-
- આ પ્રોજેક્ટમાં કિરી દ્વારા ઉત્પાદિત 1500 મેગાવોટ ગ્રીન પાવરનો ઉપયોગ કરીને 3 લાખ ટન ગ્રીન એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે
બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગુજરાતની અગ્રણી કેમિકલ કંપનીઓમાંની એક અમદાવાદ સ્થિત કિરી ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડીયારી ઇન્ડોએશિયા એગ્રોટેક ફર્ટિલાઇઝર્સ લિમિટેડે અમરેલી જિલ્લાના પીપાવાવ બંદર નજીક ગ્રીન ફિલ્ડ “ગ્રીન ફર્ટિલાઇઝર” પ્રોજેક્ટ સ્થાપવા માટે રોકાણનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ પ્રોજેક્ટ માટે કંપની અંદાજે રૂ. 4,500 કરોડનું રોકાણ કરશે. આ પરિયોજના દર વર્ષે 16.5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન ડ્રાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ (એનપીકે) ખાતરોનું ઉત્પાદન કરશે.
એસોકેમ ગુજરાત કાઉન્સિલ દ્વારા આયોજિત “કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોન્ક્લેવ-2024″માં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મનીષ કિરીએ ઉદ્યોગો વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) સાઇન કર્યા હતા.
પ્રોજેક્ટ અંગે મનીષ કિરીએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાં ફર્ટિલાઇઝરનું વાર્ષિક 16.5 મિલિયન ટનનું ઉત્પાદન થશે. અમે 2027 સુધીમાં આ પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ કરી દેવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે જ આ પ્રોજેક્ટના કારણે અંદાજે 1,200 લોકોને રોજગારી પણ મળશે.
આ પ્રોજેક્ટમાં કિરી રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત 1,500 મેગાવોટની ગ્રીન પાવરનો ઉપયોગ કરીને 3 લાખ ટન ગ્રીન એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીએ ગુજરાત સરકારની ગ્રીન હાઈડ્રોજન/એમોનિયા પોલિસી હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ-2024માં ગુજરાત સરકાર સાથે MoU કર્યા હતા.