January 30, 2025
નવેમ્બર-ફેબ્રુઆરી વચ્ચે NRIના ભારત પ્રવાસના કારણે ગુજરાતમાં જેનેરીક દવાનું વેચાણ 15% વધશે

નવેમ્બર-ફેબ્રુઆરી વચ્ચે NRIના ભારત પ્રવાસના કારણે ગુજરાતમાં જેનેરીક દવાનું વેચાણ 15% વધશે

બિઝનેસ ખબરી, અમદાવાદ:

દિવાળી બાદ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે બિન નિવાસી ભારતીયો (NRI) સૌથી વધુ ભારત આવતા હોય છે. આ મહિનાઓમાં વિદેશમાં વસતા લોકો લગ્નપ્રસંગ, ફરવા તેમજ અન્ય સામાજિક કામો માટે વતનમાં આવે છે. ફાર્મસિસ્ટ અને દવાના વિક્રેતાઓના જણાવ્યા મુજબ વિદેશથી આવતા ગુજરાતીઓ આ ગાળામાં ક્રિટીકલ કેર અને લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારીઓની દવાની ખરીદી કરે છે જેના કારણે દવાઓનું વેચાણ ૧૫% જેટલું વધી જાય છે.

જેનરિક મેડિસિન સ્ટોર ચેઈન મેડકાર્ટ ફાર્મસીના કો-ફાઉન્ડર અંકુર અગ્રવાલે જણાવ્યું કે, ભારતની તુલનાએ અમેરિકા,યુરોપ, કેનેડામાં દવાઓ ઘણી મોંઘી છે. વેસ્ટર્ન દેશોમાં કોઈ દવાનો માસિક ખર્ચ અંદાજે રૂ. 15,000-20,000 થતો હોય તો તેની સામે ભારતમાં રૂ. 30,000 ના ખર્ચે એક વર્ષની દવા આવી જાય છે. જે લોકોને બીમારીઓમાં કાયમી દવાઓ લેવાની થતી હોય છે તેવા લોકો ભારતમાંથી દવાઓ ખરીદે છે. આ પ્રકારે NRIના વેચાણમાં દરવર્ષે વધારો થઇ રહ્યો છે. એક અંદાજ મુજબ આ ગાળામાં NRIs ગુજરાતમાંથી આશરે રૂ. 300-350 કરોડની દવાની ખરીદી કરે છે.

ફાર્મસિસ્ટ્સના જણાવ્યા પ્રમાણે વિશ્વના અન્ય દેશોની તુલનામાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં દવાઓ ઘણી સસ્તી છે. આ જ કારણે દર વર્ષે વિદેશમાં રહેતા ગુજરાતીઓ જ્યારે ભારત આવે છે ત્યારે અહીથી આખા વર્ષની દવાની ખરીદી કરે છે. તેમાં પણ જેનરિક દવાઓ વધુ લઈ જતાં હોય છે. જોકે, અહીથી દવા વિદેશ લઈ જવા માટે સ્થાનિક ડોક્ટર્સનું પ્રિસ્ક્રિપ્શન અને પાક્કું બીલ હોવું જરૂરી છે. ફાર્માસિસ્ટના એસોસિએશને પણ આ માટેના નિયમો બનાવેલા છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં જેનરિક દવાઓનું રૂ. 2,000 કરોડનું માર્કેટ છે.