-
- સર્વેમાં સમગ્ર ભારતના 24 શહેરો અને 186 કંપનીઓના 3,233 ગ્રાહકોની મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ રજૂ કરવામાં આવી છે
- અનેક કંપનીઓ ડેટા પ્રાઇવસી અંગે તેમના પોતાના કર્મચારીઓ અથવા ગ્રાહકોને શિક્ષિત કરવા અંગે પહેલ હાથ ધરવાની કોઈ યોજના ધરાવતી નથી
બિઝનેસ ખબરી, અમદાવાદ:
પીડબ્લ્યુસી ઈન્ડિયાના સર્વે રિપોર્ટ મુજબ ભારતમાં માત્ર 16% ગ્રાહકો અને 9% ભારતીય કંપનીઓને જ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા વિશે જાણકારી છે. ઇન્ટરનેટ યુઝર્સના વધેલા વ્યાપ છતાં ડિજિટલ સાક્ષરતા ભારતમાં ચિંતાનો વિષય બની રહી છે. ડિજિટલ સાક્ષરતાનું આ પરિબળ ગુપ્તતાની સાક્ષરતા સાથે ઘનિષ્ઠપણે જોડાયેલું છે. સમગ્ર દેશમાં 3,000 કરતાં વધુ ગ્રાહકો અને લગભગ 200 કંપનીઓ સાથેની વાતચીત પરથી ખ્યાલ આવ્યો છે કે દરેક વ્યક્તિ તથા કંપનીમાં ગુપ્તતાના પ્રાથમિક પાસાને સમજવામાં પણ મહત્વપૂર્ણ અંતર રહેલું છે.
પીડબ્લ્યુસીના એપીએસી સાયબર સિક્યોરિટી એન્ડ પ્રાઇવસીના લીડર શિવરામ કૃષ્ણને જણાવ્યું હતું કે, “ભારત હવે ઊંચી વૃદ્ધિ ધરાવતા ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ડીપીડીપી કાયદો 2023 મહત્વની ભૂમિકા ભજવશે. આ કાયદાની રજૂઆત અનેક રીતે કેટલાક અન્ય અર્થતંત્રોએ તેના પોતાના ડેટા પ્રાઇવસી કાયદા દ્વારા સ્થાપેલા ધોરણોને દર્શાવે છે. ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગુપ્તતાને લગતી કેટલીક પ્રક્રિયાઓ, પ્રોટોકોલ, અધિકારો અને જવાબદારીઓ અંગેની જાગૃતતાનો અભાવ સ્હેજે આશ્ચર્યજનક નથી, તો બીજી તરફ ગુપ્તતાને લગતી બાબતો અંગે વ્યવસાયોમાં વિશ્વાસનો સ્પષ્ટપણે અભાવ છે.”
આ સર્વે દર્શાવે છે કે વિવિધ પ્રદેશો, વયજૂથ, વ્યવસાયો અને શહેરી-ગ્રામીણ વિસ્તારોના માત્ર 16 ટકા ગ્રાહકો જ ડીપીડીપી કાયદા અંગે જાગૃત છે. સર્વેમાં એમ પણ જણાવાયું છે કે 56 ટકા ગ્રાહકો પર્સનલ ડેટા અંગેના તેમના અધિકારો અંગે જાગૃત નથી અને 69 ટકા ગ્રાહકો તેમની સંમતિ મેળવવા માટેના તેમના અધિકારો અંગે વાકેફ નથી. જ્યારે સગીરના અંગત ડેટાની વાત હોય ત્યારે 72 ટકા લોકો એ જાણતા નથી કે સગીરના અંગત ડેટાને સાચવવા માટે માતા-પિતા કે વાલીની મંજૂરીની જરૂર પડે છે.
ગ્રાહકોમાં જ નહીં, પરંતુ કંપનીઓમાં પણ જાગૃતતાનું નોંધપાત્ર અંતર જોવા મળે છે. સર્વે કરાયેલી માત્ર 40 ટકા કંપનીઓએ જ આ કાયદા અંગે જાણ હોવાનું જણાવ્યું હતું. આ પૈકી માત્ર 9 ટકા કંપનીઓ જ તેને વ્યાપકપણે સમજે છે. આટલું મોટું અંતર હોવા છતાં અનેક કંપનીઓ ગ્રાહક અધિકાર જાગૃતતા ઊભી કરવામાં રોકાણ કરવા માટે કોઈ યોજના બનાવતી નથી. માત્ર 42 ટકા કંપનીઓએ જ જણાવ્યું છે કે તેઓ સમજે છે અથવા કદર કરે છે કે આ કાયદાનું અનુપાલન એ ગ્રાહકોનો વિશ્વાસ ઊભો કરવા અને વધારવાની એક સારી તક છે. માત્ર બીએફએસઆઈ અને ફાર્મા સેક્ટર જ વિશ્વાસ ઊભો કરવાની જરૂરિયાતને સ્પર્ધાત્મક લાભ તરીકે ઓળખવાં અગ્રેસર (60 ટકાથી વધુ) છે. 32 ટકા ગ્રાહકો એવું માનતા હોય કે કંપનીઓ સંમતિ અંગેની બાબતોને ગંભીરતાથી લેતી નથી ત્યારે આ ખરેખર તાતી જરૂરિયાત છે. 69 ટકા કરતા વધુ ગ્રાહકો માને છે કે તેમનો ડેટા કંપનીઓ પાસે કદાચ સુરક્ષિત નથી. આ પૈકી 37 ટકા ગ્રાહકો ટિયર-3 શહેરોના છે.
