ગુજરાત બજેટ: સર્વાંગી વિકાસ સાથે ઉદ્યોગો, MSME, અર્બન ડેવલપમેન્ટ, આરોગ્ય અને શિક્ષણને પ્રાથમિકતા

Others

ગુજરાત સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગુજરાત રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ 2025-26 માટે ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. આ બજેટ વિકસિત ભારત 2047 વિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ સાથે ઉદ્યોગો, MSME, શહેરી પરિવર્તન, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોને પ્રાથમિકતા આપે છે.

મૂડી ખર્ચમાં 23.16% નો વધારો કરાયો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી યોજનાઓ માટે આશા અપાવે છે. શહેરી વિકાસ માટે વિશેષ ફાળવણી સાથે ગુજરાતમાં આધુનિક સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉદ્યોગો માટે વિશેષ પ્રોત્સાહન અને MSME માટે સહાયથી રોજગારીના વધુ અવસરો સર્જાશે.

ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઇ

ગુજરાતે સતત મહેસૂલી નાણાકીય ઊણપને નિયંત્રિત રાખીને જવાબદાર નાણાકીય વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આંદાજપત્રમાં સામાજિક કલ્યાણ, નવી ટેકનોલોજી, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે વ્યાપક સુધારાઓ માટે મોટી ફાળવણી કરાઈ છે. આ બજેટ રાજ્યના લાંબા ગાળાના વિકાસ માટે મજબૂત પગથિયો સાબિત થશે, જે “સમૃદ્ધ ગુજરાત” ના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે.

પ્રમુખ ફાળવણી અને યોજનાઓ

ઉદ્યોગ અને MSME

    • ઉદ્યોગો અને ખાણ માટે ₹8,958 કરોડની ફાળવણી.
    • MSME અને સ્ટાર્ટઅપ્સ માટે ₹3,600 કરોડ.
    • ગ્લોબલ સ્પર્ધાત્મકતા વધારવા ટેક્સટાઇલ પોલિસી માટે ₹2,000 કરોડ.
    • અંકલેશ્વર, સરીગામ, વાપી, સુરત માટે ડીપ-સી પ્રોજેક્ટ માટે ₹785 કરોડ.
    • ભરુચમાં બલ્ક ડ્રગ પાર્ક માટે ₹515 કરોડ.

શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર

    • શહેરી વિકાસ માટે ₹30,325 કરોડ, 40% નો વધારો.
    • 69 નગરપાલિકાઓને અપગ્રેડ કરવા તેમજ નવી નગરપાલિકા બનાવવા આયોજન.
    • મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ માટે ₹200 કરોડ.
    • ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર માટે ₹1,020 કરોડ.

આરોગ્ય અને સમાજ કલ્યાણ

    • નવાં ગુજરાત પેન્શન યોજના હેઠળ આદિવાસી વિકાસ માટે ₹1,100 કરોડ.
    • મુખ્યમંત્રી પોષક અલ્પાહાર યોજના માટે ₹617 કરોડ.
    • પૂરક પૌષ્ટિક આહાર માટે ₹973 કરોડ.
    • દિવ્યાંગ કલ્યાણ માટે જ્ઞાન શક્તિ યોજનામાં ₹170 કરોડ.

શિક્ષણ અને કૌશલ્ય વિકાસ

    • જ્ઞાન શક્તિ સ્કૂલ યોજના માટે ₹1,250 કરોડ.
    • વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન શક્તિ મેરીટ સ્કોલરશીપ માટે ₹250 કરોડ.
    • AI લેબ્સ સ્થાપવા અને ટેક્નોલોજી શિક્ષણને બળ આપવા માટે ફાળવણી.

પુનઃનવીકરણ ઊર્જા અને પર્યાવરણ

    • ગ્રીન હાઈડ્રોજન અને સોલાર પ્રોજેક્ટ માટે ₹500 કરોડ.
    • ઈકો-ટુરિઝમ માટે સુરત ઈકોનોમિક રીજનમાં ₹50 કરોડનું રોકાણ.

ગુજરાત સરકારે આંદાજપત્ર દ્વારા ધીમી અને સ્થીર આર્થિક વિકાસ સાથે સમાજ કલ્યાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26ના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”-ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા આ બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે. આ માટે રૂ. 50 હજાર કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે. પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ  પણ તેમણે વ્યક્ત કર્યો હતો.