November 21, 2024
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને એરબસે ભારતના વડોદરામાં સી295 ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરી

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને એરબસે ભારતના વડોદરામાં સી295 ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરી

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) અને એરબસે ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરા ખાતે એરબસ સી295 એરક્રાફ્ટ માટે ફાઇનલ એસેમ્બલી લાઇન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. TASL અને એરબસ ભારતીય હવાઈ દળને 56 જેટલા સી295 એરક્રાફ્ટ પૂરા પાડવા માટેના અગ્રણી ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ માટે ભાગીદારી કરી છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસના સીઈઓ માઇકલ શૉલહોર્નની ઉપસ્થિતિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રેસિડેન્ટ પેદ્રો સાન્ચેઝ પેરેઝ-કેસ્તેશૉન દ્વારા આ અત્યાધુનિક એકમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ કાર્યક્રમને મોટું પ્રોત્સાહન આપતા સૌપ્રથમ વખત ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા ભારતમાં એરક્રાફ્ટ એફએએલ ઊભી કરવામાં આવી રહી છે. ભારતીય હવાઈ દળે તેના AVRO ફ્લીટના સ્થાને 56 એરબસ સી295 એરક્રાફ્ટ હસ્તગત કરવા માટેની ઔપચારિકતા પૂરી કર્યાના ત્રણ વર્ષ પછી આ ઉદ્ઘાટન થયું છે. કોન્ટ્રાક્ટ મુજબ આ FALમાં TASL સાથેની ભાગીદારીમાં 40 યુનિટ્સનુ ઉત્પાદન અને એસેમ્બલિંગ કરવામાં આવશે જ્યારે 16 યુનિટ્સને સ્પેનના સેવિલેમાં એરબસની ફાઇનલ એસેમ્બલી લાઇનથી ફ્લાય-અવે કન્ડિશનમાં આઈએએફને સોંપવામાં આવશે. અત્યાર સુધી કુલ 6 એરક્રાફ્ટ્સ ડિલિવર થઈ ચૂક્યા છે.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, “ટાટા ગ્રુપ પાયાના સ્તરેથી દેશના પ્રથમ ખાનગી ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન કરનારી આ અત્યાધુનિક ફેસિલિટીથી સંરક્ષણ અને આધુનિક ઉત્પાદન ક્ષમતા બંનેને નોંધપાત્ર રીતે વધારશે. હું ભારતની આ સ્વદેશી ઉત્પાદન સફરમાં આ યાદગાર પ્રસંગમાં અમારી સાથે જોડાવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પેદ્રો સાન્ચેઝ પેરેઝ-કેસ્તેશૉન અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોનો આભારી છું.”

એફએએલ ડિટેઇલ પાર્ટ્સ અને તેને સંબંધિત ટૂલિંગ, સબ-એસેમ્બલી, મોટા કમ્પોનેન્ટની એસેમ્બલી, ટૂલ્સ, જિગ્સ અને ટેસ્ટર્સના ઉત્પાદનનું સંકલન કરશે. સી295 એરક્રાફ્ટના કમ્પોનેન્ટ્સનું ઉત્પાદન હૈદરાબાદમાં મેઇન કમ્પોનેન્ટ એસેમ્બલી (એમસીએ)માં પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે. ભારતમાં બનનારા પહેલા સી295 એરક્રાફ્ટના પાર્ટ્સ વડોદરા એફએએલમાં મોકલી દેવામાં આવ્યા છે જ્યાં એરક્રાફ્ટનું એસેમ્બલિંગ થશે અને ત્યારબાદ ભારતીય હવાઈ દળને ડિલિવર કરવામાં આવશે.

પ્રથમ ‘મેક ઈન ઈન્ડિયા’ સી295 સપ્ટેમ્બર 2026માં વડોદરા એફએએલમાંથી બહાર પડશે જે ભારતીય એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે એક સીમાચિહ્ન રહેશે અને ભારતીય હવાઈ દળની જરૂરિયાત મુજબ ઓગસ્ટ 2031 સુધીમાં ભારતીય હવાઈ દળને 40 એરક્રાફ્ટ પૂરા પાડવાની કામગીરી સંપન્ન કરવામાં આવશે.

એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસના સીઈઓ માઇકલ શૉલહોર્ને જણાવ્યું હતું કે, “સી295 ઈન્ડિયા પ્રોગ્રામ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ‘આત્મનિર્ભર ભારત’ના ભારતના વિઝનને ટેકો આપવા માટે એરબસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વિઝનની સાથે રહીને આ FAL દેશમાં એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમને આગળ લઈ જવામાં વેગ આપશે તથા સમગ્ર ભારતની વેલ્યુ ચેઇનમાં અત્યાધુનિક ડિઝાઇન, કમ્પોનેન્ટ ઉત્પાદન, એરક્રાફ્ટ એસેમ્બલી અને સર્વિસીઝ ક્ષમતાઓની સંભાવનાઓના દ્વાર ખોલશે.” 

56 એરક્રાફ્ટ મેળવવા સાથે ભારત સી295 માટેનું સૌથી મોટો ગ્રાહક બન્યું છે. સી295 ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોગ્રામ ભારતમાં 13,000 ડિટેઇલ પાર્ટ્સના ઉત્પાદનની સાથે સાથે 40 એરક્રાફ્ટની 85 ટકાથી વધુ સ્ટ્રક્ચરલ અને ફાઇનલ એસેમ્બલીનું ઉત્પાદન કરશે જે પૈકી 21 સ્પેશિયલ પ્રોસેસીસ સર્ટિફાઇ થઈ ચૂકી છે અને ખાનગી તથા જાહેર એમ બંને ક્ષેત્રોના ભારતના જ 37 સપ્લાયર્સ ઓનબોર્ડ થઈ ચૂક્યા છે. 

એરબસ માટે ભારત એક વ્યૂહાત્મક રિસોર્સ હબ છે જ્યાં કંપની એરક્રાફ્ટ એસેમ્બલી, કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ ડિઝાઇન અને ડેવલપમેન્ટ, એમઆરઓ સપોર્ટ, પાઇલટ અને મેઇન્ટેનન્સ ટ્રેનિંગ તેમજ માનવ મૂડીને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક સહયોગ સાથે તેની ઔદ્યોગિક હાજરી વિસ્તારી રહી છે. એરબસ કમ્પોનેન્ટ્સ અને સર્વિસીઝ માટે ભારતમાં મજબૂત તથા વ્યાપક સપ્લાય ચેઇનમાં દર વર્ષે 1 અબજ ડોલરથી વધુનું રોકાણ કરે છે જે 15,000થી વધુ નોકરીઓનું સર્જન કરે છે. આ ઉપરાંત બેંગાલુરૂમાં એરબસ ઈન્ડિયાના પોતાના એન્જિનિયરિંગ અને ડિજિટલ સેન્ટર્સ વિશ્વભરમાં એરબસના તમામ કોમર્શિયલ અને હેલિકોપ્ટર પ્રોગ્રામ્સમાં યોગદાન આપે છે.