-
-
વૈશ્વિક 850 કિલો પ્રતિ હેક્ટર સામે ભારતમાં કોટનની ઉત્પાદકતા માત્ર 461 કિલો
-
GCCI ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ઉત્પાદકતા વધારવા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે
-
બિઝનેસ ખબરી, અમદાવાદ:
કપાસના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને દેશમાં કોટન અને ટેક્સટાઇલની મજબૂત ઇકોસિસ્ટમ પણ છે. આમછતાં ઉત્પાદકતાના મામલે ભારત ઘણું જ પાછળ છે. કોટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક 850 કિલો પ્રતિ હેક્ટર સામે ભારતમાં કોટનની ઉત્પાદકતા માત્ર 461 કિલો છે. દેશમાં કપાસની ઉપજ વધારવા માટે વિવિધ તબક્કે કામ થઈ રહ્યું છે અને સૌથી મોટા ઉત્પાદક રાજ્ય તરીકે ગુજરાતના ટેક્સટાઇલની સંપૂર્ણ વેલ્યૂ ચેન સાથે સંકળાયેલા વિવિધ સ્ટેકહોલ્ડર્સ પણ હવે વધારે ઉપજ આપે તેવા બિયારણ વિકસિત કરવા ઉપર ભાર મૂકી રહ્યા છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) દ્વારા છેલ્લા ચાર વર્ષથી ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવે છે. “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″ની 4થી આવૃત્તિમાં ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ઉત્પાદકતા વધારવા મુદ્દે ચર્ચા થશે અને સાથે જ ટેક્સટાઇલના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે. આ કોન્ક્લેવ 8 માર્ચે યોજાશે.
GCCIની ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સના ચેરમેન સૌરિન પરીખે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે ભારત કપાસનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક હોવા છતાં ભારત ઉત્પાદકતાના મામલે પાકિસ્તાન કરતાં પણ પાછળ છીએ. ભારતમાં વાર્ષિક 325 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, જેમાંથી આશરે 90-95 લાખ ગાંસડીનું ઉત્પાદન ગુજરાત કરે છે. કોટનની ઉત્પાદકતા વધારવા માટે વધારે ઉપજ આપતા બિયારણ વિકસાવવા અને તેને ખેડૂતો સુધી પહોંચાડવા એક મહત્વનો મુદ્દો છે. આ કોન્ક્લેવમાં તેના ઉપર વિગતવાર ચર્ચા થશે.
ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ ટેક્સટાઇલની સંપૂર્ણ વેલ્યૂ ચેન સાથે સંકળાયેલા ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, જીનીંગ, સ્પિનિંગ, વિવિંગ, ગારમેન્ટિંગ, તેમજ ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરીંગ સહિતના વિવિધ સ્ટેકહોલ્ડર્સને એક મંચ પર લાવે છે. આ વર્ષનું કોન્ક્લેવ ટેક્નિકલ ટેક્સટાઇલ્સ ક્ષેત્ર અંગે અર્થપૂર્ણ વિચારવિમર્શ, ઉદ્યોગના ભવિષ્ય અંગે વિવિધ આંતરદ્રષ્ટિ, ટેક્સટાઇલ ઉદ્યોગના મોવડીઓ તેમજ સ્ટાર્ટઅપ્સ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા માટેનું એક અગત્યનું પ્લેટફોર્મ સાબિત થશે.
ગુજરાત ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, કોન્ક્લેવે તેની વિવિધ આવૃતિઓ થકી વર્ષોવર્ષ ટેક્સટાઇલ ક્ષેત્ર બાબતે ભવિષ્યલક્ષી સંવાદ તેમજ ઉદ્યોગ માટે ઉપયોગમાં લઇ શકાય તેવી વ્યૂહરચના પ્રસ્થાપિત કરવા મહત્વની ભૂમિકા ભજવી છે. ટેક્સટાઇલ કોન્ક્લેવ 2025ની તૈયારીના ભાગ રૂપે આ વર્ષે પણ ઇનોવેશન, સસ્ટેનેબિલિટી, તેમજ ગુજરાત અને ભારતને ટેક્નિકલ ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ તરીકે પ્રસ્થાપિત કરવાનું ધ્યેય કેન્દ્ર સ્થાને છે.
ટેક્સટાઇલ કોન્ક્લેવ 2025 ત્રણ મુખ્ય થીમ પર આધારિત રહેશે.
-
- ટેક્નિકલ ટેક્સટાઇલ્સ: ખુબ જ ઝડપથી વિકસિત થઇ રહેલ ટેક્નિકલ ટેક્સટાઇલ્સ ફિલ્ડ અંગે વિસ્તૃત ચર્ચા તેમજ ઇનોવેશન, નવીન વ્યૂહરચના તેમજ ઉભરતી માર્કેટ ટ્રેન્ડ્સ પર ખાસ ફોકસ છે.
- કોટન ક્રોપ ઉત્પાદન મિશન: કપાસના ઉત્પાદનની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓને સંબોધિત કરવી, જેમાં ટકાઉ પદ્ધતિઓ અને ઉપજ વધારવા માટેની ખેતી તકનીકો પર ભાર મૂકવામાં આવશે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલ ‘કપાસ ઉત્પાદકતા માટેનું મિશન’ સાથે સુસંગત છે. પાંચ વર્ષના મિશનનો હેતુ કપાસની ખેતીની ઉત્પાદકતા અને ટકાઉપણું નોંધપાત્ર રીતે સુધારવાનો, વધારાના લાંબા સ્ટેપલ કપાસની જાતોની ખેતીને પ્રોત્સાહન આપવાનો અને પ્રતિ હેક્ટર 461 કિલોગ્રામના આપણા વર્તમાન ઉપજને વધારીને પ્રતિ હેક્ટર 850 કિલોગ્રામના વૈશ્વિક સરેરાશ સાથે મેળવવાનો છે.
- સ્ટાર્ટઅપ્સ: ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિવિધ સ્ટાર્ટઅપ્સને તેઓના અનેકવિધ ઇનોવેશન પ્રસ્તુત કરવાની તક પુરી પાડવી તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગના અનુભવી ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરવાની તક પુરી પાડવી.
ગુજરાત ચેમ્બરના સેક્રેટરી અને મસ્કતી મહાજન કાપડ બજારના પ્રમુખ ગૌરાંગ ભગતે કહ્યું કે, GCCI ટેક્સટાઇલ કોન્ક્લેવમાં સમગ્ર ગુજરાતમાંથી 1000 જેટલા સહભાગીઓ ભાગ લેશે કે જેઓ સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેનનું પ્રતિનિધિત્વ કરશે. ટેક્નિકલ ટેક્સટાઇલ, ગારમેન્ટિંગ, ટેક્સટાઇલ મશીનરી, પ્રોસેસ હાઉસીસ સાથે જોડાયેલા લોકો કોન્ક્લેવમાં આવશે. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય આશય વિવિધ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે ઇનોવેશન, સસ્ટેનેબિલિટી તેમજ ગુજરાત અને સમગ્ર દેશ/વિશ્વમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ભવિષ્ય વિશે વિચાર વિમર્શ માટે તક પુરી પાડવાનો છે.
