ગોદરેજ ગુજરાતમાં રૂ. 500 કરોડ રોકશે, આવતા ત્રણ વર્ષમાં કેમિકલ બિઝનેસમાં રૂ. 5000 કરોડ રેવન્યુનો ટાર્ગેટ

Special

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ‘સમાગમ’ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ઉદ્યોગના અગ્રણીઓ, ઉત્પાદકો, ફોર્મ્યુલેટર્સ, ચેનલ પાર્ટનર્સ અને ક્ષેત્રના નિષ્ણાંતોને એક કરવા માટે સૌપ્રથમ પ્રકારનું એક પ્લેટફોર્મ ‘સમાગમ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ટેક ઉપસ્થિત કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશાલ શર્માએ ગોદરેજના કેમિકલ બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં બમણું ટર્નઓવર કરવાનું લક્ષ્ય હોવાની વાત કહી હતી.

વિશાલ શર્માએ જણાવ્યું કે, ગયા વર્ષે કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 2,500 કરોડ હતું, અને અમારું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં તેને વધારીને રૂ. 5,000 કરોડ કરવાનું છે. આ માટે અમે તબક્કાવાર રૂ. 600 કરોડના રોકાણ કરવાની યોજના બનાવી છે. આ રોકાણમાંથી લગભગ રૂ. 500 કરોડનું રોકાણ ગુજરાતમાં થવાની સંભાવના છે. અમે કેટલાક પ્લાન્ટ હસ્તગત કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ જે અમારી વ્યવસાયિક વ્યૂહરચના સાથે સુસંગત હોય.

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ (કેમિકલ્સ) ગુજરાતમાં મજબૂત અને કાયમી હાજરી ધરાવે છે. 1996થી તેની વાલિયા ફેસિલિટી રાજ્યની ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો પાયાનો પથ્થર છે. 2024માં કંપનીએ ખેડામાં શ્રી વલ્લભ કેમિકલ્સના ઇથોક્સિલેશન યુનિટ 2ના સંપાદન સાથે તેની હાજરીને વધુ મજબૂત બનાવી હતી અને તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો હતો.

સમાગમ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ઉભરતા બજારના ટ્રેન્ડ્સ, નવીનતાઓ અને હોમ કેર, બ્યૂટી અને પર્સનલ કેર, લ્યુબ્રિકન્ટ્સ અને મેટલ વર્કિંગ ફ્લુઇડ્સ, ફૂડ એન્ડ બેવરેજીસ, એગ્રોકેમિકલ્સ, પેઇન્ટ્સ અને કોટિંગ્સ અને અન્ય જેવા સેક્ટર્સના પડકારો પર કેન્દ્રિત સમાગમનો ઉદ્દેશ સતત બદલાતા ઉદ્યોગ ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપવા અને વ્યાપારમાં વૃદ્ધિ કરવાનો છે.

વિશાળ શર્માએ કહ્યું કે, અમદાવાદની ઈવેન્ટ બાદ, સમાગમ મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતા સહિત અન્ય મુખ્ય ઔદ્યોગિક હબમાં વિસ્તરણ કરવા માટે તૈયાર છે. આ વ્યૂહાત્મક વિસ્તરણનો હેતુ વ્યાપક સહભાગિતાને સુનિશ્ચિત કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં ગહન જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.

વધતી માંગ, ટેક્નોલોજીકલ પ્રગતિ, ટકાઉ પરિપ્રેક્ષ્યો અને નિયમનકારી બદલાવના પગલે ભારતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે ત્યારે સમાગમ આ ગતિશીલ માહોલમાં આગળ વધવા માટે સોલ્યુશન્સ શોધવા અને આંતરદ્રષ્ટિ પૂરી પાડવા માટે હિતધારકોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.