CII ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે નવો અભિગમ શરુ કર્યો જેમાં પ્રથમ એપિસોડમાં અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈએ પ્રેરણાત્મક પ્રવચન આપ્યુ
બિઝનેસ ખબરી, અમદાવાદ:
આજનાં ઉદ્યોગજગતની યુવા પેઢીને પ્રેરણા આપવા માટે તથા તેમને સશક્ત બનાવવા માટે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે એક નવી પહેલ શરુ કરી છે. આ નવી પહેલ અંતર્ગત પહેલા જ એપિસોડમાં અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈ સાથે વાર્તાલાપ દર્શાવવામાં આવ્યો હતો, જેમણે ગુજરાતમાં ઉદ્યોગોના ભવિષ્ય સંદર્ભે પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ શેર કર્યા હતા.
CII ગુજરાત ટાસ્કફોર્સ ઓન સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ એન્ડ એંગેજમેન્ટ્સના ચેરમેન અને સેવી ગ્રૂપના સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર સમીર સિન્હા દ્વારા સંચાલિત આ ઇવેન્ટના માધ્યમથી યુવા ઉદ્યોગકારોને ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ પાસેથી મૂલ્યવાન સૂચનો પ્રાપ્ત થયા હતા અને તેમને એક પ્લેટફોર્મ મળ્યું હતું.
સંજય લાલભાઈએ જે વિચારો વ્યક્ત કર્યા હતા તે વ્યક્તિગત અનુભવો અને વ્યાવસાયિક સલાહનું મિશ્રણ હતું એટલું જ નહી પરંતુ તેમનાં વ્યવસાયિક મુલ્યો અને સિદ્ધાંતોનું પ્રતિબિંબ પણ હતું. પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા સંજય લાલભાઈએ તેમના દાદાએ આપેલા કેટલાક મુલ્યવાન સૂચનોને પણ યાદ કર્યા હતા.
તેમણે શિસ્ત અને બીજાના સમયના મહત્વ ઉપર પણ ભાર મુક્યો હતો. પોતાના દાદાના શબ્દોને ટાંકતા તેમણે કહ્યું હતું કે, બીજા લોકોને કોઈ બાબતે રાહ જોવડાવવી યોગ્ય નથી. બીજાના સમયની પણ કિમત કરવી જોઈએ. વ્યક્તિગત જીવનમાં અને વ્યવસાયમાં આ જ એપ્રોચ રાખવો જોઈએ.
લાલભાઈએ વારસાગત કૌટુંબિક વ્યવસાયમાં થયેલા ઉછેર વચ્ચે આવેલા પડકારો અને વિશેષાધિકારો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમાન અધિકારો અને ખાસ કરીને મહિલાઓ માટે કુટુંબની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. વ્યવસાયિક જવાબદારીઓ સાથે અંગત મૂલ્યોને સંતુલિત કરવાના તેમના દ્રષ્ટિકોણથી લોકો ઘણા પ્રભાવિત થયા હતા.
લાલભાઈએ અરવિંદ લિમિટેડની યાત્રા અને ભાવિ વિઝનની ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં તેના પ્રદાન અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે 1980ના દાયકાની શરૂઆતમાં અમદાવાદમાં ભારતના પ્રથમ ડેનિમ ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના અંગે વાત કરી હતી. આ પ્લાન્ટને કારણે દેશમાં ડેનિમ ક્રાંતિ આવી હતી. અરવિંદે ભારતમાં ડેનિમ જીન્સ લાવવામાં અને તેને લોકપ્રિય ફેશન તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ગુજરાતમાં ટેક્સટાઈલ ક્રાંતિ
જ્યારે ગુજરાતમાં ટેક્સટાઇલ ક્રાંતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, લાલભાઈએ અરવિંદ લિ.ની આગેવાની હેઠળની પરિવર્તનકારી સફર વિશે વિસ્તૃત વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે અરવિંદે 1980ના દાયકાની શરૂઆતમાં અમદાવાદના નરોડા રોડ ખાતે ભારતનો પ્રથમ ડેનિમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્લાન્ટને લીધે જ ભારતમાં ડેનિમ ક્રાંતિ આવી હતી.
