October 16, 2024
માગના અભાવે ગુજરાતમાં કેમિકલ્સના મોટાભાગના એકમો 50% કેપેસિટી પર ચાલુ, નાના યુનિટ્સ બંધ થઇ જવાનો ભય

માગના અભાવે ગુજરાતમાં કેમિકલ્સના મોટાભાગના એકમો 50% કેપેસિટી પર ચાલુ, નાના યુનિટ્સ બંધ થઇ જવાનો ભય

બિઝનેસ ખબરી, અમદાવાદ:

બે વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ગુજરાતના કેમિકલ્સ ઉદ્યોગમાં નાના એકમો બંધ થવાનો ભય ઉભો થયો છે. વૈશ્વિક મંદીથી બેઝિક કેમિકલ્સ અને ઇન્ટરમિડિયેટ્સની માગમાં આશરે 40% જેવો ઘટાડો થયો છે. બીજી તરફ ઘરેલું માગ પણ ઘણી ઓછી રહે છે તેના કારણે હાલ મોટાભાગના કેમિકલ્સ ઉત્પાદકો પોતાની ફેક્ટરી અંદાજે 50% કેપેસિટી પર ચલાવી રહ્યા છે. રાજ્યના કેમિકલ ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે નજીકના ભવિષ્યમાં કોઈ સુધારો થવાની સંભાવના નથી.

કેમેક્સિલ ગુજરાત રિજનના ચેરમેન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિતેલા લગભગ ૨ વર્ષથી કેમિકલ્સની માગ સતત ઘટી રહી છે. વૈશ્વિક મંદીની અસરથી માગમાં અત્યારે 30-40% જેવો ઘટાડો છે. બાંગ્લાદેશ, તુર્કી, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને ઈજીપ્ત સહિતના દેશો આપણા મુખ્ય માર્કેટ છે. આર્થિક મંદી અને સાથે જ રશિયા-યુક્રેન તેમજ ઇઝરાયેલ-હમાસની લડાઈના કારણે નિકાસની માગ ઓછી રહે છે. આ ઉપરાંત સ્થાનિકમાં પણ મંદીનો માહોલ હોવાથી નાના એકમોની હાલત ખરાબ છે. જો આવનારા દિવસોમાં પરિસ્થિતિ સુધારશે નહિ તો નાના ઉત્પાદકોના એકમો બંધ થઇ જવાનો ભય છે.

બેઝિક કેમિકલ્સ, કોસ્મેટિક્સ એન્ડ ડાય્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (કેમેક્સિલ-CHEMEXCIL)ના આંકડા મુજબ એપ્રિલ-ડીસેમ્બર 2023ના સમયગાળામાં ભારતમાંથી અલગ અલગ કેમિકલ્સની 69 લાખ ટનની નિકાસ થઇ હતી જે 2022ના સમાનગાળામાં 73 લાખ ટન હતી. વેલ્યુ ટર્મ્સના નિકાસમાં 17% જેવો ઘટાડો થયો છે. સૌથી વધુ ઓર્ગેનિક કેમિકલ્સમાં નિકાસ 23% ઘટીને 27.45 લાખ ટન થઇ છે. ફાર્માસ્યુટિકલ, પીગમેન્ટ, ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગો તરફથી ડીમાંડ ઘણી ઓછી હોવાથી ઉત્પાદકોએ પ્રોડક્શનમાં કાપ મુક્યો છે. ભારતના કેમિકલ્સ ઉદ્યોગમાં ગુજરાતનો શેર 65% છે જયારે ઇન્ટરમીડીયેટમાં 75% ગુજરાતની હિસ્સેદારી છે.

ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરર્સ એસોશિએશન (GDMA)ના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખે કહ્યું કે, પારંપરિક રીતે કેમિકલ્સ માટે બાંગ્લાદેશમાં ભારતનું મોટું માર્કેટ હતું. જોકે, પાછલા અમુક વર્ષોમાં ચીનનું પ્રભુત્વ વધ્યું છે જેના કારણે લગભગ બંધ થઇ ગયો છે. ચીન-બાંગ્લાદેશ વચ્ચે ચાઈનીઝ કરન્સીમાં ટ્રેડ થાય છે, જયારે ભારત ડોલરમાં વેપાર કરે છે. આના કારણે આપણો ધંધો ચીન પાસે જતો રહ્યો છે. અન્ય દેશોમાં પણ આ વસ્તુ થઇ રહી છે. નિકાસ માગ ઘટવાથી હાલ નાના યુનિટ્સ નુકસાની કરીને પણ ધંધો ટકાવવા પ્રયત્નો કરી રહ્યા છે. પરિસ્થિતિ ક્યારે સુધારશે તે નિશ્ચિત નથી.

GDMA અને ગુજરાત ચેમ્બરની પર્યાવરણ કમિટીના ચેરમેન અંકિત પટેલે કહ્યું કે, ડાય્સ અને ઇન્ટરમીડીયેટમાં સૌથી વધુ અસર થઇ છે. ગુજરાતમાં લગભગ 5,000 જેટલા કેમિકલ્સ એન્ડ ડાયસ્ટફના યુનિટ્સ છે જેમાંથી 90% એકમો MSME કેટેગરીમાં આવે છે. વિતેલા અમુક વર્ષોથી જે સ્થિતિ છે તેના કારણે અમુક એકમો બંધ પણ થયા છે. આ ઉપરાંત કામ ઓછા હોવાથી ઇન્ડસ્ટ્રીમાં 20-25% જેવી છટણી પણ થઇ છે.