-
- ગત વર્ષના 85.68 લાખ હેક્ટર સામે આ વર્ષે ખરીફ વાવેતર 83.70 લાખ હેક્ટર થયું
બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને રાજ્યમાં આ વર્ષે 126% વરસાદ પડ્યો હોવા છતાં વાવેતરને લઈને ખેડૂતોમાં થોડી ઉદાસીનતા રહેતા આ વર્ષે ખરીફ પાકના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતનાં કૃષિ વિભાગના આંકડા પ્રમાણે 23 સપ્ટેમ્બર સુધીમાં 83.70 લાખ હેકટરમાં ખરીફ વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયે 85.68 લાખ હેકટરમાં વાવેતર થયું હતું, એટલે કે ખરીફ પાક હેઠળનો વિસ્તાર 1.98 લાખ હેક્ટરથી વધારે ઘટ્યો છે.
ગુજરાતમાં કપાસ અને મગફળી ખરીફ સિઝનના મુખ્ય પાકો છે. આંકડા મુજબ કપાસમાં ગત વર્ષના 26.82 લાખ હેક્ટરની સરખામણીએ આ વર્ષે 3.16 લાખ હેક્ટર ઘટીને 23.66 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓવરઓલ વાવેતર વિસ્તારમાં જે ઘટાડો દેખાય છે તેનું મુખ્ય કારણ કપાસમાં ઓછું વાવેતર છે. કપાસમાં રોગ લાગુ પડી જવો અને ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો અન્ય પાક તરફ વળ્યા છે. ખાસ કરીને ઘણા ખેડૂતોએ મગફળીનો પાક લીધો છે. મગફળીની વાવણી 16.35 લાખ હેક્ટર સામે આ વર્ષે 19.10 લાખ હેકટરમાં થઈ છે. મગફળીમાં લગભગ ત્રણ વર્ષ બાદ 19 લાખ હેક્ટરથી વધારે વાવેતર નોંધાયું છે.
વાવેતર વિસ્તારમાં ઘટાડો જોઈએ તો ધાન્ય પાકોમાં કુલ 13.83 લાખ હેક્ટર્સની સામે આ વર્ષે 13.72 લાખ હેક્ટર્સમાં વાવેતર થયું છે. બાજરી 1.97 લાખ સામે 1.68 લાખ હેક્ટર, મગમાં 64,612 હેક્ટર સામે 55,161 હેક્ટર, તલમાં 58,205 હેક્ટરની સરખામણીએ 49,426 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.
સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર
પાક | 2023 | 2024 |
કપાસ | 26,82,386 | 23,66,661 |
મગફળી | 16,35,276 | 19,10,863 |
ડાંગર | 8,72,105 | 8,86,518 |
સોયાબીન | 2,65,736 | 3,00,789 |
બાજરી | 1,97,168 | 1,68,187 |
જુવાર | 19,676 | 19,015 |
મકાઇ | 2,82,439 | 2,85,316 |
તુવેર | 2,11,976 | 2,31,456 |
મગ | 64,616 | 55,161 |
મઠ | 14,949 | 13,199 |
અડદ | 79,275 | 83,753 |
તલ | 58,205 | 49,426 |
દિવેલા | 7,14,976 | 5,99,057 |
તમાકુ | 40,933 | 12,080 |
ગુવાર સીડ | 1,03,243 | 84,627 |
સોર્સ: ગુજરાત કૃષિ વિભાગ, વાવેતર હેક્ટરમાં