October 16, 2024
દેશને વર્ષે રૂ. 7,700 કરોડનો આઇસક્રીમ ખવરાવે છે ગુજરાત, ભારતનું અંદાજે 35% ઉત્પાદન અહી થાય છે Katie Lee Biegel shares an Edible Cereal Treat Bowls for Ice Cream Sundaes, as seen on The Kitchen, season 30.

દેશને વર્ષે રૂ. 7,700 કરોડનો આઇસક્રીમ ખવરાવે છે ગુજરાત, ભારતનું અંદાજે 35% ઉત્પાદન અહી થાય છે

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગરમીનો પારો ચડયો એટલે લોકો રાત્રે આઇસક્રીમ ખાવા માટે નીકળી પડે છે. ગુજરાતની વાત કરી તો દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં આઇસક્રીમ ખાવાનું પ્રમાણ લગભગ બમણું છે અને એટલે જ આઇસ્ક્રીમના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં અવ્વલ છે. આઈસ્ક્રીમ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે દેશનો આશરે 30-35% આઈસ્ક્રીમ ગુજરાતમાં બને છે. ટોપ આઈસ્ક્રીમ બ્રાંડ અમુલ, વાડીલાલ, હેવમોરના સૌથી વધુ અને મોટા પ્લાન્ટ ગુજરાતમાં આવેલા છે. ભારતનું આઈસ્ક્રીમ માર્કેટ અંદાજે રૂ. 22,000 કરોડનું માનવામાં આવે છે જેમાંથી આશરે 35% એટલે કે આશરે રૂ. 7,700 કરોડનો આઇસક્રીમ ગુજરાતમાં બને છે.

શીતલ કૂલના મેનેજીંગ ડિરેક્ટર ભૂપત ભુવાએ કહ્યું કે, ગુજરાતમાં નાના-મોટા દરેક પ્રસંગોમાં આઈસ્ક્રીમ ખાવામાં આવે છે. આ ચલણ ગુજરાતીઓએ બહુ પહેલાથી જ સ્વીકારી લીધું છે. આ સિવાય ગુજરાતમાં ઈલેક્ટ્રીસિટીનો પ્રશ્ન અન્ય રાજ્ય કરતા વહેલો ઉકેલાઈ ગયો હતો એટલે આઈસ્ક્રીમનું ઉત્પાદન અને સ્ટોરેજમાં મુશ્કેલી આવતી નથી. આ ઉપરાંત દુધના ઉત્પાદનમાં રાજ્ય પહેલાથી જ અગ્રેસર છે. આ બધા કારણોસર ગુજરાતમાં આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય ઇકો-સિસ્ટમ ઉભી થઇ છે જેથી ગુજરાતમાં પ્રોડક્શન પણ વધારે થઇ રહ્યું છે. ગુજરાત દેશમાં આઈસ્ક્રીમ ઉત્પાદનનું હબ બની ગયું છે.

ગુજરાતની આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં 65% ઓર્ગેનાઇઝડ કંપનીઓ પાસે માર્કેટ છે જયારે 40% અન-ઓર્ગેનાઇઝડ છે. ગુજરાતમાં વધુ આઈસ્ક્રીમ ખવાય છે તેનું કારણ સમજાવતા આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરતિઓની આવક વધુ છે. રાજ્યના મેટ્રો સિટીઝ અને શહેરી વિસ્તારમાં કોઈ પણ સિઝનમાં જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવાનું ચલણ વધુ છે. આ ઉપરાંત દરેક સારા પ્રસંગે આઈસ્ક્રીમ આપવામાં આવે છે. આ બધાના કારણે ગુજરાત આઈસ્ક્રીમના કન્ઝમ્પશનમાં પણ દેશમાં સૌથી આગળ છે.

