બિઝનેસ ખબરી, અમદાવાદ:
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)એ કેલેન્ડર વર્ષ 2024માં મેઇનબોર્ડ (90) અને SME (178)માં રૂ. 1.67 લાખ કરોડ એકત્રિત કરવા સાથે 268 સફળ IPO સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ કોઈપણ કેલેન્ડર વર્ષમાં નોંધાયેલા IPOની સૌથી વધુ સંખ્યા છે. વર્ષ 2024માં વિશ્વભરમાં કુલ 1,145 પબ્લિક ઇશ્યૂ આવ્યા હતા, 2023માં આ સંખ્યા 1,271 હતી. ભારતે આ મામલે નેતૃત્વ સંભાળ્યું હતું જેમાં NSE પર 268 કંપનીઓ પબ્લિક ઇશ્યૂ લાવી હતી અને રૂ. 1.67 લાખ કરોડ (19.5 અબજ ડોલર)નું ફંડ એકત્રિત કર્યું હતું.
આમાં મેઇન બોર્ડ અને SME લિસ્ટિંગનો સમાવેશ થાય છે જેમાં 90 કંપનીઓ (REiTS, InVITS અને એફપીઓ સિવાય) મેઇન બોર્ડ પર લિસ્ટ થઈ હતી અને રૂ. 1.59 લાખ કરોડ (18.57 અબજ ડોલર) એકત્રિત કર્યા હતા જ્યારે 178 SMEએ રૂ. 7,349 કરોડ (0.86 અબજ ડોલર) એકત્રિત કર્યા હતા. આ નાણાંકીય પ્રવૃત્તિમાં વધારો વિકાસ માટે જાહેર મૂડી ઇચ્છતી કંપનીઓમાં રહેલો ટ્રેન્ડ અને રોકાણકારોના મજબૂત રસને દર્શાવે છે.
NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે, આ કેલેન્ડર વર્ષમાં વિક્રમી સંખ્યામાં IPO દર્શાવે છે કે ભારતીય અર્થતંત્રમાં સંભાવના અને સ્થિતિસ્થાપકતા રહેલી છે. વિવિધ ક્ષેત્રોની કંપનીઓ તેની વિકાસની વ્યૂહરચનાઓને ટેકો આપવા માટે પબ્લિક માર્કેટના મહત્વને સમજી રહી છે. વાસ્તવમાં ડેટા સૂચવે છે કે NSEએ એકલા હાથે જ એશિયામાં અન્ય ટોચના એક્સચેન્જ કરતાં વધુ સંખ્યામાં IPO હાથ ધર્યા હતા જે જાપાન, હોંગ કોંગ અને ચીનના શેરબજારોએ સાથે મળીને હાથ ધરેલા આઈપીઓ કરતાં વધુ હતા.
આ ઉપરાંત એક્સચેન્જે 2024માં IPO થકી 17.3 અબજ ડોલરનું સૌથી વધુ ફંડ એકત્રિત કરવામાં ભૂમિકા ભજવી હતી જેની સામે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જે (NYSE) 15.9 અબજ ડોલર અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે 8.8 અબજ ડોલરનું ફંડ મેળવવામાં ભૂમિકા ભજવી હતી.
