October 16, 2024
વિતેલા એક વર્ષમાં ગુજરાતના 21,810 વિદ્યાર્થીઓએ રૂ. 1,951 કરોડની એજ્યુકેશન લોન લીધી

વિતેલા એક વર્ષમાં ગુજરાતના 21,810 વિદ્યાર્થીઓએ રૂ. 1,951 કરોડની એજ્યુકેશન લોન લીધી

બિઝનેસ ખબરી, અમદાવાદ

ગુજરાતમાં હાયર એજ્યુકેશન માટે વિદેશમાં ભણવા જવાનું ચલણ વધી રહ્યું છે અને તેથી જ એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યા અને લોનની રકમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના નાણાકીય વર્ષ 2023-24ના આંકડા મુજબ ગુજરાતમાંથી 21,810 વિદ્યાર્થીઓએ લોન લીધી હતી. જે આંકડો 2022-23માં 18,415 હતો. તેવી જ રીતે એજ્યુકેશન લોનની રકમ પણ રૂ. 1,252 કરોડથી વધીને રૂ. 1,951 થઈ છે. એક વર્ષમાં લોન લેનારાઓની સંખ્યામાં 18.43% અને લોનની રકમમાં 55.83 %નો વધારો થયો છે.

ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરે જણાવ્યું કે, ગુજરાતમાંથી અભ્યાસ માટે અમેરિકા જનારા વિદ્યાર્થીઓ સૌથી વધુ છે અને આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો પણ થઇ રહ્યો છે. વિદેશ ભણવા જનારા મોટાભાગના વિદ્યાર્થીઓ લોન લઈને જાય છે. દેશની જેમ વિદેશમાં પણ શિક્ષણ મોંઘુ થયું છે. વિઝા સહિતના અન્ય ખર્ચમાં પણ વધારો થયો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની વિઝા ફી અગાઉ 700 ઓસ્ટ્રેલીયન ડોલર હતી તે વધીને 1,600 ડોલર થઇ છે. આ ઉપરાંત જ ડોલર અને રૂપિયાના રેટમાં વધારો થયો છે તેના કારણે લોનની રકમ અને વિદ્યાર્થી દીઠ સરેરાશ લોનની રકમમાં પણ વધારો થયો છે.

ગુજરાતમાં એજ્યુકેશન લોનની સ્થિતિ જાણવા વિતેલા 10 વર્ષના આંકડાનું સંકલન કરતા જાણવા મળ્યું કે કોરોનાના વર્ષ 2019-20માં 39,902 વિદ્યાર્થીઓએ રૂ. 1,259 કરોડની શૈક્ષણિક લોન લીધી હતી. ત્યારબાદ ભારત સહિત દુનિયાભરમાં કોવિડ લોકડાઉનના કારણે 2020-21માં આ સંખ્યા ઘટીને 29,335 થઇ હતી. કોવિડની સાથે સાથે રશિયા-યુક્રેન વોરના કારણે જીઓ-પોલિટીકલ સ્થિતિ બગડતા આ આંકડો 2021-22માં ઘટીને 16,275 પર આવી ગયો હતો અને એજ્યુકેશન લોનની રકમ પણ ઘટીને રૂ. 1,044 કરોડ થઇ હતી. જોકે ત્યારબાદ સ્થિતિ સુધારતા વિતેલા એજ્યુકેશન લોન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા અને લોનની રકમમાં વધારો થયો છે.

વિતેલા પાંચ વર્ષોમાં વિદ્યાર્થીઓએ લીધેલી સરેરાશ લોનની રકમ જોઈએ તો 2019-20માં એક વિદ્યાર્થી દીઠ સરેરાશ રૂ. 3.15 લાખની લોન લેવામાં આવી હતી. તેની સામે 2023-24માં સરેરાશ લોનની રકમ વધીને 8.94 લાખ થઇ છે. એક વર્ષમાં આ રકમ 32% અને પાંચ વર્ષમાં 183.51%નો વધારો થયો છે.