બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ કેડીલા ગ્રુપના ચેરમેન રાજીવ મોદી ઉપર બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ કંપનીમાં ચાલતી અનેક ગેરરીતિઓ સામે આવી છે. ખાસ કરીને વહીવટી બાબતોમાં બધું બરોબર ના હોવાની વાતો સામે આવતા કેડીલા જૂથની ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની IRM એનર્જીના ટોચના અને મહત્વના અધિકારીઓ રાજીનામું આપીને કંપની છોડી રહ્યા છે. ૮ જુલાઈએ IRMના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કરણ કૌશલે રાજીનામું આપ્યું છે.
થોડા દિવસો પહેલા કંપનીના ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગુજરાતના પૂર્વ IAS અધિકારી મહેશ્વર સાહુએ પણ કંપની છોડી દીધી હતી. તેમણે પોતાની ટર્મને રીન્યુ ન કરવાનું પહેલાથી જ જણાવી દીધું હતું. સાહુ ટૂંક સમયમાં વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં જોડાશે. પોતાના રાજીનામામાં કરણ કૌશલે વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે વધુ સારી તકોને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત IRM એનર્જીના કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર શિખા જૈને અન્ય જગ્યાએ કેરિયર ગ્રોથનું કારણ આપી ૪ જૂને રાજીનામું આપ્યું હતું.
IRM એનર્જીને છોડી જનારા ટોચના અધિકારીઓ
- મહેશ્વર સાહુ – ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
- કરણ કૌશલ – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)
- ગીતા ગોરડિયા – ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર
- સ્વાતી ગોતી – GA હેડ, દીવ અને ગીર સોમનાથ
- માનસ ખૈરે – એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, CNG પ્રોજેક્ટ્સ અને ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટ
- શિખા જૈન – કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર
IRM એનર્જીની વેબસાઇટમાં બતાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બનાસકાંઠા, ગીર સોમનાથ અને દીવમાં CNG અને PNGનું ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે. ગુજરાત ઉપરાંત પંજાબમાં ફતેહગઢ સાહિબ અને તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં પણ પોતાનું નેટવર્ક ધરાવે છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે મહેશ્વર સાહુએ પુડુચેરીમાં એનર્જી પાર્ક અને સંભવિત એક્વિઝિશન સહિતના પ્રોજેક્ટ સૂચવ્યા હતા. પરંતુ પ્રમોટર્સ દ્વારા તે અંગેની અમલવારી સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ પ્રોજેક્ટ્સ આગળ વધી શક્યા ન હતા.
જે હેતુ માટે IPO લાવ્યા તે પ્રમાણે કામ થતું નથી
માત્ર એક મહિનાના ટૂંકા સમયમાં રાજીવ મોદીની કંપનીમાંથી મહત્વના અધિકારીઓએ રાજીનામાં આપી આપી દીધા છે. તેના કારણે કંપનીની અંદર અને બહાર એવી ચર્ચાઓ શરુ થઇ છે કે રાજીનામામાં ભલે ગમે તે કારણ લખ્યું હોય પણ કંપનીના વહીવટમાં બધું બરોબર ચાલતું ન હોવાથી ટોચના અધિકારીઓ કંપની છોડી રહ્યા છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે ગત વર્ષે ઓક્ટોબરમાં કંપની રૂ. ૫૪૫ કરોડનો પબ્લિક ઈશ્યુ લાવી હતી. જે હેતુ માટે IPO મારફત ફંડ ભેગું કરવામાં આવ્યું હતું તે પ્રમાણે કામ થઇ રહ્યું નથી.