બિઝનેસ ખબરી, અમદાવાદ:
અમેરિકામાં ફુગાવાના ડેટા જાહેર થાય તે પહેલા જ સોનામાં ફરી તેજી શરૂ થઈ છે. ગુરુવારે ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે વૈશ્વિક સોનાનો ભાવ 2227 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયો હતો. જેના પગલે સ્થાનિક બજારમાં પણ સોનામાં 10 ગ્રામ દીઠ રૂ. 700 વધીને 24 કેરેટનો ભાવ રૂ. 69,500ના નવા ઊંચા સ્તરે પહોંચ્યો હતો. જ્વેલરી માર્કેટના જણાવ્યા મુજબ, વર્તમાન સંજોગો જોતાં આવતા દિવસોમાં સોનું રૂ. 72,000 થઈ શકે છે. જોકે, સોનથી વિપરીત ચાંદીમાં વેચવાલીનું દબાણ રહેતા ભાવ રૂ. 1,000 ઘટીને રૂ. 74,000 પ્રતિ કિલો થયું હતું.
અમદાવાદ જ્વેલરી એસોસિએશનના જીગર સોનીએ જણાવ્યું કે, વૈશ્વિક અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ તેમજ અમેરિકામાં વ્યાજદર ઘટાડાની સંભાવના વચ્ચે સોનામાં રોકાણ વધી રહ્યું છે. આ સાથે જ જ્યારે પણ અમેરિકામાં ચૂંટણી આવે છે ત્યારે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ વધે છે. ભારતમાં પણ સોનાના ભાવ વધીને રૂ. 72,000 થવાની અપેક્ષાએ રોકાણકારો આ લેવલે પણ સોનું ખરીદી રહ્યા છે. જોકે, ભાવ વધારા અને ટેક્સેશન ઈશ્યુના કારણે રિટેલમાં ઘરાકી નહિવત છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પૂર્વ ચેરમેન કોલીન શાહે જણાવ્યું કે, અમેરિકામાં અગાઉ ફુગાવાના આંકડા ખરાબ આવ્યા હતા અને સપ્તાહના અંતે જાહેર થનારા આંકડા પણ પોઝિટીવ ન હોવાની ધારણા વચ્ચે ફેડરલ રીઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી સંભાવના પાછળ સોનાના ભાવમાં વધારો થયો છે. આજનો વધારો સામાન્ય હતો પણ ફુગાવાના આકડા જાહેર થયા બાદ સોનામાં મોટી મુવમેન્ટ થવાની સંભાવના છે. ફુગાવા સામે સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે તે જોતા આવતા દિવસોમાં સોનામાં રોકાણ વધશે.