October 16, 2024
ખરાબ વૈશ્વિક અર્થતંત્ર અને જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે બ્રાસ પાર્ટ્સની નિકાસમાં 70% જેટલો ઘટાડો

ખરાબ વૈશ્વિક અર્થતંત્ર અને જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે બ્રાસ પાર્ટ્સની નિકાસમાં 70% જેટલો ઘટાડો

સ્ક્રેપના ઉંચા ભાવના કારણે ડોમેસ્ટિક ડિમાન્ડ પણ 20% નીચી આવી ગઈ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

વૈશ્વિક સ્તરે ચાલતા બે મોટા યુદ્ધ અને તેના કારણે ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ઉભી થયેલી આર્થિક મુશ્કેલીની વિપરીત અસર ગુજરાતના જામનગરમાં આવેલા ભારતના સૌથીમોટા બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગને થઈ છે. બ્રાસ પાર્ટ્સ ઉત્પાદનના હબ જામનગરમાંથી ઓવરઓલ માગમાં 20% જેવો ઘટાડો થયો છે. વર્તમાન પરિસ્થિતિના કારણે છેલ્લા એક વર્ષ દરમિયાન જામનગરમાંથી બ્રાસ પાર્ટ્સની નિકાસ 70% જેવી ઘટી ગઈ છે.

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોશિએશન (JFOA)ના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું કે, યુદ્ધ શરૂ થયા બાદ બ્રાસ સ્ક્રેપના ભાવમાં સતત વધારો થયો છે. બ્રાસ સ્ક્રેપનો ભાવ અત્યારે રૂ. 500-525 પ્રતિ કિલો ચાલે છે અને તેની ફિનિશ્ડ પ્રોડક્ટ ગ્રાહકોને રૂ. 700-750માં પડે છે. તેની સામે સ્ટીલ, એલ્યુમિનીયમ કે લોખંડના પાર્ટ્સ રૂ. 200-300ની રેન્જમાં તૈયાર થાય છે. આના કારણે ખાસ કરીને હાર્ડવેર આઈટમ્સના ખરીદદારો અન્ય મેટલ તરફ વળ્યા છે. યુરોપના માર્કેટમાં આવેલી મંદીના પગલે બ્રાસ પાર્ટ્સની માગ ઓછી થઇ છે. અન્ય ધાતુઓના ભાવ સસ્તા છે હાર્ડવેર અને સેનેટરી વેરના ગ્રાહકો અન્ય મેટલ તરફ વળ્યા છે. બ્રાસ પાર્ટ્સ મોંઘા થવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પ્લાસ્ટિક તરફ વળ્યા છે. નિકાસ અને સ્થાનિક બજારમાં આવેલી મંદીના કારણે બ્રાસ પાર્ટ્સની ઓવરઓલ માગ 20% જેવી ઘટી ગઈ છે.

જીઓ-પોલિટીકલ ટેન્શન અને અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં આવેલી મંદીથી એશિયાના સૌથી મોટા બ્રાસ ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે, બ્રાસ સ્ક્રેપના ભાવ વધી જવાથી ગ્રાહકો સ્ટીલ, લોખંડ, એલ્યુમિનીયમ અને પ્લાસ્ટિક તરફ વળ્યા છે. આનાથી સ્થાનિક માગ ધીમી પડી છે. જામનગરમાં 10,000થી વધુ બ્રાસ પાર્ટ્સ અને તેને સંલગ્ન ઉદ્યોગો આવેલા છે. દેશમાં બ્રાસ પાર્ટ્સનું 90% ઉત્પાદન જામનગરમાં થાય છે અને ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. 2,500 કરોડનું છે. આ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડ છે.

JFOAના એક્સપોર્ટ ઈમ્પોર્ટ કમિટીના ચેરમેન સંજય ડોબરિયાએ જણાવ્યું કે, લેબર સસ્તું હોવાથી આપણા બ્રાસ પાર્ટ્સની યુરોપ, અમેરિકા, લેટીન અમેરિકા, એશિયન દેશો સહિત દુનિયાભરમાં ઘણી માગ રહેતી હતી. એક દાયકામાં જામનગરમાંથી બ્રાસ પાર્ટ્સની નિકાસ ઘણી વધી હતી. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસના યુદ્ધના કારણે અત્યારે નિકાસમાં 70% જેવો ઘટાડો થયો છે. આ સાથે જ રેડી-સીમાં ઉભા થયેલા ઈશ્યુના કારણે અન્ય રસ્તેથી શિપમેન્ટ મંગાવવા પડતા હોવાથી આયાત મોંઘી થઇ છે અને તેની ભાવ પર અસર આવી છે. વિતેલા બે વર્ષમાં માગ ઓછી થવાથી આયાત જે પહેલા મહીને અંદાજે 700-1000 કન્ટેનરની રહેતી હતી તે અત્યારે ઘટીને 200-225 કન્ટેનર રહે છે.