-
- દક્ષિણના રાજયોમાંથી પશ્ચિમી દેશોમાં શિપમેન્ટ 40 દિવસે પહોંચે, ગુજરાતથી માત્ર 17 દિવસો લાગે
બિઝનેસ ખબરી, અમદાવાદ:
ઓલ-ઇન્ડિયા સ્પાઇસિસ એક્સપોર્ટર્સ ફોરમ (AISEF)ના નોન-પ્રોફિટ ટેક્નિકલ પાર્ટનર વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશને (WSO) અમદાવાદમાં ‘સસ્ટેનેબલ સ્પાઇસિસ સપ્લાય ચેઇન-વે ફોરવર્ડ’ વિષય ઉપર નેશનલ સ્પાઇસિસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત દક્ષિણ ભારતના મસાલા પ્રોસેસર્સ અને નિકાસકારોએ ગુજરાતમાં પોતાની કામગીરી વધારવા માટે રસ બતાવ્યો હતો.
દક્ષિણના રાજયોમાંથી અમેરિકા કે યુરોપના દેશોમાં મરી-મસાલાની નિકાસ કરવી હોય તો આશરે 37 દિવસો લાગે છે. તેની સામે ગુજરાતમાંથી નિકાસના માત્ર 17 દિવસો જ લગતા હોવાથી દક્ષિણના નિકાસકારો અને પ્રોસેસિંગ એકમો હવે ગુજરાત તરફ આવી રહ્યા છે.
કૂચીના પ્લાન્ટ લિપિડ્સ કંપનીના COO ચેરિયન ઝેવિયરે કહ્યું કે, સ્ટ્રેટેજિક લોકેશન એડવાન્ટેજ અને પોર્ટ પર સારી સગવડતા હોવાથી ગુજરાતથી અમેરિકા સહિતના પશ્ચિમી રાષ્ટ્રોમાં નિકાસ કરવી સરળ બને છે. તેના કારણે કેરળ અને દક્ષિણ ભારતના મસાલાનાં ઘણા પ્રોસેસિંગ એકમો તેમજ નિકાસકારો ગુજરાત આવવા રસ દાખવી રહ્યા છે. અમે પણ સિદ્ધપુરમાં એક પ્રોસેસિંગ યુનિટ બનાવી રહ્યા છીએ.
દેશમાં કુલ 1.24 કરોડ ટન મસાલાનું ઉત્પાદન છે જેમાંથી અત્યારે 15% નિકાસ થઇ રહી છે. ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 4.5 અબજ ડોલરની નિકાસ કરી હતી અને 2030 સુધીમાં નિકાસને 10 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક છે. આ માટે ઉત્પાદન વધારીને 1.60 કરોડ ટન જેટલું કરવું જરૂરી છે. દેશમાંથી આ વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ. 17,488 કરોડની નિકાસ થઇ હતી જે ગત વર્ષે સમાનગાળામાં રૂ. 16,065 કરોડની નિકાસ નોંધાઇ હતી.
WSOના ચેરમેન રામકુમાર મેનને જણાવ્યું કે, મસાલાની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો ૫૦% જેવો છે તેને ધ્યાનમાં રાખીને છેલ્લા 2 વર્ષથી અમે ગુણવત્તા સુધારા અને વેલ્યૂ એડિશન ઉપર ભાર મૂકી રહ્યા છીએ. આ માટે દેશભરની 48 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO)ને સાથે રાખીને મસાલાની ખેતી કરતાં ખેડૂતોને નવી ટેકનોલોજીના માધ્યમથી ગુણવત્તાને સુધારવા અંગે સમાજ આપી રહ્યા છીએ. ગુજરાતમાં 12 જેટલા FPO આ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. ક્વોલિટી સુધરશે તો દેશની નિકાસને પણ ફાયદો થશે.
કોન્ફરન્સના બિઝનેસ કમીટી હેડ પ્રકાશ નમ્બુદિરીએ કહ્યું કે, ભારતમાંથી મોટાભાગે કાચા મરી-મસાલાની નિકાસ થાય છે. વૈશ્વિક સ્તરે માંગ પણ વધી રહી છે ત્યારે ખેડૂતો અને નિકાસકારોએ ઉત્પાદક વસ્તુઓના પ્રિમિયમ ભાવ મેળવવા માટે ગુણવત્તા પર વધુ ધ્યાન આપવું પડશે. આ સાથે જ વેલ્યૂ એડિશન કરવાથી ખેડૂતોને પણ સારા ભાવ મળશે. દેશના લોકો પણ હવે જાગરૂક બન્યા હોઇ ખુલ્લા મસાલા ખરીદવાના બદલે પેક્ડ મસાલા વધુ ખરીદી રહ્યા છે.