November 21, 2024
ઈન્ફિબીમ એવેન્યુસને પેમેન્ટ એગ્રિગેટર તરીકેનું લાઈસન્સ મળ્યું

ઈન્ફિબીમ એવેન્યુસને પેમેન્ટ એગ્રિગેટર તરીકેનું લાઈસન્સ મળ્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

લિસ્ટેડ ફિનટેક કંપની ઈન્ફિબીમ એવેન્યુસે તેની પેમેન્ટ ગેટવે બ્રાન્ડ CCAvenue માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામગીરી કરવાની અંતિમ સત્તાવાર મંજૂરી મેળવી છે. ઈન્ફિબીમ એવેન્યુસે ઓક્ટોબર, 2022માં RBI પાસેથી પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામગીરી કરવા સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી. સોમવારે રિઝર્વ બેન્કે તેને પેમેન્ટ એગ્રિગેટરનું ફાઈનલ લાયન્સ આપ્યું છે.

ઈન્ફિબીમ એવેન્યુસ લિ.ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર વિશ્વાસ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં પહેલાથી જ અમારી પેમેન્ટ ગેટવે બ્રાન્ડ CCAvenue ગોલ્ડ સ્ટાન્ડર્ડ પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. ભારતીય વેપારીઓને સુરક્ષિત ટ્રાન્જેક્શન પ્રક્રિયા પ્રદાન કરવા અમે સતત આકરા નિયમનકારી માપદંડોનું પાલન કરી રહ્યા છીએ. પેમેન્ટ એગ્રિગેટર તરીકેનું ફાઈનલ લાયન્સ પ્રાપ્ત થતાં અમારો પેમેન્ટ બિઝનેસ વેગવાન બન્યો છે. તેમજ આ લાયન્સ સાથે અમે સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ ગ્રોથ, સિમલેસ સેવાઓ જારી રાખતાં વ્યાપક પ્રમાણમાં નાણાકીય સમાવેશકતામાં વધારો કરીશું.

હાલમાં ઈન્ફિબીમ પ્લેટફોર્મ પર 1 કરોડથી વધુ વેપારીઓ જોડાયેલા છે. આ વર્ષે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં જ પ્લેટફોર્મ પર 50 લાખ વેપારીઓ ઓનબોર્ડ કર્યા હતાં. કંપનીની આ વૃદ્ધિ તેની બેન્ક પાર્ટનર્સ અને વેપારીઓ સાથે સતત ગાઢ સંબંધ સ્થાપિત કરવાની વ્યૂહરચના છે. એક દાયકા કરતાં વધુ સમયથી કાર્યરત અગ્રણી પેમેન્ટ ગેટવે પ્લેયર CCAvenue ઈનોવેશન અને ટેક્ એડોપ્શનની સાથે તમામ ક્ષેત્રોમાં બિઝનેસ માટે ડિજિટલ ટ્રાન્જેક્શનને સરળ બનાવવામાં મોખરે છે. કંપનીએ તાજેતરમાં જ ભારત બિલ પે લાયસન્સ હેઠળ ઓપરેટિંગ યુનિટ તરીકે કામ કરવા પણ આરબીઆઈની મંજૂરી મેળવી હતી.

ઈન્ફિબીમ એવેન્યુસના CMD વિશાલ મહેતાએ જણાવ્યું હતું કે, BBPOU લાયસન્સ સાથેનું આ PA લાઇસન્સ ઈનોવેશન અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. અમે પેમેન્ટ ગેટવે અને બિલ પેમેન્ટ્સ સ્પેસમાં નોંધપાત્ર બજાર હિસ્સો સફળતાપૂર્વક મેળવ્યો છે અને હવે અમે આવનારા મહિનાઓમાં વધુ વિસ્તરણ અને બજાર હિસ્સામાં ઝડપી વૃદ્ધિ માટે સજ્જ છીએ.

કંપનીએ થોડા સમય પહેલાં જ CCAvenue મોબાઈલ એપ લોન્ચ કરી હતી. જે વિશ્વની સૌથી વધુ એડવાન્સ ઓમ્ની ચેનલ પેમેન્ટ એપ્સ પૈકી એક છે. CCAvenue TapPay એપ દેશભરના વેપારીઓ અને કિરાણા દુકાનોને દેશનું પ્રથમ પીન-ઓન-ગ્લાસ SoftPoS સોલ્યુશન પ્રદાન કરતાં ફીચર સાથે ઉપલબ્ધ છે. વેપારી કોઈપણ એન્ડ્રોઈડ ફોન પર આ એપ મફત ડાઉનલોડ કરી શકે છે. તેમજ પોઈન્ટ ઓફ સેલ મશીનની જરૂરિયાત વિના જ પેમેન્ટ સ્વીકારતા ટર્મિનલમાં તબદીલ કરી શકે છે. વેપારીઓ QR કોડ, લિંક આધારિત પેમેન્ટ્સ, તેમજ ટેપ-ટુ-પે સહિત વિવિધ માધ્યમો મારફત પેમેન્ટ સ્વીકારી શકે છે. આ ઈનોવેશન ભારતના અંતરિયાળ ગામોમાં ઓફલાઈન મોટી સંખ્યામાં વેપારીઓ સુધી પહોંચ બનાવવામાં મદદ કરશે. જે આરબીઆઈના એકંદરે વિઝનને પૂર્ણ કરતાં નાના વ્યવસાયોને મદદ કરશે. કંપની જિઓમાર્ટ સહિત મોટા એન્ટરપ્રાઈઝિસ અને સંસ્થાઓને માર્કેટપ્લેસ સોફ્ટવેર ટેક્નોલોજી પ્રદાન કરે છે.