October 16, 2024
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઉપર યુનિક ઇન્વેસ્ટરની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઉપર યુનિક ઇન્વેસ્ટરની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

  • NSE પર ગુજરાતના 81 લાખ યુનિક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ

  • એક્સ્ચેન્જ પર રોજના 78,000 નવા રોકાણકારો ઉમેરાય છે

 

બિઝનેસ ખબરી, અમદાવાદ:

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) પર યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંક 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 9 કરોડને પાર કરી ગયો હતો. એક્સચેન્જમાં રજિસ્ટર્ડ કુલ ક્લાયન્ટ કોડ્સે 16.9 કરોડનો આંકડો પાર કર્યો હતો. આમાં 81 લાખ રોકાણકારો સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. આ યાદીમાં 1.6 કરોડ સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે અને 97 લાખ રોકાણકારો સાથે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે.

ઓક્ટોબર 2023 પછી બજારમાં પ્રવેશેલા નવા રોકાણકારોના લગભગ 42 ટકા ઉત્તર ભારતના હતા અને તેના પછી પશ્ચિમ ભારત (28 ટકા), દક્ષિણ ભારત (17 ટકા) અને પૂર્વ ભારત (13 ટકા)ના હતા. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રે આ સમયગાળા દરમિયાન નવા રોકાણકારોનો સૌથી વધુ આંકડો દર્શાવ્યો હતો જે નવા ઉમેરાયેલા તમામ રોકાણકારોમાં ચોથા ભાગ કરતા વધુ જેટલો હતો.

NSEના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે, તાજેતરમાં ઉમેરાયેલા 1 કરોડ નવા રોકાણકારો પાંચ જ મહિનાના ટૂંકા ગાળામાં એક્સચેન્જ પર નોંધાયા છે. ઇક્વિટી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ), આરઈઆઈટી, આઈએનવીઆઈટી, સરકારી બોન્ડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ વગેરે જેવા વિવિધ એક્સચેન્જ ટ્રેડેડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં વધી રહેલી સહભાગિતા માટે કેટલાક પરિબળોને જવાબદાર ગણી શકાય.

એનએસઈ ખાતે યુનિક ઇન્વેસ્ટરની સંખ્યા 6 કરોડથી વધીને 7 કરોડ થવામાં લગભગ 9 મહિનાનો સમય થયો હતો જ્યારે 8થી 9 કરોડ સુધી પહોંચતા માત્ર પાંચ મહિના જ થયા હતા. આ સમયગાળા દરમિયાન રોજના નવા યુનિક રજિસ્ટ્રેશન્સ ઓક્ટોબર 2023માં 47,000થી આ વર્ષના જાન્યુઆરીમાં 78,000 થયા છે. ઇન્વેસ્ટર બેઝમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ગણો વધારો જોવાયો છે જે ડિજિટાઇઝેશનમાં ઝડપી વૃદ્ધિ, વધતી રોકાણકાર જાગૃતતા, નાણાંકીય સમાવેશ અને મજબૂત માર્કેટ પર્ફોર્મન્સને આભારી છે.