October 16, 2024
નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન પદે મિનેષ શાહની નિમણૂક

નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન પદે મિનેષ શાહની નિમણૂક

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ડેરી કોઓપરેટિવની સર્વોચ્ચ સંસ્થા નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCDFI)એ 5 એપ્રિલ, 2024ના રોજ બોર્ડ ચૂંટણી યોજી મિનેષ શાહની ચેરમેન પદે નિમણૂક કરી છે. આ સાથે જ જનરલ બોડી મિટિંગમાં આઠ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ઝારખંડ મિલ્ક ફેડરેશનના મિનેષ પટેલ, સિક્કિમ મિલ્ક યુનિયનના મંગલ જીત રાય, ગુજરાત મિલ્ક ફેડરેશનના શામળભાઈ પટેલ, હરિયાણા મિલ્ક ફેડરેશનના રણધીરસિંહ, કેરળ મિલ્ક ફેડરેશનના કે.એસ મણી, કર્ણાટક મિલ્ક ફેડરેશનના બાલચંદ્ર એલ જારકીહોલી, પંજાબ મિલ્ક ફેડરેશનના નરિન્દરસિંહ શેરગીલ, અને વેસ્ટ આસામ મિલ્ક યુનિયનનાં સમીર કુમાર પરિદા સામેલ છે. તદુપરાંત NDDBના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર એસ. રઘુપતિની પણ બોર્ડ ઓફ ડિરેક્ટર પદે પસંદગી કરવામાં આવી છે.

મિનેષ શાહ લાંબા સમયથી ડેરી કો-ઓપરેટિવ સેક્ટરમાં મુખ્ય ભૂમિકા સાથે નોંધનીય યોગદાન આપી રહ્યા છે. આ ક્ષેત્રના વિકાસ અને વૃદ્ધિ માટે વર્ષોથી અથાગ પ્રયાસો કરી રહ્યા છે, અને સફળતા પણ મેળવી છે. શાહ દેશભરના ડેરી ખેડૂતો અને પશુપાલકોના ઉત્થાન અને જરૂરિયાતોને સંબોધી એનસીડીએફઆઈના વિવિધ પ્રોગ્રામો અને પહેલોને વેગ આપશે. એનસીડીએફઆઈ ખાતે તેમની લીડરશીપ ડેરી ક્ષેત્રે વિકાસ સાથે ડેરી સમુદાયો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

મિનેષ શાહે આ તક અને જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એનસીડીએફઆઈના ઉદ્દેશો અને હેતુઓને પરિપૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ડેરી અને તે સંબંધિત ક્ષેત્રમાં કોઓપરેટિવ ફ્રેમવર્કને વેગ આપતાં તેમની પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓને દેશભરમાં વિસ્તરિત કરશે.