October 16, 2024
ગુજરાતમાં ડિફેન્સની અંદાજે 10 લાખ ચોરસ વારથી વધુ જમીન પર દબાણ

ગુજરાતમાં ડિફેન્સની અંદાજે 10 લાખ ચોરસ વારથી વધુ જમીન પર દબાણ

અમદાવાદ

સરકારી કે ખાનગી જમીનો પર દબાણ થવું એ હવે સામાન્ય બાબત બનતી જાય છે. એટલું જ નહીં પણ આર્મી અથવા તો ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. સસંસદના ચાલુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં ડિફેન્સની ૧૦,૩૧૮.૭૫ એકર (અંદાજે ૫ કરોડ ચોરસ વાર) જમીન પર દબાણ થયું છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં આ આંકડો ૯૬૨૨.૮૦ એકર (આશરે ૪૬.૫૭ કરોડ ચોરસ વાર) હતો. ગુજરાતની વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૧૮માં ગુજરાતમાં ૧૬૫ એકર (અંદાજે ૭,૯૮,૬૦૦ ચોરસ વાર) જમીન પર દબાણ થયું હતું જે અત્યારે ૩૦% જેટલું વધીને ૨૧૨.૭૫ એકર (અંદાજે ૧૦.૩૦ લાખ ચોરસ વાર) પર પહોંચી ગયું છે.

તમિલનાડુના તિરુનેલવેલીના સાંસદ એસ. જ્ઞાનતિરવિયમ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં કેન્દ્રીય રાજ્ય રક્ષા મંત્રી અજય ભટ્ટે આપી હતી. પ્રશ્નના ઉત્તરમાં આપાયેલા આંકડા મુજબ ડીફેન્સની જમીન પર દબાણના મામલે ગુજરાત દેશમાં ૧૩માં ક્રમે છે. વર્તમાન આંકડા પ્રમાણે દેશમાં સૌથીવધુ ઉત્તર પ્રદેશમાં ૧૭૯૭ એકર જમીન પર દબાણ નોંધાયું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં ૧૬૪૪ એકર, મહારાષ્ટ્રમાં ૧૦૨૩ એકર અને પશ્ચિમ બંગાળમાં ડીફેન્સની ૮૧૬ એકર જગ્યા પર દબાણ થયું છે.

ડીફેન્સની જમીનનું નિયમિત ઇન્સ્પેક્શન થાય છે
સરકારે સંસદમાં પૂછાયેલા જવાબમાં જણાવ્યું કે, સંલગ્ન ઓફિસ દ્વારા ડિફેન્સની જગ્યાનું નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જ્યારે દબાણ ધ્યાનમાં આવે ત્યારે પોલીસ, સ્થાનિક સત્તાવાળાઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરીને તેને દૂર કરવામાં આવે છે. સંરક્ષણ જમીન પર અતિક્રમણમાં રાજ્ય સરકારના સત્તાવાળાઓની કોઈ મિલીભગત નોંધવામાં આવી નથી. જો કે, સંરક્ષણ જમીનનો અમુક ભાગ ઓફિસો અથવા જાહેર ઉપયોગિતાઓ માટે કેટલીક રાજ્ય સરકારની એજન્સીઓને આપવામાં આવ્યો છે.

રાજ્ય 2019 2024
ઉત્તર પ્રદેશ 2204.836 1796.575
મધ્ય પ્રદેશ 1639.83 1643.676
મહારાષ્ટ્ર 923.5062 1022.57
પશ્ચિમ બંગાળ 558.165 816.0484
હરિયાણા 538.8215 793.4094
બિહાર 478.974 589.648
રાજસ્થાન 475.2829 478.1285
આસામ 460.5397 462.3127
પંજાબ 240.68 451.1075
નાગાલેંડ 357.53 356.1
જમ્મુ-કાશ્મીર 339.2447 314.1692
ઝારખંડ 304.932 302.522
ગુજરાત 164.6238 212.7499
તમિલનાડુ 101.2418 153.621
કર્ણાટક 131.7923 152.3736
દિલ્હી 111.3013 147.5745
તેલંગાના 146.2478 95.2236
અરુણાચલ પ્રદેશ 87.8141 77.985
છત્તીસગઢ 165.77 75.9
ઉત્તરાખંડ 57.3982 68.2916
સિક્કિમ 0.2903 64.844
હિમાચલ પ્રદેશ 60.1421 59.7369
આન્ધ્રપ્રદેશ 21.97 52.7965
ઓડીશા 0.11 50.935
લદ્દાખ 29.581
અંદામાન નિકોબાર 26.521 24.07
મેઘાલય 11.0855 13.3402
મણીપુર 6.1308 5.6478
ગોવા 4.264 5.1166
કેરળ 2.6839 2.617
લક્ષદીપ 0.08 0.08
મિઝોરમ 0.003
કુલ 10318.75