EV બેટરીના એડવાન્સ્ડ સોલ્વન્ટના ડેવલપમેન્ટ અને સપ્લાય માટે અનુપમ રસાયણ અને USAની એલિમેન્ટિયમ મટિરિયલ્સ વચ્ચે કરાર

Market

બિઝનેસ ખબરી, અમદાવાદ:

કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડે ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) બેટરી માટે મહત્ત્વપૂર્ણ એડવાન્સ ઇલેક્ટ્રોલાઇટ કેમિકલ્સના પુરવઠા માટે અમેરિકા સ્થિત બેટરી ઇલેક્ટ્રોલાઇટ કંપની એલિમેન્ટિયમ મટિરિયલ્સ ઇન્ક. સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) પર હસ્તાક્ષર કર્યા છે.

અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈએ જણાવ્યું હતું કે, “એલિમેન્ટિયમ મટિરિયલ્સ સાથેનો આ LOI બેટરી કેમિકલ્સમાં પ્રવેશવાની અને OEM સાથે સીધો કામ કરવાની અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે. આ પ્રોડક્ટ અમારા ગ્રાહકને ઓછી ખર્ચાળ અને ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતી ઇવી બેટરીના ઉત્પાદનના તેના મિશનને હાંસલ કરવા સક્ષમ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. બેટરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાથી તે વાહનના પાવર આઉટપુટમાં સુધારો કરશે. તદુપરાંત, આ ભાગીદારી નોંધપાત્ર આવક વૃદ્ધિ અને નફાકારકતાને વેગ આપવા માટે તૈયાર છે, જે બેટરી કેમિકલ્સ માર્કેટમાં અમારી હાજરી સ્થાપિત કરે છે.”

અનુપમ રસાયણ આ ઊંચી માગ ધરાવતું, આવશ્યક ઉત્પાદન ઊભું કરવા માટે રાસાયણિક ઉત્પાદનમાં તેની અત્યાધુનિક સંશોધન અને વિકાસ કુશળતાનો ઉપયોગ કરશે, જેનો પુરવઠો નાણાકીય વર્ષ 2026ના અંતથી શરૂ થવાની અપેક્ષા છે. સફળ પ્રોડક્ટ ડેવલપમેન્ટ બાદ, કંપનીઓ 350થી 450 મિલિયન ડોલરની વચ્ચેના સંયુક્ત વેચાણ સાથે 5 વર્ષ માટે પુરવઠા કરાર પર વાટાઘાટો કરશે. પ્રારંભિક જથ્થાને હાલની ઉત્પાદન સુવિધાઓ દ્વારા સપ્લાય કરી શકાય છે, જ્યારે તેની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે, કંપનીએ એક નવો પ્લાન્ટ સ્થાપિત કરવો પડશે.

એલિમેન્ટિયમ મટિરિયલ્સના CEO મેથ્યુ ડોસને જણાવ્યું હતું કે, “અનુપમ રસાયન સાથેનો આ લેટર ઓફ ઇન્ટેન્ટ એ વૈવિધ્યસભર અને સ્થિતિસ્થાપક વૈશ્વિક સપ્લાય ચેઇન બનાવવા માટે એલિમેન્ટિયમની વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અનુપમ રસાયણ જેવા વિશ્વના અગ્રણી રાસાયણિક સપ્લાયર્સ સાથે કામ કરવાથી અમે અમારા નેક્સ્ટ જનરેશન ઇલેક્ટ્રોલાઇટ પ્લેટફોર્મના ઉત્પાદનને ઝડપથી વધારી શકીએ છીએ, જે અલ્ટ્રા-હાઇ પરફોર્મન્સ બેટરી અને ટકાઉ ઊર્જા સોલ્યુશન્સના ભવિષ્યને આગળ ધપાવે છે.”