December 4, 2024
પીક સિઝન છતાં ગુજરાતની જીનિંગ મિલોમાં 40% ઓછી કેપેસિટીમાં ચાલતું કામ

પીક સિઝન છતાં ગુજરાતની જીનિંગ મિલોમાં 40% ઓછી કેપેસિટીમાં ચાલતું કામ

    • ડિમાન્ડ ન હોવાને કારણે રાજ્યમાં હજુ પણ 25% જેટલી મિલોમાં કામ પણ શરૂ નથી થયા

 

બિઝનેસ ખબરી, અમદાવાદ:

કપાસની નવી સિઝન શરૂ થયાને બે મહિના જેટલો સમય થયો છે અને સિઝન હવે પિક ઉપર છે, આમ છતાં ગુજરાતની કોટન જિનિંગની આશરે 25% જેટલી મિલો હજુ પણ બંધ છે. આ ઉપરાંત જે મિલો ચાલુ છે તે પણ 60%% કેપેસિટીમાં જ કામ થઈ રહ્યું છે. કોટન જિનર્સના જણાવ્યા પ્રમાણે હાલ ભારતીય કોટનના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ઊંચા હોવાથી નિકાસ ઘણી ઓછી છે. બીજી તરફ યાર્નની માંગ પણ ધીમી હોવાથી યાર્ન ઇન્ડસ્ટ્રી તરફથી પણ અત્યારે ઘણા ઓછા ઓર્ડર છે.

કોટન જીનર્સ અરવિંદ રાયચુરાએ કહ્યું કે, ઊંચા ભાવના કારણે જીનર્સ ખાલી મજુરી નીકળે તે ભાવે વેપાર કરે છે. યાર્ન મિલોની કોઈ ડીમાંડ નથી અને સાથે એક્સપોર્ટ પણ ધીમું છે. આ સ્થિતિમાં પીક સિઝન હોવા છતાં પણ ૪૦% ઓછી પ્રોસેસિંગ કેપેસિટી સાથે કામ કરવું પડે છે. કપાસની આવકો વધશે તો ભાવ થોડા દબાશે ત્યારે મિલોમાં પ્રોસેસિંગ વધવાની સંભાવના છે.

જીનિંગ મિલોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ તરફથી અત્યારે મોટા એક્સપોર્ટ ઓર્ડર મળતા હોય છે. પરંતુ આ વર્ષે વૈશ્વિક બજારોમાંથી મર્યાદિત માગ છે. બાંગ્લાદેશ સિવાય બીજા કોઈ દેશના ઓર્ડર નહિવત છે. સ્થાનિક બજારમાં કોટનના ભાવ રૂ. 53,000-54,000 પ્રતિ ખાંડી (350 કિલોની એક ખાંડી)ની રેન્જમાં ચાલે છે અને તેની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂ. 52,000-52,500 આસપાસ ભાવ છે.

ગુજરાતમાં કપાસનું વાવેતર ઓછું થયું છે અને સરકારે આ વર્ષે 88 લાખ ગાંસડી ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે જે ગત વર્ષ કરતાં 4 લાખ ગાંસડી ઓછો છે. બીજી તરફ અત્યારે જે કપાસ વેચવા આવે છે તેમાં નબળી અને મધ્યમ ગુણવત્તા વધુ રહે છે. સારી ક્વોલિટીનો માલ ઓછો હોઈ તેના ભાવ ઊંચા છે. ગુજરાતમાં કપાસની અંદાજે 35,000 ગાંસડીની આવકો રહે છે. બેસ્ટ ક્વોલિટીના રૂ. 1,450-1,500 પ્રતિ મણ ભાવ છે. મીડિયમ ગ્રેડના રૂ. 1,400-1,450 પ્રતિ મણ અને હલકા કપાસના રૂ. 1,250-1,350 પ્રતિ મણ ચાલી રહ્યા છે.