વૈશાલી ફાર્માનો પાંચ વર્ષમાં રૂ. 1000 કરોડનું રેવન્યુ પર પહોંચવાનો ટાર્ગેટ, આફ્રિકા, લેટિન અમેરિકા સહિત 20 નવા દેશોમાં નિકાસ વધારશે

Special

વૈશાલી ફાર્માએ કેસર ફાર્મામાં 51 હિસ્સો હસ્તગત કર્યો, આનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે

બિઝનેસ ખબરી, અમદાવાદ:

અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડ આ વર્ષે રૂ. 100 કરોડના ટર્નઓવરને આંબી જશે. હવે કંપનીનો આગામી ટાર્ગેટ આવતા પાંચ વર્ષમાં રૂ. 1,000 કરોડના રેવન્યુ પર પહોંચવાનો છે. આ માટે કંપની પોતાના એક્સપોર્ટ રિજનમાં લેટિન અમેરિકા અને આફ્રિકા સહિત 20 નવા દેશો વધારવા પ્રયત્નો કરી રહી છે. આ સાથે જ કંપની ફોર્મયુલેશનના રજીસ્ટ્રેશન અને ડોઝિયર પાછળ અંદાજે રૂ. 100 કરોડ પણ ખર્ચશે.

એક્સપોર્ટ ફોકસ્ડ વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51 % હિસ્સો હસ્તગત કર્યો છે. આ વ્યૂહાત્મક હસ્તાંતરણથી વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે, તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા સપ્લાય ચેઇન મજબૂત બનશે.

વૈશાલી ફાર્માના ચેરમેન અતુલ વસાણીએ જણાવ્યું હતું કે, અમે આગામી બે વર્ષમાં રૂ. 300 કરોડ રેવન્યુ મેળવવાનો ટાર્ગેટ રાખી રહ્યા છીએ અને આવતા પાંચ વર્ષમાં વાર્ષિક રૂ. 1,000 કરોડનું ટર્નઓવર મેળવવાનો લક્ષ્યાંક છે. આ હસ્તાંતરણથી કંપનીના પોર્ટફોલિયોમાં કેસર ફાર્માની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરીને લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને વેગ આપશે. કેસર ફાર્માના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઇને વૈશાલી ફાર્મા તેની ઉત્પાદન ક્ષમતા, ખર્ચ કાર્યક્ષમતા તથા બજાર પહોંચમાં વધારો કરશે. આ પહેલથી કેસર ફાર્માના વર્તમાન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરાશે, જે કંપનીની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે.

આ હસ્તાંતરણ સાથે વૈશાલી ફાર્મા WHO-GMP તથા બીજી આંતરરાષ્ટ્રીય નિયામકીય માર્ગદર્શિકાઓનું પાલન કરતી ઉત્પાદન સુવિધા પ્રાપ્ત કરશે. કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજીરિયા, કેન્યા, યુગાન્ડા, કોંગો, ઘાના, મડાગાસ્કર, રવાન્ડા, એંગોલા, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, મ્યાંમાર, ફિલિપાઇન્સ અને કમ્બોડિયા જેવાં દેશની નિયામકીય સંસ્થાનોની મંજૂરી ધરાવે છે. 

કેસર ફાર્માના ડાયરેક્ટર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, આ હસ્તાંતરણથી કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાનો બેસ્ટ ઉપયોગ સુનિશ્ચિત કરવાની સાથે-સાથે ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો જાળવી શકાશે. વૈશાલી ફાર્માની કુશળતા અને વૈશ્વિક નેટવર્ક સાથે અમે અમારા ઉત્પાદનમાં વધારો કરી શકીશું તથા અમારી બજાર ઉપસ્થિતિને વિસ્તારી શકીશું. અમે આ ભાગીદારીથી સર્જાતી તકો અંગે ઉત્સાહિત છીએ અને બંન્ને કંપનીઓ માટે સફળ લાભદાયી સહયોગ માટે ઉત્સુક છીએ.

હસ્તાંતરણની જાહેરાત બાદ વૈશાલી ફાર્માનો શેર NSE ઉપર આશરે 5% જેટલો વધીને રૂ. 15.64 પર બંધ થયો હતો.