October 16, 2024
શેરબજારની મંદીમાં ગત સપ્તાહે ગુજરાતી રોકાણકારોએ રૂ. 2.20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા

શેરબજારની મંદીમાં ગત સપ્તાહે ગુજરાતી રોકાણકારોએ રૂ. 2.20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ:

સેબી ચેરમેનના એક નિવેદન બાદ ભારતના શેરબજારોમાં ગત સપ્તાહ દરમિયાન મંદીની લહેર આવી હતી. જેના પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે રૂ. 14.50 લાખ કરોડનું ધોવાણ થયું હતું. BSE માર્કેટ કેપમાં ગુજરાતનો અંદાજે 15-16% શેર માનવામાં આવે છે અને તે હિસાબે એક સપ્તાહ દરમિયાન ગુજરાતીઓની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 2.20 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો.

ઇન્વેસ્ટેલિંગના ફાઉન્ડર ગુંજન ચોકસીએ જણાવ્યું કે, ભારતના સ્મોલ અને મિડ-કેપ શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે 15 મહિનામાં તેમનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો દર્શાવે છે. આ ઘટાડાનું કારણ વધુ પડતું મૂલ્યાંકન અને ફંડ લિક્વિડિટીમાં અસમાનતાની ચિંતા છે. સેબી ચેરમેનના નિવેદન બાદ બજારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેના કારણે બજારમાં વેચવાલીનું જોર છે. ખાસ કરીને મીડ અને સ્મોલ કેપ કંપનીઓમાં સ્ટ્રેસ દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી પરિસ્થિતિમાં વધુ સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી સ્મોલ અને મિડ કેપ્સ સ્ટોક્સમાં એક્સપોઝરને મર્યાદિત કરવું જોઈએ. નાના રોકાણકારો બજાર સ્થિર થાય ત્યાં સુધી ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવવી જોઈએ.

શેરબજારમાં વિતેલા સપ્તાહ દરમિયાન ગુજરાતી રોકાણકારોએ રોજના અંદાજે રૂ. 45,000 કરોડથી વધુ ગુમાવ્યા છે. તેવી જ રીતે સમગ્ર ભારતના રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં આ પાંચ દિવસો દરમિયાન દૈનિક અંદાજે રૂ. 2.88 લાખ કરોડનું ધોવાણ થયું છે. આ ઘટાડા બાદ ગુજરાતીઓના શેરબજારમાં કરેલા રોકાણનું મુલ્યું ઘટીને રૂ. 56.77 લાખ કરોડ થયું છે જે ગત સપ્તાહના અંતે રૂ. 58.92 લાખ કરોડ હતું.