પીડબ્લ્યુસી ઈન્ડિયાના બિઝનેસ અને ટેક્નોલોજી રિસ્કના પાર્ટનર અનિર્બન સેનગુપ્તાએ જણાવ્યુ હતું કે, “ભારતમાં નિયંત્રિત હોય અને ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર કામ કરતા હોય તેવા સેક્ટર્સે પ્રાઇવસી મિકેનિઝમમાં પરિપક્વતા બતાવી છે, પરંતુ તેમણે ડેટા પ્રાઇવસી કાયદા અને તેના અમલ અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. વિવિધ લોકોમાં ગુપ્તતાની જાગૃતતા ઊભી કરવામાં શરૂઆતના અવરોધો છતાં કંપનીઓ દ્વારા જે પ્રકારે ડેટાનું સંચાલન થાય છે તે અંગે ગ્રાહકોમાં વિશ્વાસનો મોટાપાયે અભાવ છે. હાલ ડેટા પ્રાઇવસીને પ્રાથમિકતા આપવા તથા ગુપ્તતા-સંબંધિત માહોલને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ અને ગ્રાહકો બંને તરફથી સક્રિય સામેલગીરીની જરૂરિયાત તરફનું સાંસ્કૃતિક સંક્રમણ કરવાની તાતી જરૂર છે.”
સર્વેમાં એમ પણ જણાવાયું છે કે ગ્રાહકો ડેટા પર તરાપ વાગવા અંગે ચિંતાત છે અને 44 ટકા ગ્રાહકોએ જો તેમનો ડેટા સુરક્ષિત રહેતો હોય તો વધુ કિંમત ચૂકવવાની તૈયારી બતાવી છે. 42 ટકા ગ્રાહકોને વિશ્વાસ નથી કે તેઓ જો ડેટા ચોરાઈ જાય તો તેઓ કંપનીની સર્વિસનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે કે કેમ. ટિયર-1 શહેરોમાં આ દર 46 ટકા જેટલો ઊંચો છે. 52 ટકા જેટલી કંપનીઓ પર્સનલ ડેટા અંગે વધારાના સિક્યોરિટી કંટ્રોલ્સનું આયોજન કરી રહી છે પરંતુ માત્ર ટેક્નોલોજી અનુપાલનને લગતા મુદ્દા ઉકેલી શકે નહીં. ટેક્નોલોજી, લોકોની કુશળતાઓ અને પ્રોસેસીસના મિશ્રણથી જ કંપનીઓ ડીપીડીપી કાયદાની જરૂરિયાતોને પહોંચી વળી શકશે.
કર્મચારીઓની વાત કરીએ તો સર્વે કરાયેલા કર્મચારીઓ પૈકી 20 ટકા તેમની કંપનીઓ સાથે પોતાનો અંગત ડેટા વહેંચવાનું પસંદ કરતા નથી. કંપનીના સર્વેના પરિણામો સાથે આ બાબત સુસંગત છે જેમાં 64 ટકા કંપનીઓએ તેમના પોતાના કર્મચારીઓને તેમના અંગત ડેટાની પુનઃખાતરી અપાય તેવી કોઈ પહેલની યોજના બનાવી નથી. ખાસ કરીને શ્રમિકો, નિવૃત્ત લોકો અને ગૃહિણીઓ સામે વધુ જોખમ છે જેઓ મોટાભાગે ડેટા ચોરાવાના જોખમો તથા તેમના અધિકારો અંગે અજાણ હોય છે. ડીપીડીપી કાયદાનું પાલન કરવા અંગે ગ્રાહકો કેટલી સાહજિકતા અનુભવે છે તે પૂછતાં 49 ટકા ગ્રાહકો પર્સનલ ડેટાના સવાલોનો જવાબ કેવી રીતે આપવો તે અંગે અનિશ્ચિત જણાયા હતા. 44 ટકા ગ્રાહકોને લાગ્યું કે પ્રાઇવસી નોટિસો સમજવા માટે ખૂબ જ લાંબી છે અને એટલા જ ગ્રાહકો તેની સાથે સંમત થતા પહેલા નોટિસો વાંચતા નથી. 84 ટકા ગ્રાહકોને ડીપીડીપી કાયદા વિશે ખબર જ નથી. આ જ પ્રકારે 80 ટકા કંપનીઓ આ કાયદા સાથે પડકારોની ધારણા ધરાવે છે. નિયમન હેઠળના બીએફએસઆઈ અને ટીએમટી સેક્ટર્સને તે સરળ લાગે છે જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને તે ખૂબ જ મુશ્કેલ લાગે છે.
ઇ-કોમર્સ, સોશિયલ મીડિયા અને ટેક્નોલોજી સેક્ટર 18-30 વર્ષના યુઝર્સને ડિજિટલ પ્રાઇવસી, કન્સેન્ટ મેનેજમેન્ટ, અંગત માહિતીની સુરક્ષા અને સમજ્યા વિના ડેટા શેર કરવાના પરિણામો અંગે શિક્ષિત કરવા પર ધ્યાન આપે તેની તાતી જરૂરિયાતો હોવાનું પણ સર્વેમાં જણાવાયું છે.