નોકરિયાતોએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે 50-30-20નો નિયમ અનુસરવો જોઈએ

Others
    • ચિરિપાલ ગ્રૂપે તેના કર્મચારીઓની નાણાકીય જાગૃતિ માટે સીએ રચના રાનાડેનું સેશન યોજ્યું

 

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ચિરિપાલ ગ્રૂપે તેના કર્મચારીઓમાં નાણાકીય જાગૃતિ પેદા કરવા માટે ખ્યાતનામ ફાઇનાન્શિયલ એજ્યુકેટર અને એક્સપર્ટ સીએ રચના રાનાડેનું એક સેશન યોજ્યું હતું, જેમાં નાણાકીય બાબતો અંગે ઊંડાણપૂર્વકની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. રચના રાનાડેએ કર્મચારીઓને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે 50-30-20ના નિયમને અનુસરવાની સલાહ સલાહ આપી હતી. મૂળભૂત જરૂરિયાતો માટે 50%, ઇચ્છાઓ માટે 30% અને બચત માટે 20%ની ફાળવણી કરવી જોઇએ.

રચના રાનાડેએ જણાવ્યું હતું કે, ‘સાચી નાણાકીય સ્વતંત્રતા તમારી પાસે કેટલા નાણાં છે તેનાથી નક્કી નથી થતી પરંતુ તે કોઈ પણ પ્રકારના અવરોધો વગર નાણાકીય પસંદગીઓ કરવાની વ્યક્તિની ક્ષમતાથી નક્કી થાય છે.’ તેમણે સલામત બચત, સંસુપત્તિની સુરક્ષા અને ઇમર્જન્સી ફન્ડ અને રોકાણના મહત્ત્વ પર ભાર મૂકીને નાણાકીય સ્વતંત્રતાના ચાર સ્તંભો સમજાવ્યાં હતાં.

તેમણે જીવનવીમા અને આરોગ્ય વીમાના મહત્ત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને સમજાવ્યું હતું કે ફિક્સ્ડ ડીપોઝિટ્સ ટૂંકાગાળાની જરૂરિયાતો માટે ઉપયોગી છે, જ્યારે સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ્સ લાંબાગાળાના લક્ષ્યોને હાંસલ કરવા માટે ઉપયોગી નીવડે છે. વાસ્તવિક જીવનના કેસ સ્ટડીઝ અને સરળતાથી સમજી શકાય તેવા ઉદાહરણોની મદદથી સીએ રચના રાનડેએ વહેલી તકે રોકાણ શરૂ કરવાનું, જોખમને નિયંત્રિત કરવાનું અને ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોનું વૈવિધ્યીકરણ કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે નાણાકીય બાબતો અંગેની ગેરમાન્યતાઓનો ખુલાસો કરી કર્મચારીઓને બચત, સ્ટોક માર્કેટ અને નિવૃત્તિના આયોજનના સંબંધમાં આત્મવિશ્વાસપૂર્વક અને પૂરતા માહિતગાર થઇને વિકલ્પો પસંદ કરવાની સલાહ આપી હતી.

પ્રોગ્રામમાં કર્મચારીઓને સંબોધતા ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલ.

ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે જણાવ્યું હતું કે, ‘અમારું માનવું છે કે નાણાકીય સાક્ષરતા એ વ્યક્તિના સશક્તિકરણનો પાયો છે. આ સેશન અમારા કર્મચારીઓને રોકાણ, નિવૃત્તિનાં આયોજન અને સંપત્તિના સર્જન જેવા જીવનના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં મદદરૂપ થવા માટે ચિરિપાલ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોનો એક હિસ્સો હતું. આશા છે કે આ જાણકારીની મદદથી તેઓ તેમના ભવિષ્યને આર્થિક રીતે સ્થિર બનાવી શકશે.

નાણાકીય બાબતો પર જાગૃતિ કેળવવાના દ્રઢ નિર્ધારની સાથે ચિરિપાલ ગ્રૂપ તેના કર્મચારીઓને લાંબાગાળા સુધી સફળતા અપાવે તેવા વ્યવહારુ કૌશલ્યો પૂરાં પાડવા માટે સતત આ પ્રકારની પહેલ કરતું રહે છે. આ સેશન પોતાની વર્કફોર્સની નાણાકીય સુખાકારીને સમર્થન પૂરું પાડવાના કંપનીના મિશનને આગળ વધારવા માટે લેવામાં આવેલું વધું એક પગલું છે.