CVC ના પાર્ટનર અમિત સોનીએ જણાવ્યું કે, અમે ભારતના સૌથી આદરણીય બિઝનેસ ગ્રુપ્સમાંના એક, ટોરેન્ટ સાથે ભાગીદારી કરવાનો આનંદ અનુભવીએ છીએ. હવે અમે ટોરેન્ટ ગ્રુપનું સ્વાગત કરીને ખૂબ જ ખુશ છીએ અને આવનારા વર્ષોમાં ગુજરાત ટાઇટન્સ અને આઈપીએલ માટે વૃદ્ધિ અને વિકાસ માટે નવા રસ્તાઓ ખોલવા માટે આતુર છીએ.

CVC ના મેનેજિંગ પાર્ટનર નિક ક્લેરીએ જણાવ્યું હતું કે, મોટો GP અને ફોર્મ્યુલા-1માં અમારા રોકાણ પછી CVC નો રમતગમતમાં રોકાણનો લાંબો ઇતિહાસ છે, અને ગુજરાત ટાઇટન્સમાં આ રોકાણ જે પ્રકારે વિકસિત થયું છે તેના પર અમને ખૂબ ગર્વ છે. અમે ખાસ કરીને અમારા ચાહકો, અમારી મેનેજમેન્ટ ટીમ, અમારા ખેલાડીઓ અને BCCIનો આભાર માનવા માંગીએ છીએ. તેમના કારણે, ગુજરાત ટાઇટન્સ મેદાન પર અને મેદાનની બહાર એક અગ્રણી ફ્રેન્ચાઇઝ બની ગયું છે, અને અમારા અદ્ભુત ચાહકોના સમર્થન સાથે, અમે અમારા નવા ભાગીદારો, ટોરેન્ટ સાથે આમાં વેગ આવવાની અપેક્ષા રાખીએ છીએ.