હોક્કો ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડિરેક્ટર અંકિત ચોનાએ જણાવ્યું કે, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં આઈસ્ક્રીમ વધુ ખવાય છે. ભારતનું પર કેપીટા આઈસ્ક્રીમ કન્ઝમ્પશન400 ગ્રામ જેટલું છે. તેની સામે ગુજરાતમાં આઈસ્ક્રીમની વાર્ષિક માથાદીઠ ખપત 800 ગ્રામથી 1 કિલો જેવી છે. આજ કારણે ગુજરાતમાં આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ અને વિસ્તાર વધુ છે. ગુજરાતમાં વાર્ષિક અંદાજે રૂ. 3,000 કરોડથી વધુનો આઈસ્ક્રીમ ખવાઈ જાય છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતથી ગરમી પડવાની શરુ થાય છે અને જુલાઈ સુધી ગરમી પડતી હોય છે. આ સમય દરમિયાન આઈસ્ક્રીમની સૌથી વધુ માગ રહે છે. ટોટલ બિઝનેસના આશરે 60% આઈસ્ક્રીમ ઉનાળાના 5 મહિનાઓમાં ખવાય છે. આ ઉપરાંત લગ્નની મોસમ હોય ત્યારે પણ આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે. કોરોનાના બે વર્ષ ખરાબ રહ્યા બાદ ગત વર્ષથી આઈસ્ક્રીમ ઉદ્યોગ ફરી સામાન્ય બન્યો હતો અને સમર સિઝનમાં વેચાણમાં વધારો થયો હતો.

વાડીલાલ આઈસ્ક્રીમના મેનેજીંગ ડિરેક્ટર રાજેશ ગાંધીએ જણાવ્યું કે, ગુજરાત આઈસ્ક્રીમના ઉત્પાદન અને વપરાશનું હબ બની ગયું છે. ભારતમાં આઈસ્ક્રીમનું અંદાજે રૂ. 22,000 કરોડનું માર્કેટ છે અને તેમાંથી 35% શેર ગુજરાતનો છે. હવે આઈસ્ક્રીમને સીઝનલ પ્રોડક્ટ ગણવામાં આવતો નથી. આખું વર્ષ તેનો વપરાશ થાય છે અને તેથી પાર્લર સેગમેન્ટમાં વધારો થયો છે. રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વીજળીની સતત ઉપલબ્ધતા અને ડબલ ડોર ફ્રિજના વેચાણમાં વધારો એ પણ ગુજરાતમાં આઇસક્રીમના વધુ વપરાશનું એક કારણ છે.

ગુજરાત એ દુધના ઉત્પાદનમાં ટોચના પાંચ રાજ્યોમાનું એક છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના આંકડા પ્રમાણે ગુજરાતમાં વાર્ષિક અંદાજે 1.70 કરોડ ટન દૂધનું ઉત્પાદન થાય છે. દુધના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય હોવાના કારણે મજબુત કો-ઓપરેટિવ સ્ટ્રક્ચર હોવાથી રાજ્યમાં ડેરી સેગ્મેન્ટનો સારો વિકાસ થયો છે. આ બધાના કારણે ગુજરાતમાં આઈસ્ક્રીમ ઉદ્યોગને વિકસવામાં ટેકો મળ્યો છે.

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર જયેન મહેતાએ કહ્યું કે, આઈસ્ક્રીમનું ઉત્પાદનમાં અન્યની સરખામણીએ સૌથી વધુ પ્લાન્ટ ગુજરાતમાં છે. આ રીતે પ્રોડક્શનની દ્રષ્ટીએ પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ આગળ છે. આ ઉપરાંત ગુજરાતનું પોતાનું કન્ઝમ્પશન પણ મોટું છે એટલે આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ સારો છે. અમૂલની વાત કરીએ તો ગાંધીનગર, પાલનપુર, સુરત, આણંદ, વડોદરા સહીત 6-7 પ્લાન્ટમાં આઈસ્ક્રીમનું ઉત્પાદન કરવામાં આવે છે.