“એ સમયે જ્યારે ડેનિમ વૈશ્વિક લોકપ્રિયતા મેળવી રહ્યું હતું, ત્યારે અરવિંદે અપાર સંભાવનાને પારખી હતી અને ડેનીમને આ ફેશન ટ્રેન્ડ તરીકે ભારતમાં લાવ્યા હતા. “આ વ્યૂહાત્મક નિર્ણયે માત્ર વધતા જતા સ્થાનિક બજારને જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર ભારતને અગ્રણી ઉત્પાદક તરીકે સ્થાન આપ્યું.
અરવિંદ લિ.નો ડેનિમ પ્લાન્ટ ઘણી બધી બાબતોમાં અગ્રેસર હતો. કંપનીએ રોપ ડાઈંગ અને પ્રોજેકટાઈલ લૂમ્સ જેવી ઓછી કિંમતની આધુનિક નવીનતાઓ રજૂ કરી હતી અને તેને પગલે પગલે ઉત્પાદન કાર્યક્ષમતા અને ફેબ્રિકની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો હતો. આ નવીનતાઓ અદ્યતન મશીનરી કોન્ફીગ્રેશન દ્વારા મેળવતી હતી, અને આ કારણે જ અરવિંદને ટેક્સટાઈલ ટેકનોલોજીમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ થયું હતું.
ડેનિમ ક્રાંતિમાં અરવિંદની ભૂમિકા ઉત્પાદનથી પણ આગળ વધી હતી. કંપનીએ ભારતમાં ડેનિમ જીન્સને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ બદલાયો તેમ, દેશભરમાંથી લોકો ખાસ કરીને ડેનિમ પ્રોડક્ટ્સ ખરીદવા અમદાવાદ આવવા લાગ્યા, જે અરવિંદના પ્રભાવનો પુરાવો હતો. એક તબક્કો એવો આવ્યો કે અમદાવાદ ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેનિમનો પર્યાય બની ગયું.
લાલભાઈએ કહ્યું કે, કાપડ ઉદ્યોગને રોજગાર સર્જન માટે એક મહત્વપૂર્ણ એન્જિન તરીકે જોવું જોઈએ. કાપડ ઉદ્યોગ કાચા માલથી લઈને તૈયાર થયેલા માલ સુધી એટલે કે કાપડના ઉત્પાદનના વિવિધ પાસાઓને કારણે એક મજબુત ઇકોસીસ્ટમ બનાવે છે જે બેરોજગારીનો દર ઘટાડવામાં અને આર્થિક સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર યોગદાન આપે છે. તેમણે આ ક્ષેત્રમાં વિકાસ કરવા માટે કર્મચારીઓને જરૂરી કૌશલ્યોથી સજ્જ કરી શકાય તે માટે કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમને પ્રોત્સાહિત કરતી નીતિઓની હિમાયત કરી હતી.
માનવસર્જિત ફાઇબર્સમાં વિસ્તરણ
વૈવિધ્યકરણની જરૂરિયાત પર પ્રકાશ પાડતા લાલભાઈએ કાપડ ઉદ્યોગ માટે વિકાસના ક્ષેત્ર તરીકે માનવસર્જિત ફાઈબરની સંભવિતતા દર્શાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃત્રિમ ફાઇબરમાં વિસ્તરણ એ વૈશ્વિક ધોરણે બદલાતી જતી ફેશન માટે નવું માર્કેટ કે નવી તકો ઉભી કરી શકે છે પરંતુ તેની સામે માનવસર્જિત ફાઇબરની ગુણવત્તામાં નવીનતા લાવી, વૈશ્વિક ઉત્પાદકો સાથે સ્પર્ધા કરીને ભારતને આ સેગમેન્ટમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થઇ શકે છે.
રિયલ એસ્ટેટ વિકાસની સુવિધા
લાલભાઈએ રીયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ ઉપર ભાર મુક્ત જમીન અંગેના કાયદામાં સુધારાની જરૂરિયાત દર્શાવી હતી. કેટલીક અકારણ અડચણો દુર કરવી પણ જરૂરી છે તેમ જણાવતા તેમણે જણાવ્યું હતું કે આ નિયમોને હળવા કરવાથી માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રને જ ફાયદો થશે નહીં પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થામાં સુધારો આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે, બાંધકામ સંબંધિત ઉદ્યોગોને વેગ મળશે અને રોજગારીનું સર્જન થશે. રોકાણને આકર્ષવા અને વિકાસ પરિયોજનાઓને ઝડપી બનાવવા માટે સરળ જમીન સંપાદન પ્રક્રિયાઓ અને સુવ્યવસ્થિત નિયમનકારી માળખા જરૂરી છે.